હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક અનોખું શિવ મંદિર છે, જેનું રહસ્ય આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી. ઉંચી ટેકરીઓ પર આવેલ આ મંદિર પાસે પાર્વતી અને વ્યાસ નદીનો સંગમ પણ છે. આ મંદિર પર દર 12 વર્ષે વીજળી પડે છે, પરંતુ આ મંદિરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તો ચાલો આપણે સદીઓથી ચાલતા આ રહસ્ય વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ…
પૌરાણિક કથા અનુસાર, અહીંની વિશાળ ખીણ સાપના રૂપમાં છે, જે સાપનો મહાદેવ દ્વારા વધ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, દર 12 વર્ષે ભગવાન ઇન્દ્ર ભોળાનાથની આજ્ઞાથી, આ મંદિર પર વીજળી પાડે છે. વીજળી પડવાથી મંદિરમાં રહેલી શિવલિંગ ખંડિત થઈ જાય છે. તેથી મંદિરના પૂજારી ખંડિત શિવલિંગ પર મલમ તરીકે માખણ લગાવે છે, જેથી મહાદેવને પીડાથી રાહત મળે.
અહીંના સ્થાનિક લોકો આ શિવલિંગને માખણ મહાદેવ કહે છે અને કેટલાક લોકો તેને વીજળી મહાદેવનું શિવાલય પણ કહે છે. ભોળાનાથનું આ શિવલિંગ કુલ્લુથી 18 કિલોમીટર દૂર મથાન નામના સ્થળે આવેલું છે.
પૌરાણિક કથામાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં કુલાન્ત નામનો રાક્ષસ રહેતો હતો. એકવાર તેણે બધા જીવોને મારી નાખવા માટે વ્યાસ નદીનું પાણી રોકી દીધું હતું. આ જોઈને મહાદેવ ખુબ જ ક્રોધિત થયા. અને પછી મહાદેવએ એક માયાની રચના કરી. ભગવાન શિવ આ રાક્ષસ પાસે ગયા અને તેને કહ્યું કે તેની પૂંછડીમાં આગ લાગી ગઈ છે.
મહાદેવની આ વાત સાંભળીને રાક્ષસે પાછળ જોયું કે, તરત જ શિવાજીએ ત્રિશૂલને કુલાન્ત રાક્ષસના માથા પર માર્યું અને તે મરી ગયો. એવું કહેવામાં આવે છે કે આ રાક્ષસનું વિશાળ શરીર એક પર્વતમાં પરિવર્તિત થઈ ગયું છે, જેને આજે આપણે કુલ્લુ પર્વત કહીએ છીએ.
દંતકથા અનુસાર, ભગવાન શિવએ કુલાન્તની હત્યા કર્યા પછી, ઇન્દ્રને કહ્યું હતું કે, તે દર 12 વર્ષે અહીં વીજળી પાડે. જન-ધન નષ્ટ ન થાય એટલા માટે ભગવાન શિવએ ઈન્દ્રને વીજળી પાડવાનું કહ્યું હતું. અહીં ભગવાન શિવ પોતે વીજળીનો આંચકો સહન કરી તેમના ભક્તોની રક્ષા કરે છે.