તમે જયારે નાનાં હતા ત્યારે ક્યારેય આ જોડકણું સાંભળ્યું છે ?? પોષી પોષી પૂનમડી, અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે..?? જે પણ ભાઈએ એની બહેન પાસેથી આ જોડકણું સાંભળ્યું છે એ ખુબ નસીબદાર છે અને જેટલી પણ બહેનોએ એમના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરી, એના માટે સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરી છે એ તમામ બહેનોને આજે પોષી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!
વિક્રમ સંવતનાં ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે. એમાંય સોમવારે આવતી પૂનમનું મહત્વ વધી જતું હોય છે. આ પૂનમનાં દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્વની હોય છે. આપણા ધર્મ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા કે પોષી પૂનમનાં દિવસનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવાયું છે.
પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખૂબ જ પ્રિય છે અને એટલે જ આ દિવસે ચંદ્રમાં પોતાના પૂર્ણ આકારમાં હોય છે. પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. ધર્મ ગ્રંથોમાં પોષ પૂર્ણિમાનાં દિવસે સ્નાન અને સૂર્ય દેવને અર્ઘ્ય આપવાનું વધારે મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમાનાં દિવસે જોવા મળે છે.
પોષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. પોષ સુદ પૂનમનાં દિવસે જગતજનની આધ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસે માતાનાં ભક્તો મા અંબાની પૂજા વિધિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મા અંબાનાં પ્રાગટ્યને લઇને અનેક કથા પ્રચલિત છે. એ કથા જણાવતા પહેલા અતિ પવિત્ર એવા ૫૧ ‘શક્તિપીઠ’ પાછળની કથા સંક્ષિપ્તમાં જણાવવાનો પ્રયાસ કરું.
દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સૃષ્ટિનાં દરેક મહત્વનાં વ્યક્તિઓને નિમંત્રણ પાઠવેલું પણ પોતાના જમાઈ એવા શિવજીને નિમંત્રણ નહોતું. એ છતાં પણ પિયરમાં ઉત્સવ હતો એટલે મા સતી વગર નિમંત્રણે પણ ગયાં. યજ્ઞમાં માતા સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને ન કહેવાના વચનો કહ્યા અને મા સતીને હાડોહાડ લાગી આવ્યું અને એ જ વખતે તેઓ યજ્ઞનાં હવનકુંડમાં કૂદી પડ્યાં.
જયારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે એમના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી અને શિવજીએ પોતાના ત્રિશૂળ વડે દક્ષ પ્રજાપતિનો શિરચ્છેદ કર્યો અને મા સતીનો મૃતદેહ ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું. એક બાજુ માતા સતીનાં વિષાદમાં કાળઝાળ બનેલા શિવજી અને બીજી બાજુ શિવજીનાં તાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ત્રણેય લોક!
શિવજીનું આ તાંડવ વધારે ચાલે તો સર્વનાશ નિશ્ચિત હતો. આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદભંગ કરવા સુદર્શન ચક્ર છોડ્યું, જેણે મા સતીનાં દેહનાં ૫૧ ટૂકડા કર્યા. આ ૫૧ ટૂકડાઓ ભારતનાં વિવિધ ભાગોમાં પડ્યા. એ ભાગો અતિ પવિત્ર ‘શક્તિપીઠ’ સ્થાનકો તરીકે ઓળખાયા. આ ૫૧ શક્તિપીઠમાનું એક મંદિર એટલે અંબાજી મંદિર. એની સાથે-સાથે મા અંબાનાં પ્રાગટ્ય દિવસની અન્ય પ્રચલિત કથાઓમાંની એક કથા વિશે પણ જાણીયે.
વર્ષો પહેલાં એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ધરતી પર માણસ સહિત પશુ-પક્ષીઓ પર મોત સમાન જોખમ તોળાઇ રહ્યું હતું. આવા ભયંકર દુષ્કાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું અને ધીરે ધીરે લીલોતરી પણ નાશ પામ્યા. લોકોને ખાવા માટે અન્ન ન બચ્ચું કે પ્રાણીઓ માટે ખોરાક. થોડા જ સમયમાં પૃથ્વી પરનાં દરેક જીવ ભૂખે ટળવળતાં હતા. કોઇ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ રહ્યો ન હતો.
આ સમયમાં ભક્તોએ મા આદ્યશક્તિનાં શરણમાં જઇને શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્યશક્તિ મા અંબા પ્રગટ થયાં હતાં. માતાની કૃપા થતા જ શાકભાજીની ખેતી શરૂ થઇ ને સાથે ચારે તરફ લીલોતરી છવાયેલી રહી. તેથી માતાજીને શાકંભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સાથે પોષ માસની પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એ સિવાય શરૂઆતમાં કહ્યું એમ આ પૂનમનાં દિવસે બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ કરે છે. વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનનાં પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. એક શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ. પોષી પૂનમનાં દિવસે આપણે ત્યાં બહેન આખો દિવસ ભાઇની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાંવાળી ગોળ ભાખરી કે બાજરાનો રોટલો આંખ સામે રાખી તેમાંથી ચંદ્રને જોઇને ભાઇને ૩ વખત પૂછે,
“પોષી પોષી પૂનમડીને, અગાશી એ રાંધ્યા અન્ન, ભાઇની બહેન રમે કે જમે ?”
જો ભાઇ જમવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે. જોકે, થોડો સમય ભાઇ મજાકમાં રમે કહે એટલે બંને ભાઇ-બહેન વચ્ચે મીઠો ઝઘડો પણ થાય. એ વખતે ઘરનાં વડીલ હસીને કહેતાં, “બહેનને રમાડવા ભાઇએ પણ આખી રાત જાગવું પડે”. આજે આ બધી પરંપરા ઘટતી જાય છે. છતાં પોષી પૂનમનું મહત્ત્વ તો હતું અને રહેવાનું જ.
હજી પણ આશા છે કે આપણી પરંપરાઓને જીવંત રાખતા આ બધા તહેવારો ક્યાંક ને ક્યાંક ઉજવાતાં હશે જેથી આવનારી પેઢી પણ આ બધા દિવસોનું મહત્વ સમજે. આપ સહુને મારાં તરફથી પોષી પૂનમ અને મા અંબાનાં પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
લેખકઃ- વૈભવી જોશી