Homeરસોઈબટાકાની છીણના ભજીયા અને કંદપુરી - એકદમ નવી રીતે બનાવી જુઓ, મજા...

બટાકાની છીણના ભજીયા અને કંદપુરી – એકદમ નવી રીતે બનાવી જુઓ, મજા પડી જશે.

બે દિવસ પહેલા પહેલીવાર અમેરિકામાં તાજા પર્પલ રતાળુ મળી ગયા…. બાકી એક જુની પોસ્ટ માં જણાવેલુ એવા સફેદ રતાળુ જ આખા અમેરિકામાં વેચાતા મળે…

આ સુરતી રતાળુ તો એક સુરતી મિત્ર એ તેમના બેકયાર્ડમાં ઉગાડ્યા છે એટલે મળી ગયા…

જો કે ડુમસ માં તો એક એક ફુટ લાંબી કંદપુરી મળે છે… પણ અહીં એવી જ લાંબી કંદપુરી બનાવી જ લીધી….. તેના પર કાળા મરી અને આખા ધાણા ને અધકચરા વાટીને ભભરાવીને ખાધા હોય,તો સાત જનમેય તેનો ચટાકો સ્વાદ ના ભુલો!!!!

તો સાથે જ બટાકાની છીણના ક્રિસ્પી ભજીયા પણ બનાવી લીધા અને ખીરુ વધતા ડુંગળીના ભજીયા પણ બાકી ના રહેવા દીધા….

બટાકાના ભજીયા

આમતો બટાકાના ભજીયા એટલે રસોઇમાં સાવ અજાણ્યા હોય તેનેય બનાવતા આવડે!!!! પણ આ ભજીયા સહેજ જુદી રીતે બનાવ્યા છે.

લાંબા બટાકા લઇ ને તેની છાલ કાઢીને, તેને લંબાઇ માં જ જાડી છીણીથી લાંબી છીણ કરી લો… આ છીણને સીધી પાણીમાં જ પાડવી, જેથી તે કાળી ના પડે. આ છીણને એટલિસ્ટ 5-6 વાર તો ચોખ્ખા પાણીથી બરાબર ધોઇ લો, જેથી તેમાંનો સ્ટાર્ચ નીકળી જાય અને ચોખ્ખુ પાણી જ નીતરતુ રહે…

તેમાં ફરી એકવાર ચોખ્ખુ પાણી ભરી, તેમાં બટાકાની છીણ મુજબ મિઠુ ઉમેરો, અહીં ફોટામાં બતાવેલા બટાકાની છીણ માં મેં બે ટેબલસ્પૂન મિઠુ ઉમેર્યુ છે. તેને છીણ સાથે હલાવીને મિક્ષ કરી 10-15 મિનિટ રહેવા દો… જેથી મિઠુ દરેક છીણ સુધી ટેસ્ટ થાય.

હવે લીલા ધાણા-કોથમિર ને બારીક કાપી લો, તેમાં આવતી ડાળખીને ફેંકી ના દેતા અલગ રાખી મુકો. કાપેલી કોથમીર માં તિખાશ અને સ્વાદ મુજબ લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો, તેમાંજ 4-5 કળી લસણને કાપીને કે વાટીને નહી પણ છીણીને ઉમેરો.

તેમાં કાળા મરીનો ભુકો એક ટેબલ સ્પુન, એક ટેબલસ્પૂન સંચળ પાવડર, અધકચરેલા આખા ધાણા એક ટેબલસ્પૂન, અને ટેસ્ટ મુજબ મિઠુ ઉમેરો, કેમ કે બટાકાની છીણ માં મિઠુ ઉમેરેલુ જ છે, જો કે તે પાણી સાથે થોડુ નીકળી પણ જશે.. તેમાં જ કોર્ન સ્ટાર્ચ (વ્હાઇટ કોર્ન પાવડર) 3-4 ટેબલસ્પૂન ઉમેરો..

હવે બટાકાની છીણને પાણીમાંથી કાઢી, તેને હાથથી જ બરાબર દબાવીને તેમાંથી પાણી કાઢી નાખો, જો પાણી રહી જશે તો ખીરુ ઢીલુ બનશે.

આ પાણી કાઢેલી છીણને ઉપરના કોથમીર વાળા મસાલામાં બરાબર મિક્ષ કરી લો…. જરુર મુજબ જો કોર્ન સ્ટાર્ચ ઉમેરવો પડે તો ઉમેરો… તેના ભજીયા બને તેવા લુવા બનાવી લો. અને પેનમાં બરાબર ગરમ થયેલા તેલમાં તળી લો… તળતા સમયે મિડીયમ ટેમ્પરેચર રાખવુ જેથી ભજીયા બરાબર તળાય અને ગોલ્ડન બ્રાઉન થતા તેને કાઢી લો.

આ ભજીયાને કોથમીર-મરચાની ગ્રીન ચટણી, કે ટામેટાની ચટણી કે આંબલીની ચટણી સાથે ખાઇ શકાય…

કંદ પુરી-રતાળુ પુરી ની રેસિપી તો આ પહેલા 22 નવેમ્બરે તે બનાવી ત્યારે આપી જ હતી… તે જ અહીં મુકી છે…

કંદપુરી

રતાળુ એ કંદ હોઇ, અને પુરીની જેમ તળતા હોઇ સુરતી એને યુનિક નામ આપે છે કંદપુરી!!!!

આ માટે રતાળુને લંબાઇ માં કાપો તો સારુ…. અથવા ફ્રાય પેનની સાઇઝ મુજબ લંબાઇ પણ રાખી શકેય કે ગોળ પણ કાપી શકાય….

મારા ખ્યાલથી….. દરિયા કિનારે સી-ફુડ માં માછલીને આખી રાખીને ફ્રાય કરતા હોઇ, દેખાવની સરખામણી કરવા રતાળુને પણ લાંબી સ્લાઇસ માં કાપતા હશે….

ચણાના લોટમાં મિઠુ, લાલ મરચુ પાવડર, હળદર, ધાણાજીરુ, પાપડ ખારો અને થોડુ ગરમ તેલ ઉમેરી તેનુ ભજીયા સ્ટાઇલ માં પાણીમાં ખિરુ બનાવો.

તિખાશ જોઇતી હોય તો લીલા મરચા, આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય…

આ ખિરુ માં રતાળુ સ્લાઇસ ને કવર કરી મિડીયમ હીટ પર તેલમાં ફ્રાય કરવા મુકતા પહેલા તેના પર અધકચરા ક્રશ કરેલા કાળા મરી અને આખા ધાણાનો ભુકો પાથરો…અને ફ્રાય કરો….

બરાબર ફ્રાય થઇ જતા આપણી કંદપુરી તૈયાર છે…. તેને આંબલીની ખાટીમિઠી ચટણી સાથે ખાવાની મજા જ ઓર છે પણ ટોમેટો કેચઅપ, કે અન્ય ભાવતી ચટણી સાથે પણ ખાઇ શકાય….

રેસીપી & ફોટો:- મુકેશભાઈ રાવલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments