Homeજીવન શૈલીભોજન કરવાની સાચી રીત કંઈ છે, ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ, ફળ...

ભોજન કરવાની સાચી રીત કંઈ છે, ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ, ફળ કેવી રીતે ખાવા જોઈએ, આ તમામ સવાલોના જવાબ વાંચો.

આપણે ગમે તે સમયે ભોજન કરીએ છીએ, ગમે તે રીતે ઉપવાસ કરીએ છીએ અને ફળ પણ આપણને અનુકુળ આવે એ પ્રમાણે ખાઈએ છીએ પણ તમે આ બધુ કરવાની સાચી પદ્ધતિ વિશે જાણો છો ? જો તમારો જવાબ ના હોય તો આ આર્ટિકલ તમારા માટે જ છે.

૧. ભોજન કરવાની સાચી પદ્વતિ કઈ ?

યોગ્ય સમયે ભોજન કરવું. ભૂખ લાગી હોય તો જ ભોજન કરવું. પેટ સાફ થયું હોય તો જ ભોજન કરવું. સ્નાન કરીને અથવા બહારથી આવ્યા હોય તો હાથપગ ધોઈને, ચોખ્ખાં કપડાં પહેરીને જ ભોજન કરવું.

આસન ઉપર અથવા પાટલા ઉપર પલાંઠી વાળીને બેસીને ભોજન કરવું. ભોજનના થાળને સામે ઉંચા પાટલા ઉપર સ્થાપન કરીને ભોજન કરવું. રસ લઈને, સ્વાદપૂર્વક ભોજન કરવું. અભદ્ર અને અશિષ્ટ વ્યહાર ન કરતાં શિષ્ટ અને સંસ્કારી આચારપૂર્વક ભોજન કરવું.

આકરાંતિયાની પેઠે ન ખાતાં શાંતિથી, ધીરજપૂર્વક, ચાવી ચાવીને ભોજન કરવું. ભોજનના પદાર્થોને શાસ્ત્રાનુસાર ક્રમ સાચવીને, વચ્ચે વચ્ચે થોડું જ પાણી પીને ભોજન કરવું. થાળીમાં લીધેલું ભોજન પુરૂ કરીને, કશું જ ન છોડતાં ભોજન કરવું.

અંતે ‘અન્નદાતા સુખી ભવ’ કહીને ભોજન પુરું કરવું. આ ભોજન કરવાની યોગ્ય રીત ગણાય. આનાથી ઉલટું બધું અયોગ્ય ગણાય.

૨. ઉપવાસ કરવાની સાચી પદ્વતિ કઈ ?

ઉપવાસ શબ્દનો સીધો અર્થ થાય છે ‘નજીક વાસ કરવો.’ નજીક એટલે ઈશ્વરની નજીક. અર્થાત ઈશ્વરમાં, ઉપાસનામાં, જપમાં, ધ્યાનધારણમાં મન લાગેલું રહે એ રીતે આહાર કરવો કે ન કરવાને ઉપવાસ કહેવાય.

ઉપવાસ કરવાની અનેક રીતો છે.

આખો દિવસ કશું જ લેવું. પાણી પણ ન પીવું. એને નકોરડો ઉપવાસ કહે છે. ફળ અને દૂધ જ લેવું એ પણ એક રીત છે. કેટલાક લોકો મીઠું, તેલ, મરચું નથી લેતા.

કેટલાક લોકો બટેટા, સૂરણ, સાબુદાણા વગેરે ખાઈને ઉપવાસ કરે છે. તો કેટલાક લોકો એક વખત જમીને ઉપવાસ કરે છે. તો કેટલાક એક વખત અન્ન અને બાકી બધો સમય ફરાળી વાનગીઓ ખાઈને ઉપવાસ કરે છે.

દરેક પોતાની પ્રકૃતિ અનુસાર, શુદ્વ ભાવનાથી, ઉપવાસ અને સંયમ કરવાના ઉદ્દેશથી, શરીરને હળવું અને સ્વસ્થ રાખવા માટે પોતાને માફક આવે એ રીતે ઉપવાસ કરવા જોઈએ. ઉપાસના માટે નહીં પરંતુ કેવળ શરીરના આરોગ્ય લાભ માટે પણ ઉપવાસ કરતા હોય છે. આવા ઉપવાસ વૈદ્યની સલાહ અનુસાર કરવા જોઈએ.

કેટલાક લોકો દેખાદેખી, નવું કાંઈક ખાવા મળશે એમ જાણીને ઉપવાસ કરતા હોય છે. એને આભાસી ઉપવાસ કહેવાય, સાચો નહીં. કંઈ પણ ઉદ્દેશ વગર નિરર્થક ભૂખ્યા રહેવાને પ્રમાદ કહેવાય, ઉપવાસ નહીં. ખાવાનું ન મળતું હોય તેથી ભૂખ્યા રહેવું પડે એને પણ ઉપવાસ ન કહેવાય.

રમવામાં, ફિલ્મ જોવામાં, કામ કરવામાં, ભૂખનું ભાન ન રહે અને જમ્યા વગરના રહે એને પણ ઉપવાસ ન કહેવાય. નકકી કરીને વ્રતપૂર્વક નિરાહાર રહેવાને જ ઉપવાસ કહેવાય.

૩. ફળો ખાવાની સાચી રીત કઈ ?

ફળો પ્રથમ ધોઈને કોરાં કરવા જોઈએ. એ પછી જે ફળોની છાલ ખાઈ શકાતી નથી તેમની છાલ ઉતારવી જોઈએ. આટલી બે સિવાય બીજી કોઈ પ્રક્રીયાની ફળો ખાવામાં જરૂર પડતી નથી. છાલ ઉતારેલાં ફળો તરત જ ખાવા જોઈએ. તેમને હવાનો સ્પર્શ જેટલો ઓછો થાય એટલું સારૂ. તે દ્રષ્ટિથી સમારવાની પણ જરૂર પડે નહીં.

સમાર્યા વગર સીધાં ખાવાં જોઈએ. જો સમારીને રાખવાં જ પડે એમ હોય તો લીંબુ, મીઠું વગેરેનું કોઈ ને કોઈ પ્રકારનું આવરણ તેના ઉપર ચઢે એ જોવું જોઈએ, જેથી એ હવાના સીધા સ્પર્શથી બચે.

કેરીને સીધી ચૂસીને ખાવી જોઈએ. ફળો કઈ રીતે ન ખાવાં જોઈએ એ જાણવું વધુ જરૂરી છે, ફળો રાંધીને ન ખાવાં જોઈએ. ફળોને ગરમ કરીને પણ ન ખાવાં જોઈએ. ફળોને ફ્રિઝમાં ન મૂકવા જોઈએ. કૃત્રિમ રીતે પકવેલાં ન ખાવાં જોઈએ. રસાયણ યુકત ફળો ન ખાવાં જોઈએ.

મિકસરમાં નાખીને દૂધ સાથે કે પાણી સાથે મેળવીને રસ બનાવ્યો હોય તેવાં ન ખાવાં જોઈએ. દહીં નાખીને રાયતું બનાવીને ખાઈ શકાય. કેરી, શેરડી, અનાનસ જેવાં ફળોનો રસ કાઢીને, તેને રાખી મૂકીને ન પીવો જોઈએ.

ફળો જમ્યા પછી ન ખાવાં જોઈએ. ફળો ભૂખ શમાવે છે તેથી અન્નને બદલે ખાઈ શકાય. એ કંઈ પાન કે વરિયાળીની જેમ પાચક નથી, એ આહાર જ છે તેથી આહારની જેમ જ ખાવાં જોઈએ. કુદરતી રીતે પાકેલાં ફળો શ્રેષ્ઠ ગણાય. અધૂરાં પાકેલાં, કૃત્રિમ રીતે પકવેલાં, વધુ પડતાં પાકેલા ફળો ન ખાવાં જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments