Home ધાર્મિક ડાકોરના રણછોડરાયનો ચમત્કાર, ચાલુ શાળાએ માસ્તર પૂનમ ભરવા ડાકોર ગયા અને શાળામાં

ડાકોરના રણછોડરાયનો ચમત્કાર, ચાલુ શાળાએ માસ્તર પૂનમ ભરવા ડાકોર ગયા અને શાળામાં

443

થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું કોયલી ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવભર્યું કુટુંબ. સરળ અને સાદુ એવું જીવન તથા ડાકોરના રણછોડરાયના ચરણોમાં અપાર શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ટ્રેઈનમાં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમો ભરે.

વ્યવસાયે મનખુખરામ કોયલીની નાની એવી સરકારી સ્કુલમાં માસ્તર. પોતાનું કાર્ય દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે. સ્કુલનો મોટાભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે. એ સમયે સ્કુલમાં રજાઓના મળે અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામનું. શરૂઆતમાં મનસુખરામને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે ડાકોર પુનમો ભરવી કેવી રીતે ? રણછોડરાયના દર્શન કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.

પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાનને જેટલું ચાહે છે એટલું ભગવાન પણ તેમના ભક્તોને એટલું જ ચાહે છે. કુદરતી રીતે જ રસ્તો નીકળી ગયો. પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોર ત્રણ-ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય. સ્કુલનો સમય બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વિગેરે વર્ગનો મોનિટર સંભાળી લે. આમ, મહીને એકાદવાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઈતર પ્રવૃતિઓમાં નીકળી જાય. મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિવાન. છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે. આમ, તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.

સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાતીયા લોકોથી મનસુખલાલની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ. ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કુલોના અધીકારીઓને અરજી કરવી એવું બધાએ નકકી કર્યું. કાગળ તૈયાર થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના અધિકારીશ્રીએ તપાસ માટે પોતે જાતે સ્કુલની વિઝીટ લેવાનું નક્કી કર્યું.

બપોરનો સમય. સ્કુલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી કરનારાનોને સાથે લઈને શાળાએ પહોંચ્યા. અને માસ્તરને કહ્યું કે ‘તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.’ માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, ‘જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરીપત્રકોના ચોપડાઓ આપું છું.’

અધિકારીશ્રી બોલ્યા : ‘ઠીક છે. એમ રાખો.’ આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠાં.

એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને ‘વૈશ્નવજન તો તેને રે કહીએ…’ ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા. એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈને રાજીના રેડ થઈ ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ ફરિયાદ કરનારાઓનાં મોં સિવાઈ ગયા.

પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈને ફરિયાદીઓ વધારે ખીજાયા. મનસુખરામને બરાબર પાઠ ભણાવવાનું વિચાયું. તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઓફિસરને અરજી કરી. અને બે-ચાર જણના મંતવ્ય સાથે નો મસમોટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રીએ નીચલા અધિકારીઓએ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત ઓફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈને તેમની પર ખુશ ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં. પણ કરવું શું ?

એવામાં આ વિધ્નસંતોષીઓને ક્યાંકથી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પુનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રીએ પહેલા તો ના કહી કારણકે ચેકિંગના રીપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકોએ એમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારીએ આગ્રહવશ થઈને કહ્યું કે ‘સારું. ચલો. ગામના લોકોની આટલી ઈચ્છા છે તો હું પુનમના દિવસે ચોક્કસ આવીશ.’

પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેઈનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડયંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. મધ્યાને સ્કુલનો સમય શરૂ થવાને કલાકેકની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજમબાને કહેઆ આવ્યો કે ‘બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.’ ઉજમબાથી નિસાસો નંખાઈ ગયો. ‘અરે ! આ ગામના લોકો. બિચારા માસ્તરની આજે નોકરી જતી રહેશે. શું થશે ?’ ધરમાં દેવમંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દીનભાવે ડાકોરનાનાથને પુકાર્યા.

બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓની ઘરે પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો. સ્કુલનો સમય થયો જાણીને સ્કુલ તરફ જવા માટે સહુ ભેગા થઈને સાથે નીકળ્યા. અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રુજ્યા. ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે ખેસ…… આખા નિખિલ બ્રહ્માંડના નાયક, પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા.

આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછયું, ‘કેમ આજે શું થયું છે ? ભગવાન આટલા ચિંતીત અને તેજવિહિન કેમ દેખાય છે ?’

પૂજારીઓએ કહ્યું, ‘ખબર નહીં. અમને પણ આજે પહેલીવાર જ આવો અનુભવ થાય છે. આટલા વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલા તેજવિહિન પ્રભુ ક્યારેય દેખાયા નથી.’

સ્કુલનો સમય થયો. છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કુલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલા ચાડી ખાનારાઓ મનસુખરામને ત્યાં હાજર જોઈને વધારે અકળાયા. ‘નક્કી આ માસ્તરને કોઈએ અધિકારીઓ આવવાના છે એમ કહી દીધું લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.’ ક્ષણભરતો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા.

મનસુખરામે કહ્યું : ‘મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.’

અધિકારી : ‘ભલે, માસ્તર. તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીએ.’

ગામનાલોકો : ‘ના સાહેબ, તમે પહેલા જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે.’

અધિકારી : ‘તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો.’ ગામના લોકો ચૂપ થઈ ગયા.

આજે સાક્ષાત ભગવાને ભગવાની પ્રાર્થના કરી જેમ બાલકૃષ્ણએ ગોવર્ધનપૂજા કરી હતી એમ. અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી : ‘આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય.’ ગામવાળાઓએ બરાબર ઉલટી સીધી વાતો શીખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનધડંગ સવાલો તૈયાર કરીને અધિકારીપાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે : ‘બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?’

પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી અધિકારીએ કહ્યું કે ‘આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ.’

મનસુખરામે કહ્યું, ‘જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો.’

અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકે ઉદ્દેશીને કહ્યું કે, ‘બોલ તો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?’

ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વ્હાલથી હાથ મૂકીને કહ્યું, ‘બેટા, મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ.’ આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકને સામગાન ફૂટયું એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, ‘સાહેબ તમે ભાન ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.’

અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામની અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો છોભીલા પડી ગયા.

હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રીને સ્ટેશને મૂકવા ગયા. અને એજ સમયે એ જે ટ્રેઈનમાં જવાના હતા એ ટ્રેઈનમાંથી મનસુખલાલ ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઉતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. ‘સાહેબ મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ, મને માફ કરી દો.’

અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા : ‘અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો.’

માસ્તર : ‘અરે સાહેબ, મજાક નથી કરતો હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આપ માર વિદ્યાર્થીઓને પૂછી જુઓ.’

અધિકારી : ‘અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલા તો તમે સ્કુલમાં હતાં અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે ક્યા રસ્તે આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા ?’

માસ્તર : ‘હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો ડાકોર ગયો હતો.’

અધિકારી : ‘શું વાત કરો છો ? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ કલાકતો શાળામાં ગાળ્યા.’

માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે ‘એ હું નહોતો’. હવે એમને સમજાયું કે આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ કેમ નહોતું.

એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી. એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં વિતાવ્યું.

આજે પણ તમે વડોદરા પાસેના કોયલીગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર….. ?

લેખક, સૌજન્યઃ અજ્ઞાત