ફ્લાઇટની નીચેના ભાગમાં લેડિંગ ગિયર સાથે ચોંટીને 16 વર્ષના છોકરાએ યાત્રા કરવાની ઘટના સામે આવી છે. લંડનથી ઉડાન ભર્યા બાદ જ્યારે ફ્લાઇટ નેધરલેંડના હોલેંડ પહોંચી તો એરપોર્ટ સ્ટાફને લેડિંગ ગિયર પાસે છોકરો હોવાની જાણકારી મળી.

લગભગ 19 હજાર ફૂટની ઉંચાઇ પર એકદમ ઠંડામાં રહેવાના લીધે છોકરો હાઇપોથર્મિયાનો શિકાર થઇ ગયો હતો. તેના લીધે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો, હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
ન્યુઝના રિપોર્ટ અનુસાર છોકરાએ લેડિંગ ગિયર પાસે ચોંટીને લગભગ 510 કિમીની યાત્રા પુરી કરી. હોલેંડના માસ્ટ્રિચ્ટ એરપોર્ટ પર ફ્લાઇટ લેંડ કર્યા બાદ તેને ઉતારવામાં આવ્યો.

કહેવામાં આવી રહ્યું છે કે છોકરો તુર્કી એરલાઇનની કાર્ગો ફ્લાઇટના લેડિંગ ગિયર સાથે ચોંટેલો હતો. એક દિવસ પહેલાં જ ફ્લાઇટ કેન્યાથી ઇંસ્તાંબુલ થઇને લંડન પહોંચી હતી. ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તે એ વાતની તપાસ કરશે કે શું માનવ તસ્કરીનો કેસ તો નથી.
માસ્ટ્રિચ્ટ એરપોર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે છોકરો ખૂબ ભાગ્યશાળી હતો કે આ પ્રકારની મુસાફરી કર્યા બાદ પણ જીવિત બચી શક્યો. આ પહેલાં પણ કેટલાક લોકો લેડિંગ ગિયર બોક્સ સાથે ચોંટીને મુસાફરી કરવાની ઘટના સામે આવી છે. પરંતુ મોટાભાગે ઘટનાસ્થળે લોકોનો જીવ ગુમાવવો પડ્યો છે.