આપણા દેશમાં ઘણી જગ્યાઓ છે, જેના વિશે કંઈપણ સમજવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે. આવા મંદિરો અને અન્ય ઘણા સ્થળો છે. તેમાંથી, આજે અમે તમારી સાથે કુંડની માહિતી શેર કરી રહ્યાં છીએ. અમે જે વાત કરી રહ્યા છીએ તે ભારતના એવા કુંડ છે, જેનું પાણી વર્ષોથી ગરમ છે. ગમે તેટલું ઠંડી પડે તો, પણ આ કુંડનું પાણી ક્યારેય ઠંડુ થતું નથી. તો ચાલો તમને જણાવીએ કે, આ ગરમ પાણીના કુંડનું રહસ્ય?
ઓડિશાનો ‘અત્રિ કુંડ’ ખૂબ જ પ્રખ્યાત કુંડ છે. આ કુંડ સલ્ફર યુક્ત ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત છે. આ જળકુંડ ભુવનેશ્વરથી લગભગ 42 કિલોમીટર દૂર આવેલો છે. આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રી છે. એવું માનવામાં આવે છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી એક ક્ષણમાં જ બધો થાક દૂર થઈ જાય છે.
‘તુલસી-શ્યામ’ કુંડ જૂનાગઢથી 65 કિલોમિટર દૂર સ્થિત છે. અહીં ગરમ પાણીના ત્રણ કુંડ છે. ખાસ વાત એ છે કે, આ ત્રણેય કુંડમાં પાણી તો ગરમ રહે છે. પરંતુ ત્રણેય કુંડના પાણીનું તાપમાન અલગ-અલગ છે. આ કુંડ પાસે રૂકમણી દેવીનું 700 વર્ષ જૂનું એક મંદિર આવેલું છે. અહીં દર્શન કરવા માટે ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
પશ્ચિમ બંગાળમાં આવેલ ‘બકરેશ્વર’ એક પ્રખ્યાત તીર્થસ્થાન છે. અહીં ગરમ પાણીના 10 કુંડ છે. અહીં અગ્નિ, ભૈરવ, ખીર, સૌભાગ્ય, નરસિંહ, પાપહરા અને સૂર્ય સહિત અન્ય કુંડ પણ આવેલા છે. એવું માનવામાં આવે છે કે, આમાંથી કોઈપણ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ રોગો મટી જાય છે.
પટણા પાસે આવેલ ‘રાજગીર’ને ભારતના પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. દંતકથાઓ અનુસાર, ભગવાન બ્રહ્માના માનસ પુત્ર રાજા બસુએ રાજગીરના ‘બ્રહ્મકુંડ’ સંકુલમાં એક યજ્ઞનું આયોજન કર્યું કર્યો હતું. આ સમય દરમિયાન, બધા જ દેવી-દેવતાઓ અહીં આવ્યા હતા. અહીં એક જ કુંડ હોવાથી દેવી-દેતાઓને સ્નાન કરવામાં મુશ્કેલી થઈ. તેથી એવું માનવામાં આવે છે કે, બ્રહ્માજીએ અહીં 22 કુંડ અને 52 જલધારાનું નિર્માણ કરાવ્યું હતું. વૈભારગિરિ પર્વતનાં પગથિયાં પર મંદિરોની વચ્ચે ઘણાં ગરમ પાણીનાં કુંડ છે, અહીં સપ્તકર્ણી ગુફાઓમાંથી પાણી આવે છે. બ્રહ્મકુંડ અહીંનો સૌથી વિશેષ કુંડ છે. તેને ‘પાતાળ ગંગા’ પણ કહેવામાં આવે છે.