Homeસ્ટોરી1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં નાંખીને, કરી હતી એરફોર્સને...

1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં નાંખીને, કરી હતી એરફોર્સને મદદ…

8 ડિસેમ્બર 1971 ની રાતે, ભારત-પાક યુદ્ધ દરમિયાન, સેબર વિમાનોની ટુકડીએ ભુજમાં ભારતીય વાયુસેનાની હવાઈ પટ્ટી પર 14 થી વધુ નાપલમ બોમ્બ ફેંકી દીધા હતા. આને કારણે ભારતીય એરફોર્સની આ હવાઈ પટ્ટી તૂટી ગઈ હતી અને ભારતીય લડાકુ વિમાનોનું ઉડાન ભરવી અશક્ય બની ગઈ હતી.

ભારતીય વાયુસેનાએ હવાઈ પટ્ટીને રીપેરીગ કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને બોલાવ્યા હતા, પરંતુ સમય હતો નહી અને કામદારો પણ ખુબ જ ઓછા હતા. આવી સ્થિતિમાં ભુજના માધાપુર ગામના 300 લોકો યુધ્ધ ચાલી રહ્યું હતું છતાં ભારતીય વાયુસેનાની મદદ કરવા ઘરોની બહાર નીકળ્યા હતા, જેમાં મોટે ભાગે મહિલાઓ હતી. પોતાની દેશભક્તિને લિધે પોતાનો જીવ જોખમમાં મુકીને બધા ઘરની બહાર નીકળી આવ્યા હતા.

જે કદાચ તેમની અસાધારણ દેશભક્તિ જ હતી કે તેમણે ફક્ત 72 કલાકમાં એરસ્ટ્રીપને રીપેરીંગ કરવાનું અશક્ય કાર્ય શક્ય બનાવ્યું હતું. આવી હિંમતવાન મહિલાઓમાંની એક વલબાઈ સેઘાણીએ ગુજરાત પેજને જણાવ્યું હતું કે તે સમયે અમને પણ અમે સૈનિક હોઈએ એવુ લાગતું હતું.

તે યાદ કરતા આગળ કહે છે કે જ્યારે 9 ડિસેમ્બર, 1971 ના રોજ અમને એરસ્ટ્રીપ પર થયેલા બોમ્બ વિસ્ફોટ વિશે માહિતી મળી અને જાણવા મળ્યું કે એરસ્ટ્રીપ રીપેરીંગ કરવા માટે માણસો નથી ત્યારે અમારા ગામના લોકોએ આર્મીની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને જ્યારે અમે લશ્કરની ટ્રકમાં ચડી રહ્યા હતા ત્યારે એકવાર પણ અમને અમારી સલામતી કે અમારા પરિવારની સલામતી વિશે વિચાર્યું ન હતું, અમે માત્ર દોડી ગયા હતા., એરસ્ટ્રીપને રીપેરીંગ કરવા માટે!

અમે આશરે 300 મહિલાઓ હતી, જે દ્રઢ નિશ્ચય સાથે એરફોર્સને મદદ કરવા માટે ઘરની બહાર નીકળી હતી જેથી ભારતીય એરફોર્સના પાઇલટ્સ ફરીથી લડાકુ વિમાન ઉડાડી શકે. જો એરસ્ટ્રીપ રીપેરીગ કરતી વખતે અમારું પણ મોત થઈ જાત તો આ અમારા માટે એક સન્માન જનક વાત હતી.

તત્કાલિન જિલ્લા કલેકટરે આ 300 બહાદુર મહિલાઓને આ ઉમદા હેતુમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા અને સાથે ગામના સરપંચ જાધવજીભાઇ હિરાની સહુથી પહેલા આગળ આવ્યા અને આ માટે ગામના લોકોને આહવાહન કર્યું તો મહિલાઓએ એરફોર્સની મદદ કરવા સૌએ ખુશીથી તેમનો સાથ આપ્યો.

આ યુદ્ધ દરમિયાન ભુજ વિમાનમથકના ઈન્ચાર્જ કાર્નીક હતા, અને સ્ક્વાડ્રન લીડર વિજય કાર્નીકએ પણ આ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં ખુબજ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

50 આઈએએફ અને 60 ડિફેન્સ સિક્યુરીટી કોર્પ્સના જવાન અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે ખાતરી કરી કે બોમ્બ વિસ્ફોટમાં એરસ્ટ્રીપને નુકસાન થયું હોવા છતાં પણ એરસ્ટ્રિપ કાર્યરત રહે.

ગુજરાત પેજ સાથે વાત કરતા, સ્ક્વાડ્રન લીડર કાર્નિક આ ઘટનાને યાદ કરે છે, “અમે યુદ્ધ લડતા હતા અને જો આમાંથી કોઈ મહિલા ઘાયલ થઈ હોત, તો અમારા પ્રયત્નોને મોટું નુકસાન થયું હોત. પરંતુ અમે નિર્ણય લીધો અને તે કામ કર્યું. અમે તેમને કહ્યું હતું કે જ્યારે હુમલો થાય ત્યારે તેઓ આશ્રય ક્યાં લઈ શકે છે, અને તેઓ એ ખુબ હિંમતભેર તેમનું પાલન પણ કર્યું.

ટુંક સમયમાં તમે પણ આ કથા પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’માં અજય દેવગનને આ બહાદુર અધિકારીનું પાત્ર ભજવતા જોશો.

