એક શાળાના આચાર્યએ જણાવી બાળકોને મોબાઈલથી દૂર રાખવાની રીત

306

આજના વાલીઓનો સૌથી સળગતો પ્રશ્ન છે, બાળકોને મોબાઈલથી દૂર કેવી રીતે રાખવા. જવાબ વિચારતા જઈએ તેમ પ્રશ્ન વધુ ગૂંચવાતો જાય છે. આપણે આ અંગેના પુસ્તકો, લેખો અને પ્રવચનો સાંભળીએ છીએ. પરંતુ નક્કર ઉકેલ આપણને મળતો નથી. કેટલાક નમ્ર સૂચનો.

1 બાળકોની અંદર ઘણી બધી શક્તિ પડેલી છે. બાળકો શક્તિનો ભંડાર છે પણ એનાથી તેઓ અજાણ છે. આથી બાળકો સતત એક્ટિવ રહે છે અને કોઈને કોઈ પ્રવૃત્તિમાં પોતાની જાતને જોડી રાખે છે. એટલે બાળકોને પ્રવૃત્તિ આપવી જ પડે. પરંતુ આજની સમસ્યા એ છે કે બાળકના માતા-પિતા પાસે કોઈ જાતનો સમય જ નથી.જે થોડો ઘણો સમય હોય છે તે મોબાઈલ જ ખાઈ જાય છે. આથી બાળકોને સમય આપવો એ સૌથી પહેલી જરૂરિયાત છે.

2 મોબાઈલ જોવાનું મુખ્ય કારણ એ પણ છે કે મોબાઇલની અંદર સતત દ્રશ્યો બદલાયા કરે છે. આથી બાળકને અત્યંત આનંદ આવે છે અને તે માટે એણે કશું કરવાનું રહેતુ નથી. પરંતુ બાળક પાસે કોઈ જાતની વિવેકબુદ્ધિ હોતી નથી. આથી મોબાઈલ રમતા રમતા બાળક ક્યારે મોબાઈલનું વ્યસની બની જાય છે તે બાળકને ખબર પડતી નથી. એટલા માટે આપણે કોઈપણ ભોગે બાળકને મોબાઈલ થી દૂર રાખીને અન્ય વિકલ્પો આપવા રહ્યા.

(૧) બાળકોને બગીચામાં લઈ જવા. બાળકોને બગીચામાં લઈ જવાથી બાળકો ખૂબ જ પ્રફુલ્લિત રહે છે. સાથે સાથે બગીચામાં બીજા બાળકો પણ મળે છે. જેમની સાથે રમીને તેને ખૂબ જ આનંદ આવે છે. પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે માતા પિતાની પાસે બાળકને બગીચામાં લઈ જવા માટેનો સમય હોવો જોઈએ.

(૨) બાળકોને લાઇબ્રેરીમાં લઈ જવા. લાયબ્રેરીની અંદર બાળકોને ગમી જાય એવા રંગબેરંગી પુસ્તકોનો ખજાનો હોય છે. આ પુસ્તકો આજકાલ કોઈ વાપરતું પણ નથી. વળી બાળકોના રંગબેરંગી પુસ્તકો એટલા બધા મોંઘા હોય છે કે જે પુસ્તકો આપણે ઘરમાં વસાવી પણ ન શકીએ.આથી બાળકોને નિયમિત રીતે લાયબ્રેરીમાં લઈ જવામાં આવે તો બાળકો પુસ્તકનો ઉપયોગ કરીને પોતાના સમયનો સદુપયોગ કરી શકે છે. સાથે સાથે બાળકની અંદર નાનપણથી પુસ્તક સંસ્કૃતિનો વિકાસ થાય છે.આ માટે સમય ફાળવવો રહ્યો.

(૩) પોતાના રહેઠાણની આજુબાજુ જે નાના-મોટા પિકનિક પોઇન્ટ હોય ત્યાં બાળકને સતત લઈ જવું પડે. પોતાના ઘરની નજીક મંદિર હોય, નદી હોય, કોઈ પાર્ક હોય કે કોઈ જોવાલાયક સ્થળ હોય અથવા કોઈ કારખાનું કે ફેક્ટરી હોય તો બાળકને ત્યાં લઈ જવું જોઈએ. એટલું જ નહીં બાળકને બસ ડેપોના વર્કશોપમાં, રેલવે સ્ટેશન પર, પોલીસ સ્ટેશનમાં કે પોસ્ટ ઓફિસમાં પણ લઈ જઈ શકાય. બાળકને લઈ જવા માટે એસલ વર્લ્ડ જેવી મોંઘી જગ્યા જ હોય એવું કશું જરૂરી નથી.

(૪) આજકાલ બાળકો માટે એક મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે બીજા બાળકો સાથે રમવા નથી મળતું. આનો એક ઉકેલ એ છે કે પોતાની નજીક રહેતા સંબંધીઓને કન્વીન્સ કરીને તેમના બાળકો અને પોતાના બાળકો ભેગા થઈને રમે એવું આયોજન કરી શકાય. કોઈક વખત પોતાના બાળકને બીજાના ઘેર રમવા માટે મોકલી શકાય અને કોઈક વખત બીજાના બાળકને પોતાના ઘેર રમવા માટે આમંત્રણ આપી શકાય.આ રીતે જો બાળકો બાળકો ભેગા થઈને રમશે તો એનાથી બાળકો ખૂબ જ પ્રફુલ્લિત રહેશે. બાળકોને સૌથી વધારે મજા બાળકોની જોડે આવતી હોય છે.

(૫) બાળકોને અવનવાં રમકડાં જોઈએ. અવનવાં રમકડાંનો અર્થ એવો નથી કે મોંઘા રમકડા.પરંતુ બાળકોની કલ્પના શક્તિનો વિકાસ થાય એવા રમકડાં. એના માટે રમકડાંનું બારીકાઈથી અવલોકન કરીને કલ્પના શક્તિનો વિકાસ થાય તેવા રમકડાં લાવવા જરૂરી છે.

(૬) ઘરની અંદર પોતે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી. જેમકે લાઇટનું કામ, પ્લમ્બરનું કામ, સાફ સફાઈનું કામ, બગીચાનું કામ, રસોડામાં મદદ… આ પ્રકારના કામો આપણે કરીએ તો બાળક પણ ધીમે ધીમે એમાં જોતરાઈ જાય છે. એ દરમિયાન બાળક સતત નવું શીખે છે. ઘરની નવી નવી વસ્તુઓના પરિચયમાં આવે છે. આજકાલની પરિસ્થિતિ એવી છે કે આજનું બાળક મરચું કે હળદર પણ ઓળખી શકતું નથી. તો પોતાના ઘરની અંદરની જુદી-જુદી વસ્તુઓની ઓળખ કરાવવી કે બતાવવું એ પણ આજકાલ એટલું જ જરૂરી બની ગયું છે.

(૭) ગામથી દુર ખેતરોમાં ફરવા લઈ જવું. બાળકોને ખેતરો બતાવવા અને એમાં ઊગતા વિવિધ પાકોનો પરિચય કરાવવો એ પણ એટલું જ જરૂરી છે. આજકાલનાં બાળકો ઘઉં, બાજરી, જુવાર, એરંડા ખેતરમાં કેવી રીતે ઉગે છે એવું કશું જાણતા નથી. આથી બાળકોને ખેતરમાં લઈ જઈને વિવિધ પાકો બતાવી અને ખેતીથી સુપરિચિત કરી શકાય.

