Home લેખ લંડનમાં હોટલ ચલાવતા આ ગુજરાતીએ એક લાખ અંગ્રેજાને શાકાહારી બનાવ્યા

લંડનમાં હોટલ ચલાવતા આ ગુજરાતીએ એક લાખ અંગ્રેજાને શાકાહારી બનાવ્યા

297

આજે એક એવા ગરવા ગુજરાતી વિશે વાત કરવી છે જેણે લંડનમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના સંવાહક ગણવામાં આવે છે અને તેમણે લંડનમાં ૪૦ વર્ષ સુધી ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી અને સાથે સાથે વિદેશની ભૂમિમાં આયુર્વેદિક અને ઓર્ગેનિક સ્ટોર ખોલ્યા, આ ઉપરાત ભારતના શ્રેષ્ઠ કળાકારોને વિદેશ બોલાવી ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધનો પ્રસાર કરનારા અને જીવનના ઉત્તરાર્ધમાં વતન કરમસદમાં આવીને અનન્ય‘બૈજુ બાવરા-તાનારીરી’નું નિર્માણ કરી ભારતીય સંગીતનું સંવર્ધન કરનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ની.

તેમનો જન્મ ૧૮મી સપ્ટેમ્બર, ૧૯૩૬માં રંગૂન, મ્યાનમાર (બર્મા)માં થયો. માતા કમળાબહેન અને પિતા ભાઈલાલભાઈ. બીજા વિશ્વયુદ્ધના કારણે પોતાની તમામ માલ-મિલ્કત છોડીને નાનકડા રમેશને લઈને રાતોરાત રંગૂન છોડી વતન કરમસદ આવવું પડ્યું હતું. માતૃભાષા ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિ એટલી બધી ગમે કે હું માતૃભાષા ગુજરાતીમાં જ ભણીશ અને જે અંગ્રેજી માધ્યમમાં ભણતા હશે તેમને મારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. સંજાગોવસાત્‌ નાસિક ભણવા ગયા. અહીં સંગીત અને રસોઈનો શોખ જાગ્યો.

સને ૧૯૫૭માં લંડન ગયા. થોડોક સમય નોકરી કરી. એ પછી ૧૯૬૦માં લંડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ કરી. તેનું નામ ‘મંદિર’ રાખ્યું. માત્ર ‘મંદિર’ જેવું પવિત્ર નામ રાખ્યું નહીં, તેને સાર્થક કર્યું. તેઓ પોતે ઉત્તમ રસોયા. તેમનાં પત્ની ઉષાબહેન પણ પાકાં સાથીદાર. નાઈટ કલ્ચરથી ધમધમતા લંડનના પોશ વિસ્તારમાં તેમણે શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ ચાર દાયકા પોતાના સિદ્ધાંતો સાથે ચલાવી. રાત્રે ૧૦ વાગ્યા પછી રેસ્ટોરન્ટ બંધ કરી જ દે કારણ કે રાત્રે જમાય નહીં તો જમાડાય પણ નહીં. રવિવારે રેસ્ટોરન્ટ બંધ કારણ કે નોકરોને રવિવારે રજા આપવી જ જોઈએ. કરોડો પાઉન્ડનો વકરો ગુમાવ્યો, પણ એ કંઈ કશું ગુમાવ્યું ના કહેવાય. જીવનમાં માત્ર પૈસા જ બધુ નથી હોતા. આવું તેઓ માને અને જીવે.

‘મંદિર’માં બધુ અણિશુદ્ધ મળે. તેમણે આશરે એક લાખ અંગ્રેજોને શાકાહારી બનાવ્યા. રેસ્ટોરન્ટના એક ભાગમાં નાનકડો પંડિત રવિશંકર હોલ કર્યો, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય. તેમણે લંડનમાં આયુર્વેદિક સારવાર માટે ‘કુશળ’ નામના ક્લિનિકનો પણ પ્રારંભ કર્યો. અત્યારે વિશ્વમાં ઓર્ગેનિકની બોલબોલા છે, રમેશભાઈએ એ જમાનામાં દરિયાપાર પહેલો ઓર્ગેનિક સ્ટોર કર્યો હતો. વચ્ચે દીકરાને ભણાવવાના હેતુથી સાતેક વર્ષ અમેરિકા ગયા તો ત્યાં ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલેમાં શાકાહારી હોટલનો પ્રારંભ કર્યો હતો. (તેમનો દીકરો ડોકટર થયો. અત્યારે અમેરિકામાં સ્થાયી થયો છે.)

