બધા જ સ્થળોએ દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે, પરંતુ મધ્યપ્રદેશના મંદસૌર શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે પ્રતીકાત્મક રીતે તેનો વધ કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે, કારણ કે અહીંના લોકો માને છે કે, રાવણની પત્ની મંદોદરી મંદસૌર શહેરની હતી. આથી રાવણને અહીં જમાઈ માનવામાં આવે છે.
મંદસૌરના ખાનપુરા વિસ્તારમાં 41 ફૂટ ઉંચી રાવણની પ્રતિમાનો ઇતિહાસ 400 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. બે વાર રાવણની પ્રતિમાને નુકસાન થયા બાદ સ્થાનિક વહીવટીતંત્રે 2005 માં પ્રતિમાનું નવીનીકરણ કર્યું હતું. અહીંના લોકો મંદોદરીને શહેરની પુત્રી માને છે અને રાવણને જમાઈ માને છે, તેથી આ ગામની મહિલાઓ રાવણની પ્રતિમા સામેથી પસાર થતી વખતે લાજ (ઘૂમટો) કાઢે છે.
દશેરાના દિવસે સવારે લોકો ઢોલ-નગારા સાથે રાવણની મૂર્તિ પાસે જાય છે, અને રાવણની પૂજા કરે છે, દશેરાના દિવસે સાંજે ગોધુલી વેલામાં રાવણનું પ્રતીકાત્મક વધ કરવામાં આવે છે. એટલું જ નહીં, વધ કર્યા બાદ મહિલાઓ રાવણની પ્રતિમાને પથ્થરો મારે છે.
આ ગામમાં જ્યારે કોઈને તાવ આવે છે, ત્યારે તે રાવણની પ્રતિમાના પગમાં એક લાછ (પૂજાનો દોરો) બાંધે છે, એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી બીમારી મટી જાય છે. એવું માનવામાં આવે છે કે, અહીં સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી થાય છે, અહીં બહાર ગામથી પણ ઘણા લોકો સંતાન પ્રાપ્તિ માટે રાવણની પૂજા કરવા આવે છે.