Homeસ્ટોરી"દેવકરણ નાનજી" એ ખમીરવંતા પોરબંદરના ગુજરાતી કે જેના નામના પહેલા અક્ષરો લઈને...

“દેવકરણ નાનજી” એ ખમીરવંતા પોરબંદરના ગુજરાતી કે જેના નામના પહેલા અક્ષરો લઈને ૮૩ વર્ષ પહેલાં દેના બેન્કની સ્થાપના કરવામાં આવી…

દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ તેડાવી લીધા હતા.

એલ્ફિન્સ્ટન મિડલ સ્કૂલમાં અભ્યાસની સાથોસાથ પોતાનાથી નીચેના વર્ગના વિદ્યાર્થીઓને શીખવવાનું કામ કરીને માસિક રૂ. 30 જેટલી કમાણી કરવા માંડી. તેમનું આવું સ્વાશ્રયી જીવન જોઈને છગનદાસને ભારે પ્રસન્નતા થતી.

1876માં તેમણે મૅટ્રિક પસાર કરી. પોતાની જ્ઞાતિમાં મૅટ્રિક થવામાં તેઓ સર્વપ્રથમ હતા. તેમનો વિચાર શિક્ષણક્ષેત્રમાં જોડાવાનો હતો; પરંતુ છગનદાસની સલાહ સ્વીકારીને આયાતનિકાસની મારફતનું કામ કરતી પેઢીમાં જોડાયા અને અનુભવ મેળવીને 1879માં છગનદાસ ઍન્ડ કંપની નામની પેઢી હેઠળ આયાતનિકાસ નૂર મારફતનું કામ શરૂ કર્યું.

મુંબઈને કેન્દ્ર બનાવીને દેવકરણે યુરોપનાં બધાં મુખ્ય બંદરો સાથે નૂરનો વ્યવહાર મોટા પ્રમાણમાં જમાવ્યો હતો. સમય જતાં તેમના મોટા પુત્ર ચુનીલાલ પણ તેમાં જોડાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને કારણે આયાતનિકાસ નૂર મારફતનો ધંધો ખોરવાઈ ગયો. આર્થિક પરિસ્થિતિ પારાવાર કથળી. લેણદારોએ સામૂહિક દબાણ કર્યું. દેવકરણ નાનજીએ હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો. લેણદારોના તકાદાના જવાબ રૂપે તેમણે પોતાના વસવાટના મકાન સાથેની સમગ્ર મિલકત તથા પત્નીનાં ઘરેણાં ધરી દીધાં અને પહેર્યે લૂગડે બહાર નીકળી જવાની તૈયારી બતાવી. તેમના વિરલ પ્રામાણિક વ્યવહારથી લેણદારો શરમાઈ ગયા. લેણદારોએ વસવાટનું મકાન તથા પત્નીનાં ઘરેણાં આંટમાં લેવાની ના પાડી.

1916મા તેમણે દેવકરણ નાનજી નામની પેઢી સ્થાપીને શૅરબજારનું અને રૂબજાર તથા સોનાચાંદી બજારનું કામ શરૂ કર્યું. વળી મોટા ભાઈના નામની છગનદાસ ઍન્ડ કંપની હેઠળ સરકારી જામીનગીરીના ખરીદવેચાણનું કામ વિસ્તાર્યું. અથાગ પરિશ્રમ, ખંત, સત્યપ્રિયતા અને ઉચ્ચ વ્યાવહારિક નીતિ-રીતિથી આ બધા ધંધામાં અપાર સિદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.

તેમણે સંસ્કૃત ભાષાનો ઘેરબેઠે અભ્યાસ કરીને યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, પરાશરસ્મૃતિ, મનુસ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. વળી તેઓ પંડિતો અને શાસ્ત્રીઓ સાથે અવારનવાર ધર્મચર્ચામાં પણ ભાગ લેતા. જુદા-જુદા વિષયોના લગભગ બે હજાર શ્લોક તેમને કંઠસ્થ હતા.

મૃત્યુ અગાઉ તેમણે તેમના વંશવારસોને એક બૅન્ક ખોલવા, નાણાં વિશે પ્રામાણિકતાથી અને સત્યથી વ્યવહાર કરવા તથા કુટુંબના શુભનામની પ્રતિષ્ઠા અને ગૌરવ વધે તેવું કામ કરવા સલાહ આપી હતી. બૅન્કને કૌટુંબિક નામ આપવા તેમણે ખાસ સૂચવ્યું હતું. તેમના સૂચનને વ્યવહારમાં મૂકવા તેમના પુત્ર પ્રાણલાલે 1938માં ‘દેના બૅન્ક’ની સ્થાપના કરી. {દેવકરણ નાનજી. પિતા અને દાદા ના નામનો પ્રથમ પ્રથમ અક્ષર લઈને}

નોંધ:- અત્યારે દેના બેન્ક બેન્ક ઓફ બરોડા માં મર્જર થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments