દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા પહેલા મોડેલિંગ કરતી હતી ત્યારબાદ તે ફિલ્મ ક્ષેત્રમાં જોડાઈ. ફિલ્મમાં આવ્યા બાદ તે ખૂબ જ જાણીતી અભિનેત્રી બની ગઈ. તો ચાલો તેમની કેટલીક ખાસ વાતો વિશે જાણીએ.
દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986 ના રોજ ડેનમાર્કની રાજધાની ‘કોપનહેગન’માં થયો હતો. તેના પિતા ‘પ્રકાશ પાદુકોણ’ પ્રખ્યાત બૈડમિંટન ખેલાડી છે. તેની માતા ‘ઉજ્જલા પાદુકોણ’ એક ટ્રાવેલ એજન્ટ હતા. દીપિકાની એક નાની બહેન ‘અનિશા પાદુકોણ’ છે, જે વ્યવસાયે ગોલ્ફર છે. જ્યારે દીપિકા 11 મહિનાની હતી, ત્યારે તેનો પરિવાર બેંગ્લોરમાં સ્થાયી થયો હતો. દીપિકાએ બેંગ્લોરમાં તેનો અભ્યાસ કર્યો હતો. આજે પણ દીપિકા ઘણીવાર બેંગ્લોરમાં તેના ઘરે જાય છે.
દીપિકાને નાનપણથી જ બેડમિંટનની રમતમાં ખુબ જ રસ હતો. તે રાષ્ટ્રીય કક્ષાની બેડમિંટન ખેલાડી રહી ચુકી છે. આઠ વર્ષની ઉંમરે દીપિકાએ પહેલી વાર એક જાહેરાત માટે કામ કર્યું હતું. ત્યારથી સમજાયું કે તેને બેડમિંટન નહીં પણ અભિનય ક્ષેત્રમાં રસ છે.
દીપિકાએ 2004 માં ફુલટાઇમ મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દીપિકાએ લીરિલ સાબુ માટે એડ કરી હતી. આ એડવેટાઇઝથી તેને લોકપ્રિયતા મળી. તે કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી ચૂકી છે. 2006 માં દીપિકાએ કન્નડ ફિલ્મ ‘એશ્વર્યા’ દ્વારા અભિનય ક્ષેત્રની શરૂઆત કરી, જોકે તેને હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી ઓળખ મળી હતી. આ ફિલ્મ 2007 માં રિલીઝ થઈ હતી.
દીપિકા ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે. દીપિકાએ ‘હાઉસફુલ’ (2010), ‘કૉકટેલ’ (2012), ‘રેસ 2’ (2013), ‘યે જવાની હૈ દીવાની’ (2013), ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ (2013), ‘ગોલીયો કી રાસલીલા રામ-લીલા’ (2013), ‘બાજીરાવ મસ્તાની’ (2015), ‘પીકુ’ (2015) અને ‘પદ્માવત’ (2018) ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે. દીપિકાએ હોલીવુડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. 2017 માં તે હોલીવુડ ફિલ્મ ‘xxx રીટર્ન ઓફ જેન્ડર કેજ’ માં જોવા મળી હતી.
દીપિકા બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે. એક ઈંટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ફિલ્મ ‘પદ્માવત’માં તેને રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતા વધારે પૈસા મળ્યા હતા. ટાઇમ મેગેઝિનએ દીપિકાને 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં શામેલ કરી છે.