“ભાદા પટેલનો વટ” સૌરાષ્ટ્રના પાટીદારોમાં જે ઇતિહાસર્જક વીરપુરુષો થઈ ગયા, એમાં ઉડી ને આંખે વળગે એવું એક નામ ભાદા પટેલનું છે…

2906

સૌરાષ્ટ્રના પાટીદારોમાં જે ઇતિહાસર્જક વીરપુરુષો થઈ ગયા, એમાં ઉડી ને આંખે વળગે એવું એક નામ ભાદા પટેલનું છે. અઢીસોએક વરસ પૂર્વે થઈ ગયેલા આ પ્રતાપી પુરૂષ, ધોરાજી પાસે જળિયા ગામનું તોરાણ બાંધી નવું ગામ વસાવીને ત્યાં રહ્યા.

ભાદા પટેલની વાતો ઉડતી ઉડતી જામનગરના રાજવી જામજસાજીના કાને આવી. ભાદા પટેલને એમણે પરિવાર સહિત તેડાવીને કંડોરણામાં વસાવ્યા. એ પછી એમણે જસાપર ગામ વસાવ્યું. પછી તો ભાદા પટેલની ઓથે આ પરગણામાં પટેલોની વસતી વધતા માંડી. પડતર જમીનો ખેડાવા માંડી, વાડીઓ નંખાવા માંડી ને વસતી આબાદ થવા માંડી.

ભાદા પટેલ લૂંટારુ અને ધાડપાડૂની સામે પડી ગામલોકોનું રક્ષણ કરતાં. એ વખતે ધાડપાડૂઓથી પ્રજાને બચાવવા માટે ભાદા પટેલે રાયડી ગામમાં જંગી કોઠો બનાવ્યો. આવી આબાદીથી ખુશ થઈ નામદાર જશાજી જામે ભાદા પટેલને ગરાસમાં બાર સાંતીની જમીન આપી.જામજસાજીના રાજમાં ભાદા પટેલના માનપાન ને પ્રતિષ્ઠા વધી ગયાં.

એવામાં ભાદા પટેલના દીકરા માધાના લગ્નનો રૂડો અવસર આવ્યો. જામસાહેબને કંકોતરી લખી, ભાદા પટેલ મનવાર (આગ્રહ) કરવા માટે જામનગર ગયા ને રાજાને વિનંતિ કરી: ‘નામદાર! દીકરાના લગન લીધા છે. આપ પધારીને આશીર્વાદ નઇં દ્યો ત્યાં લગી જાનનું વેલડું નંઈ જોડાય.

’અને લગ્નની ધામઘૂમમાં ભાગ લેવા જામ જસાજી રસાલા સાથે સ્વયં કંડોરણા પધાર્યા. ભાદા પટેલનો અવસર ઉજળો કરી બતાવવા હજારો પટેલો ઉમટી પડ્યા. ભાદા પટેલે આગતાસ્વાગતા ને વ્યવસ્થા ય એવી કરી. આવનાર મહેમાનોના થાકેલા ઘોડા માટે અગાઉથી પાકા અવેડા તૈયાર કરાવી ભેંસુના ઘીથી ભરી દીધા. એ રીતે ઘોડા ને મહેમાનોના બળદોને અવાડામોઢે ઘી પાયું. ભાદા પટેલની સરભરા માણતા જામસાહેબ માંડવે પધાર્યા. પટેલોએ મહેમાન જામ જસાજીનું સ્વાગત કર્યું. એ વખતે તક ઝડપી લઈને ભાદા પટેલે જામજસાજીને કાને વાત નાખી,

‘બાપુ! આપ જાણો છો કે કંડોરણું (ગામ) ગોંડળ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ રાજના તરભેટે આવ્યું છે. સંધાય રજવાડાની કાયમ ભૅ (બીક) રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બંધાવવાની તાતી જરૂર છે.’‘

ભાદા પટેલ, તમારી વાત સોળ આની ને બે વાલ, પણ કાળ દુકાળને કારણે રાજ હાલમાં આવડું મોટું ખરચ ઉપાડી શકે એમ નથી. થોડા વરહ ખમી જાવ. પછી જોઈશું.’‘

બાપુ! આપ રજા દ્યો તો મારા ખરચે હું ગઢ ઊભો કરી દઊં. રૈયતને રક્ષવી તો પડશે જ ને!’ રાજવીની રજા મળતાં ભાદા પટેલે પોતાના ખરચે રૈયતની રક્ષા માટે જામકંડરોણાનો કિલ્લો બનાવવાનો શુભારંભ કર્યો. વરસોની મહેનત પછી ભાદર નદીને કાંઠે, માથે ગાડું વહ્યું જાય એવો મજબૂત ગઢકિલ્લો પૂર્ણ કર્યો. જામજસાજીએ સંવત ૧૮૭૫ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ‘ગઢેચીમાતા’’ અને ‘કાળભૈરવ’ની સ્થાપના અને પૂજા કરી ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામજસાજી કોરાણે રહી ગયા ને રૈયતે ભાદા પટેલના જશના ગીતો ગાવાં માંડ્યાં.

ઇતિહાસમાં આ પ્રસંગની નોંધ નથી પણ લોકજીભે રમતી કિંવદંતી કથે છે કે ગઢ ખૂલ્લો મૂક્યા પછી ભાદા પટેલે બહુ મનવાર કરીને જામજસાજીને કંડોરણા રોક્યા અને મહેમાનગતિ કરાવવામાં કોઈ મણા રાખી નહીં. ભાદા પટેલે હરેક ટંકે જામસાહેબ માટે સાકરડી ભેંસના કઢેલ દૂધડાં તાંસળી મોઢે પીરસ્યાં.કહેવાય છે કે ભેંસોની ૩૬ જાતોમાં સાકરડી ભેંસનો વેલો ભાગ્યે જ જોવા મળે છે. એનું દૂધ સાકર જેવું મીઠું હોય છે.

એ ભેંસ સાકરડી જામજસાજીને સાકરડી ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે ભાદા પટેલ પાસે આ ભેંસની માગણી મૂકી. ખંતીલા ભાદા પટેલે જતન કરી આ પાડીને ઉછેરીને મોટી કરી હતી એટલે એમને કાળજાના કટકા જેવી વહાલી હતી. ભાદા પટેલે વિવેકપુરઃસર કહ્યું: ‘બાપુ! આપ માગો તો ગામની ભેંસોનું ખાંડુ છોડી આપું પણ સાકરડી કોઈ સંજોગોમાં નઇં આપું.’

રાજ અને પ્રજાના અહં ટકરાયા. જસાજીએ ભાદા પટેલને ઉચાળા બાંધીને રાજ છોડી દેવાનો હૂકમ કર્યો. ઉપકારનો બદલો અપકારથી મળતાં ભાદા પટેલનો રિકાટ બદલાણો, અને પછી…ભડ થઈને ભાદો બોલ્યો, સાંભળો જામબાપુ, તમારા જામકંડોરણાની ભોંમાં જ વાવ્યું ઊગે છે? બીજે નથી ઉગતું. અમારે ખેડુને તો ગાજે ત્યાં ગરાસ. ગમે ન્યાં મહેનત કરી ધરતીની ધુળમાંથી ધાન પેદા કરી લેશું. તમારી ભૂમિને સરપેય નહીં સૂંઘે,જાવ.’

કહેવાય છે કે ભાદા પટેલે બીજે દિવસે જામજસાજીનું કંડોરણું છોડી દીઘું અને ભાવનગર રાજ્યના પીપરિયા ગામમાં જઈને વસ્યા. ભાદા પટેલના નામ પરથી એમના વંશજો આજેય ભાદાણી અટકથી ઓળખાય છે.

સોર્સ: વોટસ એપ

Previous articleબાપે જ્યારે પોતાની કિડની વેચીને સંતાનને પૈસા આપ્યા ત્યારે દીકરાએ.…
Next articleએક દિવસમાં 1000 રૂપિયાનો ધૂમાડો કરનાર દિકરા-દિકરીને એ પણ ખબર હોવી જોઇએ કે આટલી રકમમાં ઘણા એક અઠવાડીયા સુધી પોતાનું ઘર ચલાવતા હોય છે..