વિશ્વમાં હજારો લાખો જીવો છે પરંતુ તેમાંથી કેટલાક એવા વિચિત્ર છે કે, તેમને જોતા લોકો ખૂબ જ આશ્ચર્યજનક થઈ જાય છે. આમાંથી એક જીવ “ઓક્ટોપસ” છે. આ એક દરિયાઈ જીવ છે, જે દરિયાની અંદર રહે છે અને દરરોજની સવાર-સાંજ ખોરાકની શોધમાં દરિયાકિનારે આવે છે. તો ચાલો જાણીએ ઓક્ટોપસથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો…
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓક્ટોપસની લગભગ 300 પ્રજાતિઓ છે. તે વિશ્વના દરેક સમુદ્રમાં રહે છે. આ પ્રાણીને ભારતમાં ‘અષ્ટબાહુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેને આઠ હાથ હોય છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જ્યારે તેમને ખૂબ જ ભૂખ લાગે ત્યારે તે પોતાનો હાથ ખાય જાય છે.
ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે, જેમાંથી બે લોહી બનાવવાનું કામ કરે છે અને ત્રીજું લોહીને શરીરના બધા અવયવો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમના લોહીનો રંગ વાદળી છે. તેમના લોહીમાં કોપરની માત્રા વધારે છે, જેના કારણે તેમના લોહીનો રંગ વાદળી છે.
ઓક્ટોપસનો જીવનકાળ ખૂબ ટૂંકો હોય છે. તેમની કેટલીક જાતિઓ ફક્ત છ મહિના સુધી જ જીવે છે જ્યારે કેટલીક પાંચ વર્ષ સુધી જીવે છે. તેનું મગજ ખૂબ જ તીક્ષ્ણ હોય છે, કારણ કે તેની પાસે એક અથવા બે નહીં પણ નવ મગજ છે.
ઓક્ટોપસની કેટલીક પ્રજાતિઓ ખૂબ ઝેરી હોય છે. તે એટલી ઝેરી હોય છે કે, જો તે વ્યક્તિને એકવાર કરડે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આ જ કારણથી કેટલાક વૈજ્ઞાનિકો તેને સમુદ્રનો રાક્ષસ પણ કહે છે.
આજથી લગભગ 63 વર્ષ પહેલાં, 1957 માં, દક્ષિણ કેનેડામાં એક વિશાળ ઓક્ટોપસ મળી આવ્યો હતો, તેનું વજન આશરે 270 કિલો હતું અને તેના હાથ પાંચ મીટર લાંબા હતા.