Home જાણવા જેવું આયુર્વેદ મુજબ જાણો, ઔંષધ લેવાની સાચી રીત, પદ્ધતિ અને સમય..

આયુર્વેદ મુજબ જાણો, ઔંષધ લેવાની સાચી રીત, પદ્ધતિ અને સમય..

685

સમય, તે મનુષ્યનાં જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. સાચા સમયે સાચી વસ્તુની પ્રાપ્તિ થાય તે જરૂરી છે. આયુર્વેદ પણ સમયને ખૂબ સારી રીતે જાણે છે અને સમજે છે. વિવિધ રોગ પ્રમાણે ઔષધિ લેવાનાં જૂદા જૂદા કાળ આયુર્વેદમાં વર્ણવામાં આવ્યા છે. મોટા ભાગે લોકો ઔષધો બે વખત જમ્યા પછી કે પહેલાં લેતાં હોય છે પરંતુ આયુર્વેદ તેનાંથી પણ વધુ ગહન છે. તેમાં જે દોષ કુપિત થયો હોય તે પ્રમાણે ઔષધ લેવાનું વિધાન છે. તો આઓ, જાણીએ અને સમજીએ ઔંષધ લેવાની સાચી રીત અને પદ્ધતિ.

1. અભક્ત – તે કોઈ પણ અન્ન લીધા વગર (ખાલી પેટે) સૌ પ્રથમ ઔષધ ગ્રહણ કરવાનો સમય છે. જયારે રોગ વધુ હોય અને રોગી મજબૂત કે યુવા અવસ્થામાં હોય ત્યારે તેમને આ સમય સૂચવવામાં આવે છે. મોટા ભાગે તે સવારનો સમય હોય છે. સ્વરસ, કલ્ક, ક્વાથ, હિમ અને ફાંટ વગેરે અલગ અલગ પ્રકારનું સેવન સવારનાં સમયમાં કરવું જોઈએ.

વૃદ્ધ અને બાળકોએ આ સમયે વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું જોઈએ.

પિત્ત અથવા કફ દોષની વૃદ્ધિ થઇ હોય ત્યારે વિરેચન કે વમન માટે અને વિશેષ કરીને કફ દોષને બહાર કાઢવા માટે પ્રાતઃ કાળમાં જ ઔષધ નો પ્રયોગ કરવો જોઈએ.

2. પ્રાગભક્ત – જેમાં ભોજન કરતાં પહેલાં ઔષધનું સેવન કરવામાં આવે છે. તે જયારે અપાન વાયુની વિકૃતિ હોય ત્યારે સૂચવવામાં આવે છે. જયારે અપાન વાયુ વિકૃત થાય ત્યારે ગર્ભાશય, મૂત્રાશય કે મળાશયમાં તકલીફ પેદા કરે છે. વૃદ્ધ અને નાનાં બાળકો અને ઓછાં બળ ધરાવતાં વ્યક્તિઓ માટે તે હિતકર રહે છે. આ ઉપરાંત તે આમાશયમાં રહેલાં દોષો માટે પણ સારું પરિણામ આપે છે.

3. મધ્યભક્ત – તે અંતર્ગત અડધું ભોજન સમાપ્ત થાય પછી ઔષધિનું સેવન કરાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર જયારે સમાન વાયુ અને પાચક પિત્તની વિકૃતિ હોય ત્યારે આ સમયનો ઉપયોગ કરવામાં આવે છે. મંદાગ્નિ અને જઠરાગ્નિને લગટી વિવિધ તકલીફોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

4. પશ્ચાતભક્ત – તે જમ્યાં પછી લેવામાં આવે છે અને મોટાં ભાગે શરીરનાં ઉપરનાં ભાગના રોગો માટે સારું પરિણામ આપે છે. આયુર્વેદમાં વ્યાન વાયુની વિકૃતિંમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાન વાયુ સમગ્ર શરીરમાં પ્રસરે છે પરંતુ તે મુખ્યત્વે હ્ર્દયમાં તેનું સ્થાન માનવામાં આવે છે.

સવારે જમ્યાં પછીનો સમય તે હ્ર્દયગત વ્યાધિઓ માટે સારો રહે છે.

