શાસ્ત્રોમાં ભગવાન શિવના સ્વરૂપોથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતો છે. તેમનું સ્વરૂપ તમામ દેવી-દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે. બધા દેવી-દેવતાઓ દિવ્ય આભૂષણો અને વસ્ત્રો પહેરે છે. પરંતુ શિવજી આવું કંઈપણ પહેરતા નથી. તે શરીર પર માત્ર ભસ્મ લગાવે છે. શાસ્ત્રોમાં ભોળાનાથના 5 વિશેષ રહસ્યો વિષે કહેવામાં આવ્યા છે, જે તેમના ભક્તોને ભાગ્યે જ ખબર હશે.
(1) રાખ (ભસ્મ) લગાવવાનું રહસ્ય :-
ભગવાન શિવ વિશ્વના તમામ આકર્ષણોથી મુક્ત છે. તેના માટે આ દુનિયા, મોહ-માયા બધું જ રાખ સિવાય બીજું કશું જ નથી. બધું એક દિવસ રાખ જ થઈ જવાનું છે. ભસ્મ આ વાતનું પ્રતીક છે. શિવજીને ભસ્મથી અભિષેક પણ કરવામાં આવે છે, જેનાથી વૈરાગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઘરમાં અગરબત્તીની રાખથી શિવજીને અભિષેક કરી શકાય છે. સ્ત્રીઓએ શિવજીને રાખથી અભિષેક ન કરવો જોઇએ.
(2) તાંડવનું રહસ્ય :-
શિવજીનું તાંડવ નૃત્ય ખુબ જ પ્રસિદ્ધ છે. શિવના તાંડવના બે સ્વરૂપો છે. પહેલું તેમના ક્રોધનું પ્રતિબિંબ ‘રૌદ્ર તાંડવ’છે અને બીજું ‘આનંદ તાંડવ’ જે આનંદ પ્રદાન કરે છે. મોટાભાગના લોકો તાંડવ શબ્દને શિવના ક્રોધનો વિરોધી માનતા હોય છે. રૌદ્ર તાંડવ કરનારા શિવને રૌદ્ર પણ કહેવામાં આવે છે. આનંદ તાંડવ કરનાર શિવ નટરાજ દ્વારા જ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે અને રૌદ્ર તાંડવ કરનારા શિવ જ બ્રહ્માંડનો અંત કરી શકે છે.
(3) ગળામાં વીંટળાયેલા સાપનું રહસ્ય :-
ભગવાન શિવના ગળામાં વીંટળાયેલો સાપ નાગરાજ વાસુકી છે. વાસુકી નાગ કશ્યપ ઋષિનો બીજો પુત્ર હતો. શિવ પુરાણ અનુસાર નાગલોકનો રાજા વાસુકી શિવના પરમ ભક્ત હતા.
(4) માથા પર ચંદ્રનું રહસ્ય :-
એકવાર મહારાજા દક્ષએ ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો હતો. તેનાથી બચવા માટે ચંદ્રએ ભગવાન શિવની ઉપાસના કરી. ભોળાનાથ ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયા અને ચંદ્રની રક્ષા કરી. આ સાથે ચંદ્રને તેના માથા પર ધારણ કર્યો, પરંતુ આજે પણ ચંદ્રના વધવા-ઘટાડાનું કારણ મહારાજા દક્ષનો શ્રાપ માનવામાં આવે છે.
(5) ત્રીજી આંખનું રહસ્ય :-
એકવાર ભગવાન શિવ હિમાલય પર સભા કરી રહ્યા હતા. તેમાં તમામ દેવતાઓ, ઋષિ-મુનિઓ અને જ્ઞાનીજનો પણ હતા. ત્યારે માતા પાર્વતી સભામાં આવ્યા અને તેણે ભગવાન શિવની બંને આંખોને પોતાના બંને હાથથી ઢાંકી દીધી. માતા પાર્વતીએ ભગવાન શિવની આંખો ઢાંકતાની સાથે જ વિશ્વમાં અંધકાર છવાઈ ગયો. આ પછી, પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. સંસારની આવી દશા ભગવાન શિવથી જોઈ શકાણી નહી. તેમણે તેમના કપાળ પર એક જ્યોતિ પ્રગટ કરી, જે ભગવાન શિવની ત્રીજી આંખ બની.