Homeધાર્મિકનવરાત્રિમાં એક વાર ઘરે કરાવો ચંડીપાઠ, થશે એવો ચમત્કાર જે તમે સપનામાં...

નવરાત્રિમાં એક વાર ઘરે કરાવો ચંડીપાઠ, થશે એવો ચમત્કાર જે તમે સપનામાં પણ વિચાર્યો નહી હોય

ચંડીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે, વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. ‘માતા પરં દૈવતમ્’ આ જગતમાં માતાને પરમતત્વ અને પરમ દૈવત માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે. માતૃશક્તિ વગર જીવન શક્ય નથી.

શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતાં કહે છે, ‘ગતિસ્ત્વં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની’ હે ભવાની! જીવો માટે, ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંડીપાઠમાં તેર અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંડીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંડીપાઠ કરતાં પહેલાં કવચ, અર્ગલા, કીલક, ન્યાસ, માળા, ધ્યાન, આસનપૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે.

પ્રથમ અધ્યાય: આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોઢેલા નારાયણની નાભિમાંથી બ્રહ્નાજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કૈટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્નાજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે. પાંચ હજાર વર્ષ સુધી મધુ-કૈટભ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે.

બીજો અધ્યાય: આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભ્રૂકુટિમાંથી ઉત્પન્ન થઇ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો.

ત્રીજો અધ્યાય: આમાં કમલાસન પર બેઠેલાં જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઇને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઇને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

ચોથો અધ્યાય: આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને ‘શક્રાદય સ્તુતિ’ કહેવામાં આવે છે. નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂણૉહુતિ સમયે બ્રાહ્નણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે. આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે.

પાંચમો અધ્યાય: આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલાં સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયને દેવીસ્તુતિ કહે છે. માતાજીનાં અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યાં છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુંભ, નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે.

છઠ્ઠો અધ્યાય: આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે.

સાતમો અધ્યાય: આ અધ્યાયમાં માતંગી, મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ‘ચામુંડા’ પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

આઠમો અધ્યાય: આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામનો દૈત્ય કોઇનાથી મરતો નહોતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટપકાં પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડાદેવી આ દૈત્યને પોતાના મુખમાં લઇને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો.

નવમો અધ્યાય: આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતાં અને ત્રણ નેત્રવાળાં અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારનાં આયુધોને ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે.

દસમો અધ્યાય: આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે.

અગિયારમો અધ્યાય: આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે. પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્નાણી, બહુચરાજી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓનાં વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બારમો અધ્યાય: આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુગૉનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઇ કઇ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ ને દરિદ્રતા આપું છું.

તેરમો અધ્યાય: આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સૂરથ નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે. માર્કંડેય મુનિ સાતસો શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે.

ચંડીપાઠ કરવાથી અથવા કોઇ વિદ્વાન બ્રાહ્નણ પાસે કરાવવાથી મિલન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે, મા જઞદંબા આપ સૌ ઉપર કૃપા કરે એવા સદભાવ સાથે જય અંબે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments