એક ગરીબ છોકરો હતો. એ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો અને એના બદલામાં શેઠ એને થોડું ખાવા આપતો હતો. એને રોજની ચાર રોટલી મળતી હતી અને ચાર રોટલીથી એનું પેટ ભરાઈ જતું હતું.
એક દિવસ એવું બન્યું કે શેઠે ચાર રોટલી આપી તો એમાંથી ત્રણ થઈ ગઈ.છોકરાને થયું કે મારી ચોથી રોટલી ક્યાં ગઈ? ત્યાર બાદ બીજા દિવસે જોયું તે પાછી ચાર રોટલીમાંથી ત્રણ રોટલી થઈ ગઈ હતી. પછી આવું રોજ બનતું ગયું એટલે એક દિવસ છોકરાએ બરાબર ચોકી કરી. તો તેને ખબર પડી કે એક ઉંદર રોજ એની રોટલી લઇ જતો હતો. એટલે છોકરાએ ઉંદરને પકડી લીધો પછી ઉંદરને કહ્યું કે અલ્યા ઉંદર, મને જ માંડ ચાર રોટલી ખાવા મળે છે અને તું મારી રોટલી ક્યાં લઈ જાય છે? એટલે ઉંદરે કહ્યું કે હું મારા નસીબની લઇ જાઉં છું અને તું તારા નસીબનું ખા. છોકરાએ કહ્યું કે તો મારા નસીબમાં શું છે? એટલે ઊંદરે કહ્યું કે જો તને તારા નસીબ સામે પ્રશ્ન થતો હોય તો એક માણસ એવો છે કે જે તને જવાબ આપશે. છોકરાએ કહ્યું કે એ કોણ છે? ત્યારે ઉંદરે કહ્યું કે ગૌતમ બુદ્ધ.
છોકરો ગૌતમ બુદ્ધ પાસે જવા નીકળ્યો. રસ્તામાં છોકરો ભૂલો પડ્યો. રસ્તામાં રાત પડી ગઈ. એને થાક લાગ્યો હતો. એવામાં એક મકાન આવ્યું. મકાનની અંદર એક માજી રહેતા હતા. છોકરાએ એ માજીને કહ્યું કે મારે રાત રહેવું છે. તો માજીએ કહ્યું કે તું ક્યાં જવા નીકળ્યો છે? છોકરાએ કહ્યું કે હું ગૌતમ બુદ્ધ પાસે મારો એક પ્રશ્ન પુછવા જાઉં છું. તો માજીએ કહ્યું કે મારો પણ એક પ્રશ્ન છે. ગૌતમ બુદ્ધને પૂછજે કે મારી છોકરી મૂંગી છે તો ક્યારે બોલતી થશે. છોકરાએ કહ્યું કે સારું.
બીજા દિવસે સવારે ઉઠીને છોકરો ત્યાંથી આગળ નીકળ્યો એટલે એને રસ્તામાં એક ઊંચો પહાડ મળ્યો. તે એ પહાડ ઓળંગીને જઈ શકે એમ નહોતો. એટલે એ ગભરાઈ ગયો. એવામાં ઉંચે જોયું તો એક જાદુગર હતો. તેના હાથમાં લાકડી હતી. એ જાદુગરે લાકડીની મદદથી છોકરાને ઉપર બોલાવી લીધો. એટલે છોકરો પહાડ ઓળંગી ગયો. પછી જાદુગરે પૂછ્યું કે તું ક્યાં જાય છે. છોકરાએ કહ્યું કે હું ગૌતમ બુદ્ધ પાસે મારો પ્રશ્ન પુછવા જાઉં છું. એટલે જાદુગરે કહ્યું કે મારો પણ એક પ્રશ્ન છે એ પૂછી લાવજે કે હું પાંચસો વરસોથી અહીં છું. મને સ્વર્ગમાં જવા ક્યારે મળશે. છોકરાએ કહ્યું કે કશો વાંધો નહીં હું પૂછી લાવીશ.
ત્યારબાદ છોકરો આગળ ગયો એટલે એક મોટી નદી આવી. એટલે વળી નદી ઓળંગવાનો પ્રશ્ન થયો. ત્યાં એક કાચબો બેઠો હતો. કાચબાએ કહ્યું કે તું મારી પીઠ પર બેસી જા. હું તને નદી ઓળંગવામાં મદદ કરું. છોકરો કાચબા પર બેસી ગયો અને નદી ઓળંગીને પેલી બાજુ જતો રહ્યો. ત્યારે કાચબાએ કે પુછ્યું કે તું ક્યાં જાય છે. છોકરાએ કહ્યું કે હું ગૌતમ બુદ્ધ પાસે મારો પ્રશ્ન પુછવા જાઉં છું. એટલે કાચબાએ કહ્યું કે મારો પણ એક પ્રશ્ન છે એ પૂછી લાવજે કે હું કાચબામાંથી મોટો ડ્રેગન ક્યારે બનીશ. છોકરાએ કહ્યું કે સારું હું તારો પ્રશ્ન પૂછી આવીશ.
પછી છોકરો જંગલમાં બુદ્ધ બેઠા હતા, ત્યાં પહોંચ્યો.છોકરાએ ગૌતમ બુદ્ધને કહ્યું કે હું આપની પાસે થોડાક પ્રશ્નો પૂછવા આવ્યો છું. બુદ્ધે કહ્યું કે તું મને માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે છે. હવે છોકરાએ વિચાર્યું કે મારી પાસે તો કુલ ચાર પ્રશ્નો છે. એક કાચબાનો પ્રશ્ન, બીજો જાદુગરનો પ્રશ્ન, ત્રીજો પેલા માજીનો પ્રશ્ન અને ચોથો મારો પોતાનો પ્રશ્ન. તો હવે મારે કોનો પ્રશ્ન છોડી દેવો? છોકરો તો ગૂંચવાઈ ગયો કે હવે શું કરવું?આખરે એણે એવું નક્કી કર્યું કે મારો પ્રશ્ન માત્ર ખાવા-પીવાનો છે. આથી મારો પ્રશ્ન એટલો બધો ગંભીર ન ગણાય. એટલે હું મારા પ્રશ્નને છોડી દઉં છું અને પેલા લોકોના પ્રશ્નોને પૂછી લઉં.
છોકરાએ જાદુગરનો પ્રશ્ન પૂછ્યો એટલે બુદ્ધે કહ્યું કે જાદુગરને કહેજે કે તારી પાસે જે છડી છે તે તું છોડી દે એટલે તું સ્વર્ગમાં પહોંચી જઈશ. પેલી છોકરી ને કહેજે કે તું લગ્ન કરી લે એટલે તું બોલતી થઇ જઈશ. કાચબાને કહેજે કે તારું જે કવચ છે તે કાઢી નાખ એટલે તું ડ્રેગન થઈ જઈશ. છોકરો તો ખુશ થઈ ગયો અને પોતાના ઘર બાજુ ચાલી નીકળ્યો.
વળતી વખતે તેણે રસ્તામાં કાચબાને કહ્યું કે તારું જે કવચ છે એ કાઢી નાખ એટલે તું ડ્રેગન થઈ જઈશ. તો કાચબાએ તે પ્રમાણે પોતાનું કવચ કાઢી નાખ્યું તો કાચબો નાનકડા કાચબામાંથી મોટો ડ્રેગન થઈ ગયો. અને એ વખતે તેના કવચ નીચેથી હીરા નીકળ્યા. તો કાચબાએ કહ્યું કે હું હવે ડ્રેગન થઇ ગયો છું. એટલે મારે હીરાની જરૂર નથી. આ હીરા તું લઈ લે. તો છોકરાને તો મફતમાં હીરા-મોતી મળી ગયા.
ત્યાર બાદ તે જાદુગર પાસે આવ્યો. જાદુગરે પૂછયું કે તું મારા પ્રશ્નનો જવાબ લાવ્યો? ત્યારે છોકરાએ કહ્યું કે તારા હાથમાં જે છડી છે તે તું છોડી દે તો તું સ્વર્ગમાં પહોંચી જઈશ. એટલે જાદુગરે છોકરાને છડી આપી દીધી અને જાદુગર તો સ્વર્ગમાં પહોંચી ગયો. હવે જાદુઈ છડી જેવી છોકરાને મળી ગઈ કે જાદુગરની શક્તિ છોકરામાં આવી ગઈ એટલે છોકરો જાદૂની શક્તિથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડીને જઇ શકતો હતો એટલે છોકરો ત્યાંથી કૂદીને છડીની મદદથી પેલા માજીના ઘેર આવી ગયો.
માજીએ એને પૂછ્યું કે તું મારા પ્રશ્નનો જવાબ લાવ્યો? મારી છોકરી કેવી રીતે બોલતી થશે? તો છોકરાએ માજીને કહ્યું કે માજી તમારી છોકરીનું લગ્ન કરાવી નાખો એટલે બોલતી થઈ જશે. એટલે માજીએ કહ્યું કે તારા કરતાં વધારે સારો વરરાજા મને ક્યાં મળવાનો હતો એટલે મારી છોકરીનું લગ્ન હું તારી સાથે જ કરી નાખું છું. માજીએ પોતાની છોકરીનુ લગ્ન છોકરા સાથે કરી નાખ્યું. આમ છોકરાને છોકરી પણ મળી ગઈ.
આમ છોકરાએ પોતાના પ્રશ્નનો ત્યાગ કર્યો તો છોકરો ધનવાન પણ બની ગયો, તેની અંદર શક્તિ પણ આવી ગઈ અને લગ્ન પણ થઈ ગયા. આજે આપણે બધા એકબીજાને મદદ કરવાનું કદાચ ભૂલી ગયા છીએ. આથી આપણે વધુને વધુ મૂંઝાતા હોઈએ એવું નથી લાગતું?
સંકલિત અને સૌજન્ય:- કર્દમ ર. મોદી, પાટણ