બાપે જ્યારે પોતાની કિડની વેચીને સંતાનને પૈસા આપ્યા ત્યારે દીકરાએ.…

1248

એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ.

દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા ટકા લાવ્યો અને વિજ્ઞાનપ્રવાહમાં એને રસ હતો એટલે સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું. સ્કૂલની ફીની વિગત જાણીને પિતાના હોશકોશ ઉડી ગયા. આટલી મોટી ફી કેમ કરીને ભરાશે ? પણ પિતા દીકરાને મોટો સાહેબ જોવા માંગતા હતા એટલે ગમે તેમ કરીને દીકરાને ભણાવવો જ છે એવું એના પિતાએ નક્કી કર્યું.

બીજા દિવસે એ ભાઈએ એમના પત્ની અને પુત્રને કહ્યું, ” મારો બાળપણનો ભાઈબંધ મુંબઈમાં રહે છે. ખુબ સારો ધંધો કરે છે. હું એની પાસે જઈ આવું, મને ખાતરી છે કે એ ચોક્કસ મદદ કરશે.” પિતા મુંબઇ જવા રવાના થયા. દીકરાને થયું પપ્પા ખોટા મુંબઇ જાય છે. આટલી મોટી રકમની મદદ આજના યુગમાં કોઈ ના કરે. એકાદ અઠવાડિયામાં જ એના પિતા પાછા આવ્યા અને સાથે ખુબ મોટી રકમ પણ લાવ્યા. છોકરાની ફી ભરાઈ ગઈ અને અભ્યાસ આગળ વધ્યો.

થોડા દિવસ પછી એકવખત દીકરો ઘરે બેઠો બેઠો હોમવર્ક કરતો હતો. ટપાલી આવ્યો અને એક કવર આપી ગયો. છોકરાની મમ્મીએ કહ્યું, ” બેટા, જરા જો તો આ કોનો કાગળ છે ? આજ દિન સુધી આપણને કોઈએ કાગળ લખ્યો નથી. ગરીબના થોડા કોઈ સગા હોય ? આજે અચાનક આ શેનો કાગળ આવ્યો? હું કે તારા પપ્પા કંઈ ભણ્યા નથી એટલે વાંચતા પણ આવડતું નથી તું જ કાગળ વાંચી સંભળાવ.”

દીકરાએ કવર ખોલીને કાગળ બહાર કાઢ્યો. કાગળ વાંચતાની સાથે દીકરો ચોધાર આંસુએ રડી પડ્યો. એની મમ્મી પણ હેબતાઈ ગઈ અને એટલું જ બોલી શકી કે ‘ બેટા, શું થયું ? શું લખ્યું છે કાગળમાં ?” છોકરાએ રડતા રડતા કહ્યું,” મમ્મી આ એક બહુ મોટા ઉદ્યોગપતિનો કાગળ છે. પપ્પાનો આભાર માનતો પત્ર છે.

મમ્મી, પપ્પા મુંબઇ ગયા જ નહોતા. અહીંયા હોસ્પિટલમાં હતા અને એ જે પૈસા લાવ્યા એ એના મિત્ર પાસેથી નહિ, ઉદ્યોગપતિ પાસેથી લાવ્યા છે. પપ્પાએ ઉદ્યોગપતિને એક કિડની દાનમાં આપી દીધી છે અને બદલામાં ઉદ્યોગપતિએ મારા અભ્યાસનો ખર્ચ ઉપડાવાનું પપ્પાને વચન આપ્યું છે.”

મિત્રો, દીકરા કે દીકરી માટે એના પિતા બહુ મોટું બલિદાન આપતા હોય છે અને ઘણીવખત તો સંતાનને એની ખબર પણ પડવા દેતા નથી. પિતા એની કિડની ભલે ના વેંચતા હોય પણ જમીન, મકાન કે ઘરેણાં વેંચીને પણ દીકરા-દીકરીને ભણાવતા હોય છે. પોતે ભલે મુફલિસ થઈ જાય પણ સંતાન મહાન બને એ માટે જાત હોમી દેતા હોય છે. જો…જો…મિત્રો, જલ્સા કરવામાં પિતાનું સમર્પણ અને સપના એળે ના જાય.

લેખક સૌજન્ય: શૈલેષ સગપરીયા

Previous articleદીપિકા પાદુકોણ દર મહિને જમવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો જાણીને ચક્કર આવી જશે….
Next article“ભાદા પટેલનો વટ” સૌરાષ્ટ્રના પાટીદારોમાં જે ઇતિહાસર્જક વીરપુરુષો થઈ ગયા, એમાં ઉડી ને આંખે વળગે એવું એક નામ ભાદા પટેલનું છે…