રાત્રે જમ્યાં પછીનો સમય તે ઉદાન વાયુની વિકૃતિ માટે વાપરી શકાય છે. ઉદાન વાયુ તે આપણી બોલવાની શક્તિ, પ્રયત્ન, અને ઉર્જા માટે જવાબદાર છે.

5. અંતરાભક્ત – તે બે ભોજન વચ્ચે નો સમય છે. તેમાં સવારનું ભોજન પછી ગયા પછી ઔષધ લેવાનું હોય છે અને તે ઔષધ પછી જાય પછી સાંજનું ભોજન લેવામાં આવે છે. વ્યાન વાયુની વિકૃતિમાં આ સમય વપરાય છે.

6. સભક્ત – તેમાં ભોજનની સાથે અથવા તો ભોજનની અંદર જ ઔષધ મિશ્ર કરીને આપવામાં આવે છે. મંદાગ્નિ, ભોજનમાં અરુચિ માં તે ખૂંપબા સારું પરિણામ આપે છે. નાનાં બાળકો , વૃદ્ધ અને સુકુમાર વ્યક્તિઓ માટે તે સારું રહે છે.

7. ગ્રાસ અને ગ્રાસઅંતરાહ –

અ. સગ્રાસ – દરેક કોળીયાની સાથે ઔષધને મિશ્ર કરીને આપવામાં આવે છે.

બ. ગ્રાસઅંતરાહ – તેમાં એક કોળિયા પછી ઔષધ લેવામાં આવે છે અને પછી બીજો કોળિયો લેવામાં આવે છે.

પ્રાણ વાયુની વિકૃતિમાં આ રીતે ઔષધ આપવામાં આવે છે. ભોજનને ગળે ઉતારવાનું કામ પ્રાણ વાયુનું છે જે કારણે આ સમય ખૂબ યોગ્ય રહે છે. આ ઉપરાંત, તે અગ્નિ પ્રદીપન અને વાજીકરણમાં પણ ખૂબ સારો ભાગ ભજવે છે.

8. સમુદ્રગ – તેમાં ભોજનની પહેલાં અને પછી તેમ બે સમય ઔષધ લેવામાં આવે છે.હેડકી આવવી, ધ્રુજારી થવી, હાંસડીના હાડકાથી ઉપરના વિકારોમાં તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં ઔષધ પ્રવાહી હોવું જોઈએ.

9. મુહૂરમુહુ – તેમાં ઔષધ વારંવાર લેવામાં આવે છે. તેના પણ બે પ્રકાર પડે છે.

અ. સભક્ત – ભોજન લઈને વારંવાર ઔષધ લેવું

બ. અભક્ત – માત્ર ઔષધ જ લેવું અને ભોજન ન લેવું

તેને શ્વાસ, ખાસ (ખાંસી), હેડકી, ઉલ્ટી, વધુ તરસ લાગવી અને વિષથી દૂષિત ખોરાક લીધો હોય તેવાં વ્યક્તિને આપી શકાય છે.

10. નિશી – તેમાં રાત્રે સાંજનું ભોજન પછી ગયાં પછી ઔષધ લેવામાં આવે છે. ગળા અને તેની ઉપરનાં રોગો માટે આ ઔષધ લેવામાં આવે છે.

આયુર્વેદ તે ખૂબ જ ગહન શાસ્ત્ર છે અને તે દરેક મનુષ્યનાં વિકારોને ઝીણવટથી સમજી તેને યોગ્ય કરવાનો પ્રયત્ન કરે છે. વિવિધ પ્રકારનાં વાયુઓ, પિત્ત અને કફને પણ અલગ અલગ રીતે અલગ અલગ સમયે ઔષધ પ્રયોગ દ્વારા ચિકિત્સા કરવાનું આટલું વર્ણન આયુર્વેદમાં જ વર્ણિત છે. ચાલો સૌ ભેગા મળીને આયુર્વેદને સમજીએ અને આગળ ધપાવીએ. આજે જ તમારાં વૈદ્યમિત્ર નો સંપર્ક કરો અને જાણો તમારાં યોગ્ય ઔષધિ ગ્રહણ કાળ વિષે.

લેખક:- વૈદ્ય મિલિન્દ તપોધન.