તૂટી ગયેલી એરસ્ટ્રિપનું સમારકામ કરવું ખુબ મુશ્કેલ કાર્ય હતું, કારણ કે આ કાર્યમાં સામાન્ય નાગરિકોના જીવને સતત જોખમ હતું. તેમણે તેમના અધિકારીના માર્ગદર્શન હેઠળ કામ શરૂ કર્યું. જ્યારે પણ ભારતીય વાયુસેનાને પાકિસ્તાની બોમ્બર વિમાન તેમની દિશામાં આગળ આવી રહ્યાને સંકેત મળે ત્યારે તેઓ એક સાયરન વાગાડતા હતા છે અને આ સાયરન એરસ્ટ્રીપ રીપેરીંગ કરી રહેલા સામાન્ય નાગરિકોને ચેતવણી આપતું હતું અને તેઓ સલામત સ્થળે જતા રહેતા હતા.

વલબાઈ વાત કરતા જણાવે છે કે જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે તરત જ ભાગતા અને ઝાડીમાં છુપાઇ જતાં. અમને હળવા લીલા રંગની સાડીઓ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી ઝાડીઓમાં છુપાવવું વધુ સરળ બને. જ્યારે પાકિસ્તાની બોમ્બર વિમાન પસાર થઈ જાય ત્યારે એક નાનો સાયરન વગાડવામાં આવતો અને એ એવો સંકેત હતો કે જોખમ થોડું ઓછું છે અને ફરી પાછા એરસ્ટ્રીપ રીપેરીગ કરવા માટે પાછા આવી શકીએ છીએ. દિવસના અજવાળાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે અમે સવારથી સાંજ સુધી સખત મહેનત કરતા હતા.

જ્યારે બીજી એક હિંમતવાન મહિલા, જેમણે હવાઈ પટ્ટીના રીપેરીગ કાર્યમાં ફાળો આપ્યો હતો એવી વીરુ લાછાણીએ ગુજરાત પેજને કહ્યું, દુશ્મનના વિમાનને છેતરવા માટે અમને છાણથી હવાઈ પટ્ટી ઢાકવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે એરસ્ટ્રીપ રીપેરીગ કરતા હોઈએ ત્યારે સાયરનનો અવાજ આવે એટલે તરત જ છુપાવવા માટે બંકર તરફ દોડવું પડતું હતું. જ્યારે અમારા પર હવાઈ હુમલો થતો ત્યારે બંકરમાં અમારે સુખડી અને મરચા ખાઈને તેના પર ટકી રહેવું પડતુ હતું.

પહેલા દિવસે ખાવા માટે કંઇ ન હોવાથી, અમારે ભૂખ્યા જ સુવુ પડ્યું. બીજા દિવસે, નજીકના મંદિરથી અમારા માટે ફળો અને મીઠાઈઓ મોકલવામાં આવી. આનાથી અમને ત્રીજા દિવસે કામ કરવામાં ખુબ મદદ મળી. ચોથા દિવસે સાંજે 4 વાગ્યે, ભારતીય ફાઇટર પ્લેન એરસ્ટ્રિપથી ઉપડ્યું અને આખરે અમારી મહેનત રંગ લાવી હતી, એ અમારા માટે એક ગર્વની ક્ષણ હતી,” વલબાઈનો ચહેરો આ વાત કરતા ચમકી ઉઠે છે.

વલબાઈને હજી યાદ છે કે એ સમયે મારો દિકરો માત્ર 18 મહિનાનો હતો. હુ મારા એ 18 મહિનાના દિકરાને પડોશી પાસે છોડીને આવી હતી. ત્યારે મારા પડોશીએ મને પૂછ્યું કે જો તને કંઇક થયું તો તારા પુત્રને કોને સોંપવો ?, એ સમયે મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો.

વલબાઈએ ગુજરાત પેજને કહ્યું, હું માત્ર એટલું જ જાણતી હતી કે મારા દેશ અને મારા ભાઈઓને એ સમયે મારી વધુ જરૂર છે. મને હજી પણ યાદ છે કે કેવી રીતે બધા પાઇલટ્સે અમારી સંભાળ લીધી હતી.

વલબાઈના સાથી અને દેશભક્ત હીરૂબેન ભુડિયા કહે છે, યુદ્ધના મેદાનમાં એરસ્ટ્રીપને ઠીક કરવાની જરૂર હતી. પરંતુ મજૂરોની અછતને કારણે, તેઓએ અમારા પર વિશ્વાસ કર્યો. 72 કલાકમાં અમે એ તૂટેલી એરસ્ટ્રીપ રીપેરીગ કરી શકયા અને ભારતીય ફાઈટર વિમાન ફરી પાછા આકાશમાં ઉડી શકતા હતા. આજે પણ અમારી અંદર એજ દેશ ભાવના છે, અને જ્યારે પણ સેનાને જરૂર પડે ત્યારે અમે ફરીથી તેમના માટે કામ કરીશું.

આ યુદ્ધના ત્રણ વર્ષ પછી, જ્યારે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી આ મહિલાઓને ભેટ આપવા માંગતા હતા, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો અને કહ્યું, અમે જે કંઇ કર્યું તે આપણા દેશ માટે હતું. અને ભેટ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

વાલબાઈ જણાવે છે કે માધાપરના એક કોમ્યુનિટી હોલમાં 50,000 રૂપિયાની ઇનામ રકમ પણ આપવામાં આવી હતી. વર્ષ 2018 માં, કેન્દ્ર સરકારે આ બહાદુર મહિલાઓ માટે ભુજના માધાપર ગામમાં ‘વીરંગના સ્મારક’ નામનું સ્મારક બનાવીને સમર્પિત કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments