આઝાદી પહેલાં, આપણો દેશ ઘણા નાના રાજ્યોમાં વહેંચાયેલો હતો. જેમાંનું એક રાજ્ય ‘પટિયાલા’ હતું. પટિયાલા સમૃદ્ધ રજવાડાઓમાંનું એક હતું. અહીંના મહારાજા “ભુપિંદર સિંહ” દેશના એવા પહેલા વ્યક્તિ હતા કે જેમની પાસે પોતાનું ખાનગી વિમાન હતું.
મહારાજા ભુપિંદર સિંહની જીવનશૈલી જોઈને અંગ્રેજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે જ્યારે વિદેશમાં જતા ત્યારે તે આખી હોટલ ભાડે રાખતા હતા. મહારાજા ભૂપિંદર સિંહ પાસે 44 રોલ્સ રૉયસ કાર હતી, જેમાંથી 20 કારનો ઉપયોગ ફક્ત દૈનિક રાજ્યની મુલાકાત માટે થતો હતો.
મહારાજા ભુપિંદર સિંહ પટિયાલા રજવાડાના એવા રાજા હતા કે, જેના વિશેની બધી જ બાબતો પ્રખ્યાત છે. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ઉભુ કરવામાં મહારાજાએ ઘણા પૈસા ખર્ચ્યા હતા. આ ઉપરાંત 40 ના દાયકા સુધી જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ વિદેશ જતી ત્યારે તેનો ખર્ચ આ મહારાજા આપતા હતા. જોકે તેના બદલામાં તેને ક્રિકેટ ટીમના કેપ્ટન રાખવામાં આવતા હતા.
દિવાન જર્મની દાસે તેમના પુસ્તક “મહારાજા” માં મહારાજા ભૂપિંદર સિંહ વિશે વિગતવાર લખ્યું છે. મહારાજા ભુપિંદર સિંહને 10 રાણીઓ અને 88 સંતાનો હતા. આ મહારાજાની ચર્ચાઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. 1935 માં, બર્લિનના પ્રવાસ પર તેમની હિટલર સાથે મુલાકાત થઈ. એવું કહેવામાં આવે છે કે, હિટલર મહારાજા ભુપિંદર સિંહથી એટલા પ્રભાવિત થયા હતા કે, તેમણે પોતાની મેબૈક કાર ભુપિંદર સિંહને ભેટમાં આપી દીધી. હિટલર અને મહારાજા ભુપિંદર સિંહ વચ્ચેની મિત્રતા લાંબા સમય સુધી ટકી હતી.
મહારાજા ભુપિંદર સિંહના અનેક ઉદાહરણો છે. વર્ષ 1929 માં, મહારાજાએ કિંમતી પથ્થરો, હીરા અને ઝવેરાતથી ભરેલી પેટી પેરિસના ઝવેરીને મોકલી. લગભગ 3 વર્ષની કારીગરી બાદ પેરિસના ઝવેરીએ એક ગળાનો હાર તૈયાર કર્યો જેની ખૂબ જ ચર્ચા થઈ. આ ગળાનો હાર તે સમયે દેશના સૌથી મોંઘા આભૂષણોમાંથી એક હતો.
પટિયાલાના મહારાજા ક્રિકેટને ખુબ જ ચાહતા હતા. બીસીસીઆઈની રચના સમયે, તેમણે એક વિશાળ નાણાકીય ફાળો તો આપ્યો, પરંતુ તે પછી પણ તેમણે હંમેશા બોર્ડને મદદ કરી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમનો એક ભાગ પણ મહારાજા ભુપિંદર સિંહના યોગદાન દ્વારા બનાવવામાં આવ્યો હતો.