ભારતમાં ઘણા મંદિરો છે જેનું જુદી જુદી રીતે પોતાનું વિશેષ મહત્વ છે. ઘણા મંદિરો તેમના ચમત્કારો માટે વિશ્વવિખ્યાત છે. આમાંથી એક મંદિર મધ્ય પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં સ્થિત છે. આ મંદિરમાં એક વિશિષ્ટ સ્થાન છે જ્યાં પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે. આ મંદિર કાલિસિંધ નદીના કાંઠે આવેલું છે. તે માતાનું મંદિર છે, જ્યાં ઘી અથવા તેલ નહિ પણ પાણીથી 24 કલાક દીવો પ્રગટાવવામાં આવે છે.
આગને પાણી દ્વારા બુજાવી શકાય છે, પરંતુ આ મંદિરનો દીવો ઘી અને તેલની જગ્યાએ પાણીથી પ્રગટાવવામાં આવે છે. શાહજહાંપુરના ગડિયા ઘાટ મંદિરમાં છેલ્લા 9 વર્ષથી આ પવિત્ર દીવો પ્રગટાવવામાં આવે છે.
મંદિરના પુજારી કહે છે કે પહેલા અહીં માતા દેવીની સામે એક તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ 9 વર્ષ પહેલા મંદિરના પૂજારીને સ્વપ્નમાં માતાએ દર્શન દીધા હતા અને કહ્યું હતું કે, હવેથી તેમનો દીવો ઘી અથવા તેલથી નહિ પણ પાણીથી પ્રગટાવવામાં આવે. ત્યારથી કાલિસિંધ નદીના પાણીથી આ દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દીવો ફક્ત કાલીસિંધ નદીના પાણીથી જ પ્રગટી શકે છે.
તેલની જગ્યાએ પાણીથી દીવા પ્રગટાવવામાં આવે છે તેથી આ મંદિરમાં દર્શન માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. આસપાસના સ્થળોએ મંદિરનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે. ધીરે ધીરે મંદિરની ખ્યાતિ વધતી ગઈ અને હવે દૂર-દૂરથી લોકો માતાનાં દર્શન કરવા અહીં આવે છે.
નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો મંદિરની મુલાકાત લે છે તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. મંદિરના પુજારી એમ પણ કહે છે કે, ચોમાસા દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધે છે અને મંદિર ડૂબી જાય છે જેથી ચોમાસા દરમિયાન દીવા પ્રગટાવવામાં આવતો નથી. આ દીવો નવરાત્રીમાં પ્રગટાવવામાં આવે છે.