પાંચેક વર્ષ પહેલાનો એ દિવસ હતો. અમેરિકામાં સમર અસ્તાચલ તરફ આગળ વધતો હતો, આવા દિવસોમાં સવારે ખુશનુમા વાતાવરણમાં, મોર્નીગ વોક માં જવું એ એક લ્હાવો હોય છે. ભારતના કોઈ હિલ સ્ટેશન પર જતા હોઈએ, તેવા રસ્તા પર ઘણા ભારતીયો જોવા મળે છે.
સપ્ટેમ્બરમાં સ્વદેશ પાછા ફરતા પહેલા અમેરિકાની હવા ફેફસામાં ભરવાની જાણે હોડ લાગી હતી, કોઈ પંજાબી, બંગાળી તો કોઈ કેરાલિયન સામે મળતા બે ઘડી ઉભા રહીને વાત કરે પણ તે દિવસે મને વોકમાં જતા એક નવા ભાઈ મળ્યા, સાવ સામાન્ય જણાતા હતા.
એમને આવકારતા મેં પૂછ્યું, નમસ્કાર, આપ અભી નયે આયે હૈ ?
હા પરસો હી આયા મુંબઈસે, મેં મરાઠી હું. અને પછી અમારી વાત હિન્દીમાં આગળ વધે છે
મે પુછ્યૂ, શું તમારો દીકરો અહીં છે ?
હા, દીકરો સોફ્ટવેર એન્જિનિઅર છે, એમને અહીં હાઉસ લીધું છે તે અમો બંને ને જોવા બોલાવ્યા છે, ભાઈ ગર્વથી બોલ્યા.
મે પૂછ્યું તમારા દીકરાએ સ્ટડી ક્યાં કર્યો અહીં કે ભારતમાં ?
તેઓ બોલ્યાઃ ના, ભારત મુંબઈના માટુંગામાં.
માટુંગા નામ સાંભળી, મારા કાન ચમક્યા અને પૂછ્યું, કઈ કોલેજમાં -UDCT માં ?
તો એમણે કહ્યુઃ ના એની સામે આવેલ VJTI માંથી બી.ઈ. આઈ.ટી.કર્યું છે
ત્યારબાદ મે કહ્યુઃ સરસ અને આપ શું કરતા હતા ?
તેમણે કહ્યુઃ હું પરેલમાં પોસ્ટમેન હતો,
એના જવાબથી સ્તબ્ધ થઈ ગયો અને અચરજથી તેમની સામે તાકી રહ્યો પછી હુ બોલ્યો તમને અને તમારા પુત્રને ખરેખર ધન્યવાદ છે.
અને એમણે આગળ ચલાવ્યું, દસમા ધોરણમાં મારો દીકરો હતો ત્યારે મે તેને કહેલુ કે બેટા દિલ દઈને ભણો, નહિતર મારી માફક, ઘેર ઘેર ટપાલ પહોંચાડવા જિંદગી આખી ભટકવું પડશે, એ અમારી ગરીબી અને મારી હાલત થી પરિચિત હતો અને એ દિલ દઈ ખુબ ભણ્યો, પાંચ વર્ષ પહેલા અમેરિકા આવ્યો અને ત્રણ માસ પહેલાં હાઉસ પણ લીધું અને હવે હું નિવૃત છું, આ મુંબઈની બહાર પહેલી વાર નીકળી અહીં મનરો-અમેરિકા આવ્યો છું.
અમારા વિસ્તારમાં હાઉસ એટલે છ-સાડા છ લાખ ડોલરથી ઓછી કિંમતે ન મળે અને આ પોસ્ટમેનના દીકરા એવું હાઉસ લીધેલ, મેં જોયું દીકરાની પ્રગતિથી બાપની છાતી ઉછળતી હતી, જાણે હિલોળા લેતો હિંદ મહાસાગર.
જે બાપે જીવનભર પરેલ છોડી પુના કે પાલઘર ન હતું જોયું તે, પરેલની ચાલીમાં રહેતા પોસ્ટમેન પિતા અમેરિકામાં પોતાના દીકરાનું નવું ઘર જોવા આવ્યા હતા , એમને માટે આથી વિશેષ અન્ય ધન્ય ઘડી કઈ હોઈ શકે ?
ત્યાર બાદ અન્ય વાતો કરી છુટા પડ્યા અને પછી પણ મળતા રહ્યા અને મને યાદ આવ્યું, પંદરેક વર્ષ પહેલા અમદાવાદમાં, મારે ત્યાં પેપર નાખનાર ભાઈ (પેપર વેન્ડર) એનું બિલ લેવા એક રવિવારે આવેલા, મેં વાત વાત માં પૂછેલ બીજે કંઈ નોકરી કરો છો ?
ત્યારે એ પેપર નાખનાર ભાઈએ કહ્યુઃ ના સ્કૂલમાં પ્યુન હતો, હવે નિવૃત્ત થઇ ગયો છું.
મે પૂછેલું કે દીકરો શું કરે છે ?
ત્યારે જવાબ મળ્યો, નિરમા માંથી બી.ઈ થઇ ઈસરો માં ઈજનનેર છે. અને મને જીવનની નોંધપોથીમાં સુવર્ણ અક્ષરે લખવા જેવું વાક્ય મળ્યું-” પિતા પોસ્ટમેન હોય કે પટાવાળો, પુત્ર માં હીર હોય તો હીરો બની શકે છે”.
લેખક અને સૌજન્યઃ- મહેશકાન્ત વસાવડા