આ એના કેસેનહોફર છે. ઓસ્ટ્રિયાની ૩૦ વર્ષની આ મહિલાએ ટોકિયો ઓલમ્પિકમાં ‘મહિલા સાયકલીંગ રોડ રેસ’માં સૌથી ઝડપી ૧૩૭ કિલોમીટર સાયકલીંગ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ઓલમ્પીકમાં રમતવીરો ગોલ્ડ મેડલ મેળવે એ આમ જોવા જાવ તો બહુ નવાઈની વાત નથી કારણકે પ્રોફેશનલી એનું કામ જ એ છે. પરંતુ એના કેસેનહોફર પ્રોફેશનલી રમતવીર નથી. એ એક વૈજ્ઞાનિક છે અને ફુલટાઈમ પોતાના સંશોધનના કામમાં વ્યસ્ત હોય છે આમ છતાં પ્રોફેશનલ મહિલા રમતવીરોને પાછળ રાખીને ગોલ્ડમેડલ જીતીને એણે બધાને આશ્વર્યમાં મૂકી દીધા છે.
ઓસ્ટ્રિયાની એના કેસેનહોફરે વિયેનાની ટેકનીકલ યુનીવર્સીટીમાંથી બી.એસ.સી. કર્યું, વિશ્વવિખ્યાત કેમ્બ્રીજ યુનીવર્સીટીમાંથી એમ.એસ.સી, કર્યું અને કેટેલોનિયાની પોલીટેકનીક યુનીવર્સીટીમાંથી પી.એચ.ડી. કર્યું. ગણિતમાં ખુબ નિપૂણ આ વૈજ્ઞાનિક એની ટીમ સાથે અત્યારે એક બહુ મહત્વના પ્રોજેક્ટ પર સંશોધન કામ પણ કરી રહી છે.
આપણે થોડા મોટા પદ પર પહોંચીએ કે થોડી મોટી જવાબદારી આવે એટલે ‘મારી પાસે હવે સમય જ નથી રહેતો’ એવા બહાના હેઠળ આપણે શારીરિક કસરતથી આપણી જાતને દુર રાખીએ છીએ જ્યારે એના કેસેનહોફર અત્યંત મહત્વની જવાબદારી નિભાવતી હોવા છતાં પોતાની જાતને સાયકલીંગ માટે તૈયાર કરીને એના દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવે છે.
કોઈ મહિલા વૈજ્ઞાનીકે ઓલમ્પિકનો ગોલ્ડ મેડલ જીત્યો હોય એવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
આપણે આપણા દેશને ગોલ્ડ મેડલ ન અપાવી શકીએ તો કોઈ વાંધો નહીં પરંતુ કમસેકમ પોતાની જાત માટે સમય કાઢીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તો બનીએ જેથી જે ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં સ્ફૂર્તિથી કામ કરીને દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ.
સૌજન્ય:- શૈલેષ સગપરીયા