જૂનાગઢના 12 ધોરણ ભણેલા ખેડૂતે બનાવેલા ‘મમી-મોડેલ’થી હવે અંતિમ સંસ્કારમાં 4 ગણું ઓછું લાકડું વપરાય છે!

80

આપણા દેશમાં, વૃક્ષો, નદીઓ અને પર્યાવરણના સંરક્ષણ વિશે હંમેશા લોકોને જાગ્રત કરવામાં આવે છે. ચિપકો આંદોલન હોય કે જોધપુરની અમૃતા દેવી બિશ્નોઇની વાત હોય, આ બધા એ વાતની સાક્ષી છે કે અહીંના લોકો વૃક્ષોના રક્ષણ માટે પોતાનો જીવ દાવ પર લગાડતા પણ ખચકાતા નથી. કદાચ તે બધા જાણતા હતા કે આ પૃથ્વી પરની સુવિધાઓ સાથે આપણાં બધાનું સહઅસ્તિત્વ જોડાયેલ છે અને જંગલોનું ટકી રહેવું આપણા માટે પણ ખૂબ મહત્વનું છે.

એક અંદાજિત આંકડા મુજબ, ભારતમાં દરરોજ 26,789 લોકો મૃત્યુ પામે છે. આમાંથી, 80 ટકા એટલે કે 21,431 અગ્નિ સંસ્કાર માટે જૂની પ્રદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં એક શરીરના અગ્નિ સંસ્કાર કરવા માટે 400 કિલો લાકડાની જરૂર પડે છે. શું આજ સુધી આપણા કોઈના મગજમાં એવું આવ્યું છે કે જો સ્મશાનમાં ઓછામાં ઓછા લાકડાનો ઉપયોગ કરવામાં આવે તો દરરોજ કેટલા વૃક્ષ બચાવી શકાય? આ વાત આશરે 40 વર્ષ પહેલાં જૂનાગઢના કેશોદમાં રહેતા 12 પાસ ખેડૂત અર્જુન ભાઈ પઘડારના મગજમાં આવી હતી હતી.

આ વાત 40 વર્ષ પહેલાની છે, જયારે અર્જુન ભાઈના મામા મૃત્યુ પામ્યા હતા, ત્યારે અર્જુન ભાઈ પણ અંતિમ સંસ્કારમાં ગયા હતા અને તે સમયે અર્જુન ભાઈની ઉંમર માત્ર 14 વર્ષની હતી, ત્યાં તેમણે જોયું કે અંતિમવિધિમાં લગભગ 400 કિલોથી વધુ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તેમને આ દ્રશ્ય જોઈને તેને લાકડાનો વપરાશ ઘટાડવાનો વિચાર આવ્યો હતો.

અર્જુન ભાઈની ઉંમર આજે 54 વર્ષની થઈ ગઈ છે. અને ગુજરાત પેજ સાથે વાત કરતા તે કહે છે, સમય જતાં હું બધા લોકોની જેમ જીવનની ચકરડીમાં ચડી ગયો હતો અને કેવી રીતે સહુથી ઓછા લાકડા બાળીને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ એ વિચાર પણ મારા મગજમાંથી નીકળી ગયો હતો. 2015 માં એક દિવસ, અચાનક તેમના મગજમાં આ વિચાર આવ્યો કે સ્મશાન મમીના આકારમાં હોવું જોઈએ, જે લાકડાનો વપરાશ ઘટાડશે. એક દિવસ હું બંને હથેળી જોડીને નળમાંથી પાણી પી રહ્યો હતો, ત્યારે મને વિચાર આવ્યો કે સ્મશાનગૃહ પણ મમીની આકારનું હોવું જોઈએ,” અર્જુનભાઇ યાદ કરતા જણાવે છે.

પૈસાની અછત હોવા છતાં, તેણે આ વિચારને આધારે પ્રોટોટાઇપ્સ બનાવવાનું શરૂ કર્યું અને 2 વર્ષ સુધી તેના પર સતત કામ કરવાનું ચાલુ રાખ્યું. છેવટે 2017 માં તેમનું મોડેલ તૈયાર થયું. તેનો પ્રથમ ઉપયોગ વર્ષ 2017 માં જ જૂનાગઢના સ્મશાનમાં થયો હતો. તે સમયે જૂનાગઢના તત્કાલીન કમિશનર વિજય રાજપૂતે તેમને આ કામમાં મદદ કરી હતી. અર્જુન ભાઈ કહે છે, “મેં એવું સ્મશાનગૃહ બનાવ્યું, જેના ઉપયોગથી અંતિમ સંસ્કાર માટે ફક્ત 70 થી 100 કિલો લાકડાનો જ ઉપયોગ થતો. હું ખાત્રી સાથે કહું છું કે મારા દ્વારા બનાવેલા આ સ્મશાનગૃહનો ઉપયોગ કરીને, દેશમાં ઓછામાં ઓછું 40 એકર જંગલ રોજ બચાવી શકાય છે. અર્જુન ભાઈએ અંતિમ સંસ્કારની આ ભઠ્ઠીનું નામ ‘સ્વર્ગારોહણ’ રાખ્યું છે. જ્યારે આ મોડેલ સફળ થયું, ત્યારે તેને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી’ તરફથી પણ નાણાં મળ્યાં હતા.

‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી હવા અને અગ્નિના સંયોજનથી કાર્ય કરે છે. એક હોર્સ પાવરના બ્લોઅર થી આગ લાગ્યા પછી ભઠ્ઠીમાં તીવ્ર પવન ફૂંકાય છે, જેના કારણે સમગ્ર ભઠ્ઠીનું લાકડું અને શબ ઝડપથી બળી જાય છે. લાકડા અને ડેડ બોડી રાખવા માટે અલગ જાળી લગાવવામાં આવી છે, જેથી આગ સળગાવવી સહેલી બને. લાકડાને નીચલી જાળી ઉપર મૂકવામાં આવે છે, લાકડા ઉપર લાકડા મૂકવામાં આવે છે. મૃત શરીરને રાખવા માટે તેની ઉપર એક જાળી મૂકવામાં આવી છે આયર્નથી બનેલા ઉપલા કવરનો આંતરિક ભાગ સેરા-વુલથી ભરેલો છે, જે ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે. તેની પાસે એક બ્લોઅર અને નોઝલ પણ છે, જેથી અંતિમ સંસ્કાર દરમિયાન હવા અંદર અને બહાર જઇ શકે. ભઠ્ઠીની અંદરની ગરમી 700 ° સે થી 1000 ° સે સુધીની હોય છે. તેમાં સેન્સર આધારિત તાપમાન મીટર પણ છે જે લોકોને અંદરનું તાપમાન જણાવે છે.

ભઠ્ઠીની અંદરની ગરમીને વાતાવરણમાં પ્રવેશતા અટકાવવા માટે, ફાયર બ્રિક્સ મટીરીયલ માંથી મમી-આકારની ડિઝાઇન બનાવામાં આવી છે. હિન્દુ ધર્મના રિવાજો મુજબ, બે દરવાજા પણ વપરાય છે – એક મુખ્ય દરવાજો અને બીજો છેલ્લો દરવાજો. 80 કિલો સુધીના મૃત શરીરને અંતિમ સંસ્કાર કરવામાં 70-100 કિલો લાકડું લાગે છે અને દોઢ થી બે કલાકનો સમય લાગે છે. જોકે અર્જુનભાઇ આ સમયને વધુ માને છે, જે ભવિષ્યમાં તેને વધુ ઘટાડવાની સાથે સાથે લાકડાની કિંમત પણ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અર્જુન ભાઈ કહે છે, “સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી એક વારમાં જ આશરે 300 કિલો લાકડાની બચત થશે. જો 21,431 માંથી 20,000 લોકોનો અંતિમ સંસ્કાર ‘સ્વર્ગરોહણ’ દ્વારા કરવામાં આવે તો દરરોજ 60 લાખ કિલો લાકડું બચાવી શકાય છે.

એક વિઘામાં 60 ટન લાકડું હોય છે, આ મુજબ સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરી 100 વિઘા સુધીના જંગલને નાશ થતા બચાવી શકાય છે. બીજી બાજુ, એક કિલો લાકડું બાળી તો વાતાવરણમાં 1.650 કિલોથી 1.800 કિલો Co2 ફેલાય છે, જયારે સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી દરરોજ વાતાવરણમાંથી 99 લાખથી ઘટીને 1 કરોડ કિલો Co2 વાતાવરણમાંથી ઓછો થઇ જશે. આ સિવાય અગ્નિ સંસ્કારમાં જેટલો સમય લાગે છે તેનાથી ખુબજ ઓછો સમય આ ભઠ્ઠીમાં લાગશે અને લગભગ 50 ટકા સમયનો પણ બચાવ થાય છે.

અર્જુનભાઇ દ્વારા બનાવાયેલ ‘સ્વર્ગારોહણ’ બામણસા (ઘેડ) તાલુકા કેશોદ, જિલ્લા જૂનાગઢમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 12 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. અગ્નિ સંસ્કાર વિધિ પછી અસ્થિ એક ટ્રે માં આવી જાય છે. પર્યાવરણને જ દરેક વસ્તુ માનવાવાળા અર્જુન ભાઈ ઓર્ગેનિક ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ખેતીની સાથે સાથે તેની મર્યાદિત આવકમાં પણ તે કંઇક બીજું શોધવાનો પ્રયત્ન કરે છે. 2010 માં, તેમણે પહેલી વાર ફ્લાય એશમાંથી ઇંટ બનાવવાનું મશીન બનાવ્યું હતું, જેના માટે તેમને 2015 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ગ્રાસરૂટ્સ ઇનોવેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોતે ખેતી કામમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને અર્જુન ભાઈએ પક્ષીઓ માટે પ્લાસ્ટિકની બોટલો અને પ્લેટોનો ઉપયોગ કરીને બર્ડ ફીડર બનાવે છે અને દર વર્ષે નિશુલ્ક તેનું વિતરણ કરે છે. આજે, જયારે દરેક લોકો પૈસાની પાછળ દોડે છે અને તેમના સ્તરે પણ કોઈ ફેરફાર કરવા નથી માંગતા, અર્જુન ભાઈ જેવા લોકો તેમની મર્યાદિત આવકમાં પણ પર્યાવરણ માટે મહેનત કરીને તેમના પ્રયત્નોથી પરિવર્તન લાવી રહ્યાં છે. તેમની નિસ્વાર્થ સેવા અને ભાવનાને સલામ!

Previous article42 વર્ષની વયે કરી શરૂવાત, આજે છે 25 કરોડનું ટર્નઓવર, સામાન્ય ગૃહિણીથી સફળ ઉદ્યોગપતિ સુધીની સફર…
Next articleઆકાશમાં એક સમડી સાપને પકડીને ઉડી રહી હતી, સાપે ઝેર કાઢ્યું, એ ઝેર નિચે જમી રહેલા બ્રાહ્મણોના ભોજનમાં પડ્યું અને તેમનું મૃત્યુ થયું તો દોષી કોણ ?