(૮) બાળકને મોબાઈલમાં વધારે મજા આવવાનું મહત્ત્વનું કારણ એ છે કે મોબાઈલને જેમ કહેવામાં આવે તેમ તે કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે બાળક જેવું કહે એવું કરવામાં આવે તો બાળકને ખૂબ જ ગમતું હોય છે. પરંતુ આપણે બાળકની ઈચ્છા પ્રમાણે કરવાને બદલે આપણી ઈચ્છાઓ અને અરમાનોને બાળક પર થોપી દઇએ છીએ.(યાદ કરો ખલીલ જિબ્રાનની વાણી) આપણે બાળક પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવવાની ખૂબ જરૂર છે. “બાળકને શું ખબર પડે’ એમ કહીને આપણે હંમેશા બાળકની વાતને દબાવી દઈએ છીએ. પરંતુ પ્રશ્ન તો એ છે કે આપણને પણ ક્યાં ઝાઝી ખબર પડે છે.@કર્દમ મોદી

સારાંશ: આ તમામ સૂચનોમાં એક સામાન્ય બાબત એ છે કે દરેક વાલીએ પોતાના બાળકને મોબાઈલથી દૂર લઈ જવા માટે હંમેશા વિચારશીલ રહેવું પડે અને નુસખાઓ અજમાવવા પડે. પરંતુ તમામ નુસખાઓનો એક કોમન પોઈન્ટ એ છે કે માબાપે બાળકોને સમય આપવો પડે. સમય આપ્યા વગર કશું જ શક્ય નથી. સાથે સાથે માતા-પિતાએ પોતાના ઉપર પણ નિયંત્રણ મૂકવા પડે. જેમ કે માતા-પિતા સતત મોબાઇલની અંદર રમમાણ રહેતા હોય અને પછી બાળક પાસે અપેક્ષા રાખે કે બાળક મોબાઈલને ન અડે તે શક્ય નથી.ગુજરાતીના ખ્યાતનામ કટાર લેખક શ્રી જય વસાવડાની એક વાત અત્રે કહેવી ખૂબ જરૂરી લાગે છે કે જો તમારા હાથમાં પુસ્તક હશે તો બાળક પુસ્તક છીનવી લેશે અને જો તમારા હાથમાં મોબાઈલ હશે તો બાળક મોબાઇલ છીનવી લેશે.મૂળભૂત નિયમ એ છે કે તમારા હાથમાં જે હશે તે તમારું બાળક છીનવી લેશે.

આથી જો તમે બાળકના હાથમાં મોબાઈલ જોવા ન માગતા હોય તો તમે પણ મોબાઈલ હાથમાં રાખશો નહીં. એના માટે તમારે થોડું મોબાઈલ મેનેજમેન્ટ કરવું પડે. દાખલા તરીકે બાળકના ઊંઘી ગયા પછી તમે મોબાઈલનો ઉપયોગ કરો તો ખાસ વાંધો આવતો નથી.બાળકનીગેરહાજરીમાં કે અન્ય કોઇ સ્થળે મોબાઈલનો ઉપયોગ કરો તો બાળકનું ધ્યાન મોબાઇલ બાજુ જશે નહિ. પરંતુ આ માટે પોતાની જાત ઉપર અને પોતાના વર્તન ઉપર નિયંત્રણ મેળવવું ખૂબ જરૂરી છે. પરંતુ જો વાલીનો મૂળભૂત હેતુ બાળકને મોબાઈલથી દૂર રાખવાનો હોય, મોબાઈલથી થતા નુકસાનથી સુપરિચિત હોય તો એના માટે પોતાની જાત પર આ પ્રકારનાં નિયંત્રણો રાખવા એ કોઇ મોટી બાબત નથી. પરંતુ પોતે જ સતત મોબાઇલમાં ડૂબેલા રહેવું અને બાળકને કહેવું કે તું વાંચવા બેસ એ લગભગ મુર્ખામીભર્યુ વર્તન ગણાય.આમ બાળકને મોબાઈલથી દૂર રાખવું હોય તો દરેક વાલીએ સમયનું આયોજન કરીને બાળક માટે સમય ફાળવવો અત્યંત જરૂરી છે.

સૌજન્યઃ- કર્દમ ર. મોદી, આચાર્ય,પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.

Previous articleનવરાત્રીમાં દર્શન માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના, સાત પર્વતોથી ઘેરાયેલા આ મંદિરમાં ત્રણ સ્વરૂપના થાય છે દર્શન
Next articleઆપણામાંથી ઘણાએ રાણી અબક્કા ચૌટા વિશે લગભગ સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય, શું કારણ છે ?