યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી પધારે છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મેળો 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને તેના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેળાનું આયોજન કરવાનો નિર્ણય થતાં માં અંબાના ભક્તોમાં ખુશીનો માહોલ છે.
વહીવટી તંત્રે 6 મહિના પહેલા જ મેળાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બે-છ મહિના પહેલા જ વહીવટીતંત્ર મેળાની તૈયારીઓ શરૂ કરી દેતું હતું. આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાશે કે કેમ તે અંગે ભક્તોમાં અસમંજસ પ્રવર્તી રહી છે.
દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા ઉમટી પડે છે.
એક દંતકથા અનુસાર ભાદરવી પૂનમની યાત્રાનો ઈતિહાસ 170 વર્ષ જૂનો છે. પાટણના શિહોરીના રાણી માતાના કુંવર ભીમસિંહજીને 55 વર્ષની વયે પણ બાળક ની ખોટ હતી. તેથી એક દિવસ રાજમાતાએ રામસિંહ રાયકાજી નામના ભુવા પાસે આ વિષય પર સલાહ માંગી કે આ ખોટ નો ઉપાય શું છે. પછી તેને ખબર પડી કે તેના કુળદેવી માં અંબાજી છે અને તેના આશીર્વાદથી પારણું બંધાશે. એ પછી ભીમસિંહ બાપુએ માતાની માનતા રાખતા તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. ઘણા વર્ષો પછી માતાની કૃપાથી પારણું બંધાયા પછી તેમણે દોઢ વર્ષ સુધી અંબાજીમાં યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી આવવાનું આમંત્રણ આપ્યું. 1841 ના ભાદરવા સુદ 10 ના રોજ ભુવાજી અને 51 બ્રાહ્મણો એક સંઘ તરીકે અંબાજી જવા નીકળ્યા. આમ ભીમસિંહ બાપુના આમંત્રણ પર પ્રથમવાર અંબાજી પહોંચ્યા અને 5 વર્ષ સુધી પગપાળા અંબાજી જવાનું માનતા આ બ્રાહ્મણોએ પણ હવે પગપાળા સંઘની સ્થાપના કરી. 1841માં શરૂ થયેલો આ રિવાજ આજે પણ ચાલુ છે. હાલમાં, નાના-મોટા 1700 થી વધુ સંઘો દર વર્ષે લાખો ભક્તો સાથે અંબાના આશીર્વાદ મેળવવા અંબાજીની મુલાકાતે આવે છે.