એક બાળકે ભગવાનને લખેલો આ પત્ર ખાસ વાંચજો, પત્ર વાંચીને તમારી આંખો આંસુથી છલકાય જશે…

797

વ્હાલા વ્હાલા ભગવાન, આજે મારે તમારી સાથે દિલ ખોલીને કેટલીક વાત કરવી છે એટલે આ કાગળ લખ્યો છે. આ કાગળ તમને અત્યારે એટલા માટે લખું છું કારણકે હમણા અમારે પરીક્ષાઓ પુરી થતાની સાથે વેકેશન પડશે. આ વેકેશન ખાલી કહેવાનું જ હોય છે બાકી તો અમારે આ સમયગાળા દરમ્યાન જુદા જુદા કોર્સ કરવાના હોય છે. ‘સમયના સદઉપયોગ’ના નામે અમારા વેકેશનનો ભોગ લેવાઇ જશે.

જુદા-જુદા ક્લાસ કરનારાઓને કમાણી કરવી હોય એટલે અમને ટારગેટ બનાવીને અમારા મમ્મી-પપ્પાને જાત-જાતના સપનાઓ બતાવે. અમે ભલે કારખાનામાં મજૂરી કરવા નથી જતા અને છતાય મજૂર છીએ. અમારા મા-બાપે જ અમને મોટા મજૂર બનાવી દીધા છે. 6 થી 7 કલાકની શાળા અને એમા પણ પાછા રવિવારના દિવસે કે જાહેર રજાના દિવસે એકસ્ટ્રા લેકચર હોય. આટલાથી પુરુ ન થતુ હોય તે શાળાએથી આવીને ટ્યુશન ક્લાસમાં જવાનું અને પછી મ્યુઝીક અને ડાન્સ ક્લાસ તો ખરા જ. હવે પ્રભુ તમે જ કહો અમારા કરતા તો કારખાનામાં કામ કરતા મજૂર વધારે સુખી ન હોય ?

ઘરે કોઇ મહેમાન આવે તો અમે જાણે પ્રદર્શનનું સાધન હોય એમ રમવા ગયા હોય તો ત્યાંથી બોલાવીને ‘આ આંટીને ડાન્સ બતાવ, જો જરા પેલુ પોએમ સંભળાવ’ આમ કહીને ચાવીવાળુ રમકડુ હોય એમ નાચવા-ગાવા ધરી દે. અમારી ઇચ્છા હોય કે ના હોય અમારે તો બસ મુંગા મોઢે આદેશનું પાલન જ કરવાનું. પ્રભુ, તમારા પપ્પા કે મમ્મી તમારી પાસે આવુ કરાવતા ? અમને જાણે કે અમારી કોઇ ઇચ્છા જ ન હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે છે.

અમે ભલે નાના રહ્યા પણ અમારી પણ કેટલીક ઇચ્છાઓ હોય ને ? હા કદાચ અમારી સમજ શક્તિના અભાવે અમે અમારુ સારુ-નરસુ ન જોઇ શકતા હોય તો અમારી સાથે બેસીને અમને પ્રેમથી અને ધિરજથી સમજાવવા ના જોઇએ ? પણ એવો સમજાવવાનો સમય જ ક્યાં હોય છે ? મમ્મીને પોતાની સીરીયલ વહાલી હોય અને પપ્પાને એના બીજા કામ હોય એટલે મારા માટે તો કોઇને ટાઇમ હોય જ નહી. હે પ્રભુ, મારા માટે સમય ન હોય તો મમ્મી-પપ્પા મને શા માટે આ દુનિયામાં લાવતા હશે ?

ઘણીવાર દાદા ઘરે આવે તો પપ્પા શેરીમાં કેવી ધમાચકડી કરતા એની વાતો કરે ત્યારે મને થાય કે હું થોડો મોડો જન્મ્યો છું. આજે મળે છે એવી સગવડો ન મળતી હોત તો પણ ચાલત કારણકે રમવા તો મળતુ હોત અને એ પણ પેટ ભરીને ‘માત્ર 30 મીનીટમાં પાછો આવી જજે ‘એવુ બંધિયાર રમવાનું તો ન હોત. પપ્પાને એમના દાદા વાર્તાઓ પણ કરતા પણ મારા દાદા મારી પાસે નથી અને એટલે પપ્પાએ સ્ટોરીબુક અને જાતજાતની કેસેટ લાવી આપી છે એ મનોરંજન માટે હશે કે મારુ જ્ઞાન વધારવા એ તો પપ્પાને જ ખબર.

ભગવાન, આ શાળાઓ પણ અમારા પર કંઇ ઓછા અત્યાચાર નથી કરતી. એક વાત કહુ પ્રભુ, અમારી શાળામાં રમતગમતનું મેદાન જ નથી, બોલો છે ને કમાલ ! અમે જાણે બળદીયા હોય એ રીતે લખાવ લખાવ જ કર્યા કરે કારણકે સમજાવીને શીખવાડતા આવડતુ હોય એવા શિક્ષક તો માંડ એકાદ હોય બાકીના તો પરાણે શિક્ષક બનેલા હોય. અને એમાંય શાળાના સંચાલકો કે સરકાર એને પુરતો પગાર ન આપે તો દાઝ અમારા પર ઉતારે બોલો.

અમારે તો ઉંઘુ ઘાલીને ગોખણપટ્ટી જ કરવાની હોય જે વધારે ગોખી શકે એ વધારે હોશીયાર ગણાય. સાહેબ જે પધ્ધતિ પ્રમાણે દાખલો ગણાવે એ જ પધ્ધતિથી અમારે દાખલો ગણવાનો. દાખલાનો જવાબ ભલે સાચો હોય પણ જો દાખલો ગણવાની પધ્ધતિ બદલી હોય તો આખા ક્લાસની વચ્ચે મેડમ અમને ખખડાવે. અમને અમારી વાત કહેવાની તક જ ન આપે સાહેબો જેમ નચાવે અમારે એમ નાચ્યા કરવાનું.

શાળામાં અમારામાં છુપાયેલુ બહાર કાઢવાને બદલે બહારનું બધુ જ અમારામાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. અમને માત્ર અને માત્ર માર્કનું મશીન જ બનાવી દેવામાં આવે છે. સમજાય કે ના સમજાય ગોખાવીને પણ માર્ક વધારે આવવા જોઇએ આ એક જ પ્રયાસ હોય છે એમનો. બીચારા શાળા વાળા પણ શું કરે કારણકે અમારા મમ્મી-પપ્પાને પણ અમારા માર્કમાં જ રસ છે.

અમને ખબર છે કે મમ્મી-પપ્પા કે શિક્ષકો અમારા દુશ્મન નથી પણ એ લોકોને પણ સમજાવું જોઇએને કે અમે માત્ર મજૂર નથી. અમારા મમ્મી-પપ્પા અને શિક્ષકોએ એ, જ્યારે ભણતા ત્યારે જેવી મજા કરતા એવી મજા અમને પણ ન કરવા દેવી જોઇએ ? એ કંઇ ના કરતા તો પણ શિક્ષક બની ગયા તો અમે પણ કંઇક તો બની જ જશુ.

પ્રભુ બસ તમને એક જ વિનંતી છે કે અમારુ ધ્યાન રાખજો. અમારો આશરો એકમાત્ર તમે છો. કોઇ અમારી વાત સાંભળતું જ નથી પણ મને તમારા પર વિશ્વાસ છે કે તમે અમારા બધા બાળકોની વાત જરુરથી સાંભળશો. આપને રુબરુ મળવાની ઇચ્છા હતી પણ તમે ક્યાં મળો એ ખબર જ નથી. મંદિર, મસ્જીદ અને ચર્ચમાં ગયેલા પણ ત્યાંથી તો પૂજારીઓ, મૌલવીઓ અને પાદરીઓએ અમને તગેડી મૂક્યા ( અમારી પાસેથી એને કંઇ ફદીયા ના મળે ને એટલે પ્રભુ) અમારી વાત બધા બાળકોના પ્રતિનિધી તરીકે મારે તમારા સુધી પહોંચાડવી હતી એટલે આ પત્ર લખ્યો છે. મને પુરો વિશ્વાસ છે કે મારી આ વાત ચોક્કસ આપના સુધી પહોંચશે.

પ્રભુજી મારે તો તમને હજુ ઘણું ઘણું કહેવુ છે પણ જુવો હવે મમ્મી બરાડા પાડીને બોલાવે છે એટલે જવુ જ પડશે કારણકે અમારે ઇચ્છા જેવુ ક્યાં કંઇ હોય છે અમારે તો મમ્મી-પપ્પાની અને શિક્ષકોની ઇચ્છા એ જ અમારી ઇચ્છા.

જેનું બાળપણ મરી ગયુ છે એવુ આપનું લાડલું બાળક…

લેખક સૌજન્ય: શૈલેષ સગપરીયા

Previous articleદુનિયા જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતી ત્યારે ભારતે ‘મૈસુર સેન્ડલ સોપ’ બનાવ્યો…
Next articleગરીબ પરીવારના બાળકોને ભણાવવા સમય ઓછો પડતા, લાખોના પગારવાળી નોકરી છોડી દીધી આ યુવતીએ, વાંચો તેની પ્રેરણાત્મક કહાની…