વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી વિશ્વના ઘણા દેશો પ્રભાવિત થયા છે. મોટાભાગના લોકો આ જીવલેણ વાયરસના ચેપથી બચવા માટે ઘરમાં જ રહે છે. લોકો કોઈ જરૂરી કામ માટે બહાર જાય તો, તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન અને ફેસ માસ્ક અને ફેસ શિલ્ડનો ઉપયોગ કરે છે. આ દરમિયાન મણિપુરની એક યુવતીએ કમળની દાંડીમાંથી માસ્ક બનવાનું શરૂ કર્યું છે જેના કારણે તેની ખુબ જ ચર્ચા થઈ રહી છે.
મણિપુરના બિસેનપુર જિલ્લામાં રહેનારી 27 વર્ષીય ટોંગબ્રમ વિજયશાંતિએ કમળની દાંડીઓમાંથી માસ્ક બનાવ્યા છે. વિજયશાંતિ લાંબા સમયથી જ કમળની દાંડીઓમાંથી દોરા અને કાપડ બનાવે છે. આ કાર્યમાં તેની સાથે 15 મહિલાઓ કામ કરે છે અને તે 20 મહિલાઓને તાલીમ આપી રહી છે. વિજયશાંતિ ટોંગબ્રમ મણિપુરના પ્રખ્યાત લોકતક તળાવ નજીક થાંગા વિસ્તારની રહેવાસી છે.
લોકતક તળાવમાં ખુબ જ કમળનાં ફૂલો ખીલે છે. વર્ષ 2018-19માં, વિજયશંતિએ કમળની દાંડીઓમાંથી દોરાઓ અને કાપડ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. તેના આ ઉત્પાદનને ગુજરાત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યું હતું.
વનસ્પતિશાસ્ત્રના સ્નાતક વિજયશાંતિએ જણાવ્યું હતું કે, “હું મોટાભાગે ઇન્ટરનેટ પરથી ઉત્પાદન પદ્ધતિ વિશે શીખી હતી અને આ કાર્યને મારા એક શિક્ષકે મને આજીવિકાનું સાધન બનાવવાનું કહ્યું હતું અને મેં આ કાર્ય 2017-18માં શરૂ કર્યું.”
કમળની દાંડીમાંથી બનાવેલા કપડાંની વિદેશમાં ખુબ જ માંગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમમાં વિજયજયંતિના આ કર્યાની પ્રશંસા કરી હતી. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પણ ટ્વિટ દ્વારા, કમળની દાંડીમાંથી દોરા અને કાપડ બનાવતી વિજયશાંતિની પ્રશંસા કરી હતી.
મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેન સિંહે ટ્વીટ કર્યું હતું કે, મન કી બાતમાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમળની દાંડીમાંથી દોરા બનાવનારી મણિપુરની વિજયશાંતિની પ્રશંસા કરી. તેના પ્રયત્નોએ કમળની ખેતી અને કાપડ ઉદ્યોગના નવા પરિમાણો ખૂલ્યાં છે. તે હાલમાં કમળની દાંડીમાંથી માસ્ક પણ બનાવી રહી છે.