એ સાલ હતી ઈ. સ. ૧પ૫૫ ની જયારે પોર્ટુગીઝ સેના કાલીકટ, બીજાપુર, દમણ, મુંબઈ પર કબજો જમાવીને ગોવા ને પોતાનું હેડક્વાર્ટર બનાવી ચૂકી હતી. સામે ટક્કર આપવા વાળું કોઈ સક્ષમ ન હોઈ તેમણે પુરાતન કપિલેશ્વર મંદિરને વિધ્વંસ કરીને તેની જગ્યાએ ચર્ચ સ્થાપિત કર્યું.
હવે તેમનું આગળનું નિશાન હતું મેંગલોર નું વ્યવસાયિક બંદર, પરંતુ તેમની બદકિસ્મતી એ હતી કે ત્યાંથી ફક્ત ૧૪ કિલોમીટર દૂર’ ‘ઉલ્લાલ’ રાજ્ય હતું. અને ત્યાંની શાસક હતી રાણી “અબક્કા ચૌટા”(Abbakka Chowta). જેની શૌર્યતા ભલભલા મહારથીઓને યુદ્ધમાં ધૂળ ચાટતા કરી દે તેવી હતી.
પોર્ટુગીઝોએ રાણી ને ખુબ ગંભીરતાથી ન લઈને ફક્ત થોડા સૈનિકો ને રાણીને બંધક બનાવવા મોકલ્યા. પરંતુ એમાંથી કોઈ પાછું ન આવ્યું. ક્રોધિત પોર્ટુગીઝોએ એડમિરલ ડોમ અલ્વેરો દ- સિલ્વીરા (Dom Alvaro da silveira) ના નેતૃત્વમાં મોટી સેના મોકલી. પરંતુ એડમિરલ ખાલી હાથે જખ્મી થઈને પાછો આવ્યો. ત્યારબાદ પોર્ટુગીઝોની ત્રીજી કોશિશ પણ નિષ્ફળ સાબિત થઈ.
આખરે પોર્ટુગીઝોની સેનાએ ચોથી વારના પ્રયાસમાં મેંગલોર બંદર જીતી લીધું. તેમનું માનવું હતું કે હવે રાણીના કિલ્લાને જીતવો આસાન હશે. પછી તેમણે જનરલ જાઓ પિક્સીટો (Jao peixoto) મોટી સંખ્યામાં સૈન્યબળ લઈને રાણીને બંધક બનાવવા નીકળી પડ્યો.
પરંતુ આ શું…..? આખો કિલ્લો ફરી વળ્યાં છતાં રાણીનો કે બીજા કોઈનો કંયાય અતો પત્તો ન હતો. પોર્ટુગીઝ સેના વગર લડયે કિલ્લા પર વિજય હાંસીલ થવાથી હર્ષોલ્લાસ માં આવી ગઈ. રાત્રે કિલ્લામાં તેઓએ જશ્ન મનાવ્યો. પોર્ટુગીઝોની સેના રાત્રિના જશ્નમાં ડુબેલી હતી કે અચાનક રાણી અબક્કા પોતાના ૨૦૦ ચુનંદા યોદ્ધાઓ સાથે તેમના પર ભુખ્યા સિંહની માફક તુટી પડી. તેમને હથિયારો લેવાનો પણ મોકો ન મળ્યો અને પોર્ટુગીઝોને તહસનહસ કરી નાંખ્યા.
વગર લડ્યે જનરલ અને અધિકાંશ પોર્ટુગીઝો માર્યા ગયા. બાકીનાઓએ આત્મસમર્પણ કરી દીધું. તે જ રાત્રે રાણી અબક્કા એ મેંગલોર બંદર પર હુમલો કર્યો. અને પોર્ટુગીઝ ચીફ ને પૂરો કરી નાખીને બંદર ને મુક્ત કરાવ્યું.
હવે તમે અંત જાણવા માટે ઉત્સુક હશો….. રાણી અબક્કા ના દેશદ્રોહી પતિએ પોર્ટુગીઝો પાસેથી પુષ્કળ ધન લઈને રાણીને પકડાવી દીધી અને જેલમાં રાણી વિદ્રોહ દરમ્યાન ઈ. સ. ૧૫૭૦ માં તેમનું અવસાન થયું હતું. (જન્મ ઈ. સ. ૧૫૨૫)
એક એવી વીરાંગના કે જે ત્રણ દાયકા સુધી વિદેશી આક્રાંતાઓ સામે ઝઝુમતી રહી. છતાં પણ આપણામાંથી ઘણાએ રાણી અબક્કા ચૌટા વિશે લગભગ સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય. આપણા પાઠયપુસ્તકો પણ ચુપ છે…. શું કારણ છે…?? જો આ રાણીએ યુરોપ કે અમેરિકામાં જન્મ લીધો હોત તો તેના પર કેટલાયે પુસ્તકો લખાયા હોત. અને તેના નામ પર કેટલાયે રોડ રસ્તા અને કદાચ તેના નામ પરથી એકાદ શહેરનું નામ પણ હોત.. પરંતુ અફસોસ….