૧૯૬૧માં ભારતીયો માટે સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાની સ્થાપના કરી. નામ આપ્યું ‘નવકલા’, જે આજે પણ લંડનમાં કાર્યરત છે. તેમણે લંડનમાં ૧૦૦થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું. તેઓ દરિયાપાર ભારતીય સંસ્કૃતિના ઉત્તમ એલચી છે.

તેઓ કવિ પણ છે. તેમના ઘણા કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે. ‘હૃદયગંગા’ નામનો તેમનો કાવ્યસંગ્રહ ખૂબ વખણાયો છે. વિશ્વની ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેમની ઘણી કવિતાઓ સ્વરબદ્ધ પણ થઈ છે અને તેની ડીવીડી-સીડી પણ થઈ છે. ગુજરાતી કવિતાની દુનિયામાં આ એક જ એવો ગ્રંથ છે જેમાં ગુજરાતી ઉપરાંત બીજી આઠ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં કવિતાનું ભાષાતંર કરાયું છે. તેમણે હજારો કાવ્યો-ગીતો લખ્યાં છે.

લંડનસ્થિત ભારતીય હાઈકમિશનરની કચેરીમાં સરદાર પટેલનું તૈલચિત્ર મૂકવા માટે તેમણે ઘણી જહેમત કરી હતી. સફળ થયા. આવું તેઓ સહજ રીતે કરે. બીજા કોઈને અશક્ય લાગતું હોય તે રમેશભાઈ રમતાં રમતાં કરી શકે. જેટલી પ્રતિભા, તેટલી જ પ્રતિબદ્ધતા.

એક રમેશ પટેલમાં અનેક રમેશ પટેલ છે. કવિતા, ગીત-સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા આ બધામાં તેઓ માહેર છે. ધર્મપત્ની ઉષાબહેનના નિધન પછી લંડનની બધી પ્રવૃત્તિઓ સંકેલીને ૨૦૦૨માં માદરે વતન આવ્યા. થોડો સમય વડોદરા રહ્યા પછી હવે કરમસદમાં રહે છે. કરમસદમાં તેમણે અત્યંત રસ અને મહેનતથી બનાવેલો ‘બૈજુ બાવરા-તાના રીરી’ સભાગૃહ આખા વિશ્વમાં ક્યાંય ના હોય તેવો અનોખો સભાગૃહ છે. આ સભાગૃહમાં ભારતીય ગીત-સંગીતને વિવિધ રીતે જીવંત કરાયું છે. દર મહિનાના પહેલા રવિવારે અહીં સંગીતનો કાર્યક્રમ થાય છે. ભારતભરમાંથી કળાકારો આવે છે. શ્રોતાએ ભારતીય પોશાકમાં આવવાનું ફરજિયાત છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રમેશભાઈ, જૈફ વયે, થાક્યા વિના ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે.

તેમને ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’નું કવિ તરીકેનું સન્માન મળ્યું. લંડનમાં કવિ તરીકે વિભૂષિત થયા. લંડનના મેયરે પણ તેમનું સન્માન કર્યું. ગુજરાત ગૌરવ એવોર્ડથી પોંખાયા. વિશ્વ હિન્દી સન્માન એવોર્ડ, ડાહ્યાભાઈ પટેલ ગોલ્ડ મેડલ તથા જેમ ઓફ ઈન્ડિયા સહિતના અનેક એવોર્ડ તેમને મળ્યા છે.

જોકે તેઓ તો એવોર્ડથી પર છે. એક જિંદગીમાં તેઓ અનેક જિંદગી જીવ્યા છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિના શ્વાસોશ્વાસ તેમના જીવનનો સંતોષ છે. તેઓ કહે છે કે હું પ્રભુને કહું છું કે પરિપૂર્ણ જીવન પછી આ પૃથ્વી પર પાછા નથી આવવું, પૂર્ણતામાં ભળી જવું છે.

લેખનઃ રમેશ તન્ના, અમદાવાદ.