Homeધાર્મિકશા માટે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર અર્જુનને જ્ઞાન આપે છે ?, એવુ...

શા માટે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર અર્જુનને જ્ઞાન આપે છે ?, એવુ તે શું હતું અર્જુનમાં ?

અર્જુન : જેને કઈપણ એમ જ નથી મળી ગયું. જેની પાસે એવી પ્રતિભા-નમ્રતા અને આભા હતી કે સૌ એને ચાહે,માતાઓ ચાહે કે મારો દીકરો અર્જુન જેવો હોય, પત્ની અર્જુન જેવો પતિ ચાહે, કોઈપણ માણસ અર્જુન જેવો દોસ્ત ચાહે ત્યાં સુધી કે સ્વયમ શ્રી કૃષ્ણ માંગે કે, “મને અર્જુન જેવા મિત્રની શાશ્વત મૈત્રી મળે…”

રાજવંશ હોવા છતાં પિતા પાંડુ, માતા કુંતી અને માદ્રી અને ભાઈઓ સાથે વનમાં રહીને મોટો થતો રહેલો આ પ્રિન્સ, જેને પિતાનું છત્ર ગુમાવ્યા બાદ એને ભાઈઓ સાથે કાકા વિદુર ગુરુ દ્રોણના ગુરકુલમાં મૂકી જાય. અહી દ્વેષીલા એવા સો પિતરાઇ ભાઈઓના ડંખ વચ્ચે જેણે માત્ર પક્ષીની આંખ જ દેખાય એટલો ફોક્સડ રહીને પોતાની લીટી લાંબી કરવા તરફ જ ધ્યાન આપ્યું. સ્નાન કરવા જતાં ગુરુનો પગ મગરે ઝડપી લીધો તો સૌ શિષ્યો ડર્યા, કેટલાક મદદ માંગવા બીજે દોડ્યા પણ જે બાળકે પોતાના અચૂક તીરથી મગરનું મોં વીંધીને ગુરુને મુક્ત કરતાં ને હંમેશા માટે ગુરૂનો પ્રિય શિષ્ય બની ગયો. એવો લક્ષ્યવેધી, નમ્ર, ફોક્સડ શિષ્ય કોઈપણ ગુરુનો પ્રિય શિષ્ય ના બની જાય તો જ મોટી નવાઈ ! એવું કહેવાય છે કે આ અર્જુન ગુરુકુલમાં વિદ્યાભ્યાસ દરમિયાન ક્યારેય સૂતો જ નથી, એ દિવસે ગુરુ પાસે સૌની સાથે શિખતો-અભ્યાસ કરતો અને રાત આખી પોતે અલગથી પ્રેક્ટિસ કરતો રહેતો.

ગુરુના આશ્રમથી જ શ્રેષ્ઠ બાણાવળી બનીને નીકળ્યો એ પછી ય અર્જુન ક્યાય શીખવામાં રોકાયો નથી, એ આફતને ય તકમાં પલટીને વધુ મેળવવા આકરી મહેનત-તપ કરતો જ રહ્યો. અર્જુને પોતાના જીવનમાં એકવર્ષનો અજ્ઞાતવાસ ઉપરાંત બીજા ત્રણ વનવાસ ભોગવ્યા છે, એ પહેલો લાક્ષાગૃહ બાદનો વનવાસ હોય જ્યાંથી બહાર આવે તો દ્રૌપદી સ્વયંવરમાં વિજય મેળવે, કે બીજો જુગારમાં હાર્યા બાદનો વનવાસ જ્યાં એ બધા ભાઈઓથી અલગ જઈ તપ કરી શિવને પ્રસન્ન કરી પાશુપાત મેળવે, જ્યાં એ શસ્ત્રો મેળવવા સ્વર્ગમાં જઇ માનસપિતા ઇન્દ્ર્ને રીઝવે અને નૈતિકતા પાળીને પોતાનાથી મોહિત થયેલી અપ્સરા ઉર્વીશીથી રિઝાય નહીં, ભલે નપુસંક બનવાનો શાપ મળે. આટલું પૌરૂષ જેનામાં હોય એણે કેટલી સહજતાથી એકવર્ષ નપુસંક રહેવું ય સ્વીકાર્યું કે ત્રીજો ગાયોની રક્ષા કરવા માટે મેળેલો બાર વર્ષનો વનવાસ હોય, અર્જુન પાસે એક બ્રાહ્મણ આવે છે કે,”એક રાક્ષસ મારી ગાયો હાંકી ગયો છે.” અર્જુનના શસ્ત્રો જે ખંડમાં મૂકેલા હતા એ ખંડમાં યુધિષ્ઠિર અને દ્રૌપદી એકલા બેઠેલા હતા, એક નિયમ હતો કોઈપણ પાંડવ જ્યારે દ્રૌપદી સાથે એકલા હોય ત્યારે જો બીજો પાંડવ ત્યાં જાય તો એણે બાર વર્ષનો વનવાસ સ્વીકારવો પડે, અર્જુને ગાયોની રક્ષા માટે આ વનવાસ સ્વીકારેલો, એ બાર વર્ષ દરમિયાન પણ એ નવા શસ્ત્રો ને નવા અંગત તેમજ રાજદ્વારી સબંધો વિકસાવતો રહ્યો, આ વનવાસ દરમિયાન જ એ નાગરાજની પુત્રી ઉલૂપી, મણિપુરના ચિત્રવાહનની રાજકુમારી ચિત્રાંગદા અને બાર વર્ષના અંતમાં શ્રી ક્રુષ્ણના બહેન સુભદ્રાને પરણ્યો.

અર્જુનની ક્ષમતાની વાત કરીયે તો કર્ણ સાથે સીધી કે આડકતરી સરખામણી વિના સૌને અધરું લાગશે. શસ્ત્રસામર્થ્ય કરતાં ય પહેલા વધુ મહત્વના છે મૂલ્યો, જેમાં અર્જુન બાજી મારી જાય છે, આખા મહાભારતમાં અર્જુન કર્ણ જેવો જક્કી નથી લાગતો ક્યાયપણ, સ્ત્રીઓનું સન્માન કોણ વધુ કરી શકે એ કહેવાની જરૂર નથી, કર્ણની શ્રેષ્ઠ સાબિત થવાની વ્યક્તિગત મહાત્વાકાંક્ષા છે, મહાયુદ્ધ ખેલવા માટે દુર્યોધન ભીષ્મ કે દ્રોણ નહીં પણ કર્ણના ખીલે કૂદે છે,કર્ણ અહી મિત્રને સાચો રસ્તો બતાવી શકે એમ નહોતો ?! પણ કર્ણને ય એ મેદાન જોઈતું હતું જ્યાં એ પોતાને શ્રેષ્ઠ સાબિત કરી શકે. જ્યારે અર્જુને કોઈને કહ્યું નથી કે મને શ્રેષ્ઠ કહો, એણે ક્યાય ઘમંડ આવીને કે કોઈને નીચા બતાવવા યુદ્ધ આદર્યું જ નથી. રાજપાટ માટે કુરુક્ષેત્રનો નરસંહાર અર્જુનને નહોતો મંજૂર, પણ કૃષ્ણે આદરેલા ધર્મ સ્થાપનમાં નિમિત્ત બનવા એ એમાં જોડાયો છે.

શસ્ત્રસામર્થ્યમાં કર્ણ જન્મજાત કવચ કુંડલ લઈને જન્મ્યો છે, અર્જુનને એવું જન્મજાત બ્લેસિંગ નથી મળ્યું. કર્ણ અને અર્જુન કુરુક્ષેત્રમાં અંતિમ વાર આમને સામને આવ્યા એ સમયે ચોક્કસ મરણિયા બનેલા કર્ણનો હાથ ઉપર રહે છે, ને સામે અર્જુને મરણિયા નથી જ બનવાનું એ નિશ્વિત છે. ત્યાં અર્જુન કર્ણ સામે ઝાંખો પડે છે, એ સ્વીકાર્ય પણ જ્યારે કર્ણ પાસે કવચ કુંડળ ય હતા અને બ્રહ્માસ્ત્ર સહિત બધા શસ્ત્રો ય હતા, સાથે ભીષ્મ, દ્રોણ,અશ્વત્થામા, દુર્યોધન સહિત સેંકડોની સેના હતી એવા વિરાટ યુદ્ધમાં સામે એકલો અર્જુને જેના રથનો સારથિ ઉત્તરકુમાર જેવો બાળક હોવા છતાં ય આ બધાને ભૂ પાય દીધું હતું એ ય સ્વીકારવું રહ્યું.

કર્ણ સહિત આ બધા યોદ્ધાઓ જો અર્જુનથી એટલા જ ચાડિયાતા હતા તો ચક્રવ્યૂહ રચ્યું ત્યારે અર્જુનને બીજે વ્યસ્ત રાખી મેદાનથી દૂર લઈ જવાની યોજના કેમ ઘડવી પડી? ને એની ગેરહાજરીમાં એના જ પુત્ર અભિમન્યુ જેવા તરુણને હરાવવા આ બધા યોદ્ધાઓએ ગેરનીતિ કેમ આચરવી પડી?! જુગાર પછી મળેલ 12 વરસના વનવાસ દરમિયાન જે વનમાં પાંડવો અભાવો વચ્ચે વનવાસ વિતાવતા હતા ત્યાં હજુ ઓછું હતું તો એમને સતાવવા, મેણાં મારવા, શકુનીમામાની ખેપાનીથી દુર્યોધને કર્ણ સહિત સૌ સાથે વનમાં પાંડવોને દુભાવવા એમની પાસે જ પડાવ નાખી શિકાર, મોજમજા અને મિજબાની આદરી. ત્યાં દુર્યોધનની દુષ્ટતાને લીધે ચિત્રસેન અને એના ગાંધર્વો કર્ણ હોવા છતા ય દુર્યોધનને બંદી બનાવી લઈ ગયા, ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી દુયોધનને છોડાવવા અર્જુને યુદ્ધ કર્યું છે ગંધાર્વો સાથે. કુરુક્ષેત્રમાં ઈન્દ્રે આપેલી અમોઘ શક્તિ પણ કર્ણએ અર્જુન માટે રાખેલી પણ એણે ના છૂટકે વાપરવી પડી ઘટોત્કચ માટે, કેમ? બીજા કોઈ શસ્ત્રો નહોતા કર્ણ પાસે? અને ઇન્દ્રએ એ શક્તિ તો હજુ યુદ્ધ પહેલા જ કર્ણને આપેલી.

કે એકલવ્ય તરફ ય આપણી સહાનુભૂતિ હોય એ સ્વાભાવિક છે, ને થવી જ જોઈએ પણ એ ય જાણવું રહ્યું કે એકલવ્ય જરાસંધની સેનામાં ભળેલો, દ્વારકા પર આક્રમણમાં ક્રુષ્ણના હાથે જ એ મૃત્યુ પામ્યો, એકલવ્યનો દીકરો કેતુમાન કુરુક્ષેત્રમાં કૌરવો તરફથી લડ્યો હતો, વાત માત્ર સામર્થ્યની નથી, મૂલ્યોની વધુ છે.

અર્જુન, કર્ણ કે એકલવ્યની સરખામણી કરવી જ યોગ્ય નથી, કથા પ્રમાણે એના પરસેપ્શન અને જુદી જુદી જગ્યાએ આ પાત્રો ફોર્મ જુદા રહ્યા છે. પણ આપણે ત્યાં સંસ્કૃતની ઊજળી સાહિત્ય પરંપરામાં પછીથી આવેલા ભાસ જેવા રચીયાતાઓએ એક અલગ ધુરી રચવા ઉરુભંગ કે કર્ણભાર જેવા સાહિત્યની રચના કરી જેમાં ગ્રે કેરેક્ટરને નાયક બનાવી ક્યાંક ને ક્યાંક અર્જુનને ઊતરતો બતાવ્યો, જે પછીથી બધી ભાષામાં રશ્મિરથી, મૃત્યુંજય જેવી એ પ્રકારની રચનાઓ થઈ એ રચનોમાં કે આપણે ત્યાં ડાયરાના કલાકારો કર્ણને લડાવવા બેસે ત્યારે….પેલી કૃતિઓની રચનાથી કે એ કલાકારોની વાણીથી અભિભૂત થઈને મૂળ વાત ભૂલી જઈએ તો થાય એવું કે આપણે ‘સ્કેમ 1992’ જોઈને વોરેન બેફેટ કરતાં ય હર્ષદ મેહતા અને એના ટેકટિસને વધુ મહાન માનવા માંડીએ.

કોઈપણ મુશ્કેલી વચ્ચે કોઈ ફરિયાદ વગર સતત શિખતા રહીને વધુ શ્રેષ્ઠ બનવાનું લક્ષ્ય, એ છતાં નિરાભિમાન, અજોડ ત્યાગ, નૈતિક મૂલ્યો સાથેના આ અર્જુને મહાભારતમા કોઈને ઇંટેન્સનલી હર્ટ કર્યા હોય એવું કોઈ પાત્ર છે ? લાગણીશીલ માણસ પોતે હર્ટ થાય પણ એ ઈરાદાપૂર્વક બીજાને હર્ટ ના કરી શકે. મહાભારતના યુદ્ધ પહેલા રાત્રે કૃષ્ણ સૌની છાવણીમાં જાય છે, સૌ સૂતા છે, અર્જુન યુદ્ધ પહેલા સુઇ નથી શકતો, સંવેદનશીલ માણસ એમ ક્યારેય સૂઈ જ ના શકે, ને એ સંવેદન જ ગીતાગાનનું નિમિત બન્યું ને.

ધ્રુવ ભટ્ટે ‘તત્વમસી’માં એક જગ્યાએ લખ્યું છે એમ : “આ દેશમાં દરેકે દરેક જણને એક અનોખી જીવનદૃષ્ટિ લોહીમાં જ મળે છે, રામાયણ-મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર તેની રજેરજની ખબર આ માટીમાં જન્મીને ઉછરતા માનવીને હોય છે. કોઈપણ ભાષાનો, કોઈપણ ઉમરનો, કોઈપણ જાતિ કે કોઈપણ પ્રદેશનો વાસી હોય, ભારતવાસી આ કથાઓને, ભલે પોતપોતાની રીતે પણ જાણતો જ હોય છે, આ કથાઓના પાત્રોની વેદના, હર્ષ, વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં અનુભવતો હોય છે, કારણ એ માત્ર કથાઓ નથી, જીવન અને પરંપરા છે.” બસ એમ મારો ય મહાભારત વિષે એટલો અભ્યાસ નથી પણ હું આપણે સૌ જાણીએ છીએ એમ મારી પોતાની રીતે આ અર્જુનને જાણું છું.

ગાયોની રક્ષા માટે શસ્ત્રો લેવા જતાં થયેલા નિયમભંગ બદલ મળેલ બાર વર્ષના વનવાસે રહેલા અર્જુનનું આ ડ્રોઈંગ બનાવ્યું હતું ને એ ડ્રોઈંગ મૂકવું હતું તો સાથે કઈક લખવા બેઠો જેમાં આટલું લખાયું છે,માટે ભૂલચૂક માફ…

(એક સજેશન છે, તમારું બાળક જો છ વર્ષથી વધુનું હોય તો એને 2012માં ડિઝની બનાવેલી એનિમેશન ફિલ્મ “અર્જુન:ધ વોરિયર પ્રિન્સ” સાથે બેસીને બતાવવા જેવી છે.)

લેખક:- કાનજીભાઈ મકવાણા, અમદાવાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments