Homeસ્ટોરીપિયર છોડીને સાસરે જતી દિકરીએ એની યુવાનીના ઉંબરે ઉભેલી નાની બહેનને વિદાય...

પિયર છોડીને સાસરે જતી દિકરીએ એની યુવાનીના ઉંબરે ઉભેલી નાની બહેનને વિદાય વખતે કહ્યુ કે.…

યુવાનીના ઉંબરે ઉભેલી 16 વર્ષની એક તરુણી એના કાકાની દિકરીને સાસરે વળાવી રહી હતી. પિયર છોડીને સાસરે જતી કાકાની દિકરીએ એની નાની બહેનને વિદાય વખતે કહ્યુ કે મારા ગયા પછી મમ્મી-પપ્પા સાવ એકલા પડી જશે તું એનું ધ્યાન રાખજે.

મોટી બહેન તો આટલું બોલીને સાસરે જતી રહી પણ ત્યાર બાદ 16 વર્ષની આ તરુણીનું મન ચકરાવે ચડ્યુ. લગ્નનો થાક હતો પણ આજે એની ઉંઘ ઉડી ગઇ. 16 વર્ષની આ દિકરીનું નામ માધવી દવે. માધવીબેનને એનાથી નાની ઉંમરનો એક ભાઇ અને એક બહેન હતા. ભાઇનું નામ સંજય અને બહેનનું નામ પૂર્ણીમા. સંજય અને પૂર્ણીમા બંને જન્મથી જ માનસિક વિકલાંગ હતા. માધવીનું મન આજે વિહવળ હતું કારણકે એને એના નાના ભાઇ બહેનની ચિંતા સતાવતી હતી.

માધવી પથારીમાં પડખા ફર્યા કરે પણ ઉંઘ ન આવે. મોડી રાતે માંડ માંડ ઉંઘ આવી અને ઉંઘમાં એક સ્વપ્ન આવ્યુ. સ્વપ્નમાં એણે એના જ લગ્નનો પ્રસંગ જોયો. કન્યાવિદાયનો સમય આવ્યો. કાકાની દિકરી એવી મોટી બહેને જેમ વિદાય વખતે માધવીને કહ્યુ હતુ કે મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે એમ હવે માધવી પણ કોઇને કહેવા માંગતી હતી કે મારા નાના ભાઇ બહેનનું ધ્યાન રાખજો. આજુ બાજુ બધે નજર કરી પણ ચારે બાજુ અંધારુ દેખાયુ. માધવી ઝબકી અને જાગી ગઇ.

એક 16 વર્ષની છોકરીને પોતાના ભાવી ભરથારના કેવા રંગીન સપના હોય ! પિયુની સંગાથે મહાલવાની કેવી મનોકામના હોય ! પણ માધવીએ પોતાના સપનાઓને એક બાજુ રાખીને નાના ભાઇ બહેનનો વિચાર કર્યો. જો મારા લગ્ન થઇ જાય તો મારા આ નાના ભાઇ બહેનનું શું થશે ? એને કોણ સાચવશે ? આ વિચાર આવતા જ માધવીના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. માધવીએ એ જ રાતે એક સંકલ્પ કર્યો. મારા નાના ભાઇ બહેનને સાચવવા માટે હું આજીવન કુવારી રહીશ. હું લગ્ન જ નહી કરુ જેથી મારે મારા ભાઇ બહેનથી છુટા થવાનો પ્રસંગ જ ઉભો ન થાય.

આ તરુણીએ ત્યાર બાદ એમનું સંપૂર્ણ જીવન નાના ભાઇ બહેન અને એના જેવા બીજા બાળકોને સમર્પિત કરી દીધુ. માનસિક વિકલાંગ બાળકોને સારી રીતે સમજી શકાય એ માટે વડોદરા જઇએ એણે આવા બાળકો સાથે કેવી રીતે વર્તવું અને બાળકોને કેવી રીતે સમજવા એનો સ્પેશીયલ કોર્સ કર્યો.

માધવીબહેને ત્યાર બાદ કચ્છ-માધાપરની નવચેતન મંડળ સંસ્થામાં કામ કર્યુ અને અંજારની ખાસ બાળકોની શાળામાં પણ જોડાયા. આસપાસના ગામડા અને શહેરોના માનસિક વિકલાંગ બાળકોના માતા-પિતાને તાલીમ આપવાનું કામ પણ માધવીબેન સંભાળી રહ્યા છે અને દિવ્યાંગ બાળકોને સમજવામાં એના માતા-પિતાને મદદ કરી રહ્યા છે.

માધવીબેનની ઉંમર આજે તો અડધી સદીએ પહોંચવા આવી છે. આ ફોટામાં વચ્ચે ઉભા છે એ માધવીબેન અને આજુબાજુમાં જેના માટે માધવીબેને પોતાના સપનાઓને ભોં માં ભંડારી દીધા એવા એના માનસિક દિવ્યાંગ નાના ભાઇ બહેન છે. માધવીબેનની એક જ ઇચ્છા છે કે ભગવાન એમને આ ધરતી પરથી પાછા બોલાવે એ પહેલા એના નાના ભાઇ બહેનને પરત બોલાવી લે જેથી એની વિદાય પછી ભાઇ બહેનનું કોણ ? એવો વસવસો ન રહે.

માત્ર વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ. પ્રેમ એટલે પામવુ એમ નહિ પણ પ્રેમ એટલે આપવું. પોતાના પ્રિય પાત્ર માટે સમર્પિત થઇ જવુ એનું નામ પ્રેમ છે. આપણે આપણા પ્રિય પાત્ર માટે સમર્પિત થવાનું તો એક બાજુ રહ્યુ ઘણીવખત થોડુ કોમ્પ્રોમાઇઝ કરવા પણ તૈયાર નથી થતા. માધવીબેન આપને અને આપના સમર્પણને વંદન.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો.

જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

લેખક સૌજન્ય: શૈલેષ સગપરીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments