15 ઓગસ્ટ 1947 માં આપણા દેશ ભારતને બ્રિટીશ શાસનમાંથી આઝાદી મળી. આ દિવસ દરેક ભારતીય માટે મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં 15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન લાલ કિલ્લામાં ધ્વજવંદન કરે છે.
પરંતુ આજે અમે તમને એક ભારતીય મહિલા વિશે જણાવીશું જેણે આઝાદીના 40 વર્ષ પહેલાં વિદેશમાં ભારતનો ધ્વજ લહેરાવીને બ્રિટિશરોને પડકાર આપ્યો હતો. આ ધ્વજ 22 ઓગસ્ટ 1907 માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં લહેરાવવામાં આવ્યો હતો. જો કે તે સમયે ધ્વજ આજે છે તેવો નહોતો.
આપણે જે સ્ત્રીની વાત કરી રહ્યા છીએ તે છે “ભિખાઈજી કામા”. તે ભારતના એક પારસી નાગરિક હતા. ભારતની સ્વતંત્રતા માટે તેણે લંડનથી લઈને જર્મની અને અમેરિકા સુધી પ્રવાસ કર્યો હતો. ભિખાઈજી કામા દ્વારા પેરિસથી પ્રકાશિત થયેલ ‘વંદે માતરમ્’ ગીત પ્રવાસીઓમાં ખુબ જ પ્રખ્યાત થયુ.
ભિખાઈજી કામાએ જર્મનીમાં જે ધ્વજ લહેરાવ્યો હતો તેમાં દેશના વિવિધ ધર્મોની ભાવનાઓ અને સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ઇસ્લામ, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મને પ્રદર્શિત કરવા માટે લીલા, પીળા અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી, તેની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ્’ લખવામાં આવ્યું હતું.
ભિખાઈજી કામાએ આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસના ભાષણમાં કહ્યું હતું કે, ‘ભારતમાં બ્રિટીશ શાસન ચાલુ રાખવું એ માનવતાના નામે કલંક છે. આ દ્વારા એક મહાન દેશ ભારતના હિતોને ભારે નુકસાન થયું હતું. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને ભારતને ગુલામીમાંથી મુક્ત કરવામાં સહકાર આપવા અપીલ કરી અને ભારતવાસીઓને કહ્યું હતું કે, “આગળ વધો, આપણે હિન્દુસ્તાની છીએ અને હિન્દુસ્તાન હિન્દુસ્તાનીનું છે”.
ભિખાઈજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ બોમ્બે (મુંબઇ) માં થયો હતો. તેમનામાં લોકોને મદદ અને સેવા કરવાની ભાવના હતી. 1896 માં, મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યા પછી, ભિખાઈજી કામાએ કેટલાય દર્દીઓની સેવા કરી. જોકે થોડા સમય પછી તેને પણ પ્લેગ નામનો રોગ થયો હતો, પરંતુ સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગયા હતા. આઝાદીના ઘણા વર્ષો પહેલા જ 13 ઓગસ્ટ 1936 માં 74 વર્ષની વયે ભિખાઈજી કામાનું અવસાન થયું.