આજે બાવીસ વર્ષના એક યુવાન દર્દીએ મને સ્તબ્ધ કરી દીધો જ્યારે તેણે કહ્યું કે, ‘હું હંમેશા ઓનલાઈન રહું છું. મારું ડેટા કનેક્શન કે વાઈ-ફાઈ ક્યારેય બંધ નથી હોતું. જાગતો હોઉં ત્યાં સુધી દર દસથી પંદર મીનીટે હું મારા મેસેજીસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરતો રહું છું.’ I was literally shocked !
મારી યુરોલોજી સારવાર ઉપરાંત ‘Social Media Deaddiction’ માટે, મેં તેને કોઈ મનોચિકિત્સકને મળવાનું તો કહી દીધું, પણ તેની આ કબુલાતે મને વિચારતો કરી દીધો કે આપણે સહુ ઓનલાઈન શું કામ હોઈએ છીએ ? એ જાણવું બહુ જરૂરી છે કે આપણે કન્ઝ્યુમર છીએ, ક્રિએટર કે પછી કોમ્યુનિકેટર ? ઓનલાઈન થવા પાછળનો આપણો ઉદેશ્ય શું છે ? સંચાર, સર્જનાત્મક અભિવ્યક્તિ કે પછી અન્ય દ્વારા સ્વીકૃતિ ?
એવા બહુ ઓછા હોય છે જેમને માટે સોશિયલ મીડિયા ફક્ત મનોરંજનનું સાધન હોય. મોટાભાગના તો અહીં પ્રેમ અથવા પ્રશંસાની શોધમાં નીકળેલા હોય છે. મેસેન્જર હોય કે વોટ્સ એપ, સતત ઓનલાઈન રહેવાની ઘટના એક વાતની સાબિતી આપે છે કે આપણે ક્યાંક અધૂરા કે અસંતુષ્ટ છીએ. એક સાવ અપરિચિત અને ભ્રામક વિશ્વમાં આપણે સતત ઝંખ્યા અને શોધ્યા કરીએ છીએ પ્રેમ, સહાનુભૂતિ, વહાલ, વખાણ અને સન્માન. અજાણ્યા લોકો પાસેથી પ્રેમ અને સ્વીકાર મેળવવાની આ શોધ અવિરત ચાલતી રહેશે કારણકે જીવતા રહેવા માટે ‘એકનોલેજમેન્ટ’ એ દરેક મનુષ્યની મૂળભૂત જરૂરીયાત છે.
મમ્મી અને પપ્પાએ સ્થાપેલા પ્રેમના ધોરણો એટલા બધા ઊંચા હોય છે કે એવો અને એટલો જ પ્રેમ આપણે અન્ય પાસેથી પણ મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. પરિણામે રીયલ અને વર્ચ્યુઅલ વિશ્વમાં આપણે સહુ ‘લવસીક’ બનીને ભટક્યા કરીએ છીએ અને શોધ્યા કરીએ છીએ એક એવો સથવારો જે આપણને અખૂટ, અવિરત અને અપેક્ષા બહારનો પ્રેમ કરી શકે. કેટલાક લોકો રિલેશનશિપમાં હોવા છતાં પણ પ્રેમ પામી નથી શક્તા. પ્રેમની ખામી દરેક મનુષ્યમાં એક એવી અજંપાભરી સ્થિતિનું નિર્માણ કરી નાખે છે જે એને સતત ‘અવેલેબલ’ રહેવા માટે મજબૂર કરી દે છે.
પાડોશીના ઘરમાં વાટકી લઈને ખાંડ માંગવા જઈએ, એ રીતે કોઈની પાસેથી પ્રેમ નથી માંગી શકાતો. જ્યાં સુધી માંગ્યા વગર પામી શકાય, ત્યાં સુધી જ એ પ્રેમ રહે છે. પછી એ માંગણી બની જતો હોય છે. અમેરિકન ગાયક નીના સિમોને એવું કહેલું કે ‘યુ હેવ ટુ લર્ન ટુ ગેટ અપ ફ્રોમ ધ ટેબલ, વ્હેન લવ ઈઝ નો લોન્ગર બિઈંગ સર્વ્ડ.’ જે જગ્યાએથી પ્રેમ મળવાનું બંધ થઈ જાય છે, એ સ્થળેથી ચાલ્યા જવું.
થોડો સમય સાથે વિતાવવાનું, વાતો કર્યા કરવાનું કે કાળજી રાખવાનું જો તમારે સતત કોઈ વ્યક્તિને કહ્યા કરવું પડતું હોય તો સમજી લેવું કે ત્યાંથી મળતો પ્રેમનો જથ્થો હવે ઉપલબ્ધ નથી. જે માંગ્યા પછી મળે છે, એ સહાનુભૂતિ હોય શકે, પ્રેમ ક્યારેય નહીં. નિમંત્રણ વગર ઓચિંતો આવી ચડે અને રોકવાના પ્રયત્નો પછી પણ આપણા હ્રદયની દીવાલો સાથે સતત અફળાયા કરે, એ પ્રેમ છે. ફ્રેન્ડ રીક્વેસ્ટની જેમ વિનંતી કરીને એ ક્યારેય નથી મળવાનો. એ અનાયાસે જ મળી જતો હોય છે, સૌથી અનપેક્ષિત જગ્યા અને વ્યક્તિ પાસેથી. શોધવાથી કે પીછો કરવાથી જે ક્યારેય નથી મળવાનો અને કોઈ બીજા કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે રોંગ સાઈડમાં આવીને સામેથી અથડાય, એ પ્રેમ છે.
પ્રાણી માત્રની એ સૌથી મોટી લાચારી છે કે પ્રેમ મેળવવા માટે એ કાયમ પરાવલંબી રહેશે. જો પોતાની જાત કરતા પણ વધારે પ્રેમ કરનારું તમને કોઈ મળ્યું હોય, તો એ ઈશ્વરની મહેરબાની છે. એવા લોકો મહેનતથી નથી મળતા, કિસ્મતથી મળતા હોય છે. એમનો હાથ ક્યારેય ન છોડવો. કારણકે કેટલાક ગમતા હાથ છૂટ્યા પછી, હથેળીઓ કાયમને માટે ખુલ્લી રહી જતી હોય છે અને આસપાસના દરેક સંભવિત ઉમેદવારને પૂછ્યા કરતી હોય છે કે થોડો પ્રેમ આપશો ?
લેખકઃ-ડૉ. નિમિત્ત ઓઝા