આઝાદી પછી, ભારતમાં મહિલાઓને ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) સહિત કોઈપણ પ્રકારની નાગરિક સેવાઓમાં ભાગ લેવાની મંજૂરી નહોતી. પરંતુ દેશની અંદર પ્રતિભાશાળી મહિલાઓની કમી ન હતી અને તેમને આ સેવાથી વંચિત રાખવી એ દેશની મોટી ખામી હતી. આઝાદીના માત્ર એક વર્ષ પછી, મહિલાઓને નાગરિક સેવામાં કાર્ય કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ એવો સમય હતો, જ્યારે દેશમાં દરેક જગ્યાએ પિતૃસત્તા વર્ચસ્વ ધરાવતી હતી અને મહિલાઓને તેની સામે ડગલેનેપગલે સંઘર્ષ કરવો પડતો હતો. તે સમયે કોઈ પણ વ્યક્તિ મહિલાને આઈએએસ અધિકારી તરીકે જોવા પણ તૈયાર નહોતું. પરંતુ કેરળની “અન્ના જૉર્જ” નામની એક સામાન્ય છોકરી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં વ્યસ્ત હતી.
જયારે વર્ષ 1951 માં યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે સફળ વિદ્યાર્થીઓની યાદીમાં એક મહિલાનું નામ પણ હતું. તે મહિલાએ ઇતિહાસનાં પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી લખી નાખ્યું હતું. પરંતુ તેના માટે પડકાર હજી પૂરો થયો નહતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સંચાલિત આર.એન.બનર્જી અને ચાર આઈ.સી.એસ. અધિકારીઓના ઇન્ટરવ્યુ બોર્ડમાં તેમને નિરાશ કરવામાં આવ્યા હતા, અને તેમને વિદેશી સેવા અને સેન્ટ્રલ સર્વિસિસ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અન્ના જૉર્જએ નિરાશ થયા વિના જ મદ્રાસ કાડરની પસંદગી કરી હતી અને તે જ વર્ષે પ્રથમ પ્રયાસમાં જ તેમની પસંદગી આઈએએસ અધિકારી તરીકે થઈ.
ઘોડેસવારી અને શૂટિંગની તાલીમથી પૂર્ણ, અન્ના પોતાને પુરુષ કરતા ઓછી ન માનતા હતા. તેમણે ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં પણ પોતાને એક સારા વહીવટી અધિકારી તરીકે સાબિત કર્યા. લોકો તેમના કોઈપણ નિર્ણયોને સારા માનતા ન હતા અને લોકોને લાગતું હતું કે તેઓ આ કાર્યમાં નિષ્ફળ જશે. પરંતુ આવું ન બન્યું, તે દરેક કાર્યમાં સફળ જ થયા.
તેણે તેની કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેના કારણે તેમની હંમેશા પ્રશંસા થાય છે. ઉપરાંત, તેમણે 1982 ના એશિયાડ પ્રોજેક્ટમાં રાજીવ ગાંધીને મદદ પણ કરી હતી, પોતાના પગમાં ઈજા હોવા છતાં, તે ખાદ્ય ઉત્પાદનનો અભ્યાસ કરવા માટે ઈન્દિરા ગાંધી સાથે આઠ રાજ્યોની યાત્રા પર ગયા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન 7 જુદા જુદા મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું.
વહીવટી સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામ બદલ ભારત સરકાર દ્વારા તેમને 1979 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આજે અન્ના આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે જે રેકોર્ડ બનાવ્યો છે તે હંમેશા દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ છે. દરેક કાર્યમાં પડકારો સામે લડ્યા પછી, પોતાને એક સક્ષમ અધિકારી તરીકે સ્થાપિત કર્યા પછી, અન્નાએ ખરેખર એક સુવર્ણ ઇતિહાસ લખ્યો.