હોસ્પિટલોમાં, તમે ડોક્ટરોને હંમેશા લીલા અથવા વાદળી રંગના કપડાં પહેરતા જોયા હશે. જ્યારે કોઈપણ ઓપરેશન કરવાનું હોય ત્યારે ડોકટરો લીલા અથવા વાદળી રંગના કપડાં પહેરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ઓપરેશન દરમિયાન ડોકટરો ફક્ત લીલા અથવા વાદળી રંગનાં જ કપડા કેમ પહેરે છે? આ રંગો સિવાય લાલ, પીળો કે અન્ય કોઈ રંગના કપડાં કેમ નથી પહેરતા?
એવું કહેવામાં આવે છે કે, પહેલા ડોકટરોથી લઈને હોસ્પિટલમાંના તમામ કર્મચારીઓ સફેદ કપડાં પહેરતા હતા, પરંતુ વર્ષ 1914 માં એક પ્રભાવશાળી ડોક્ટરએ પરંપરાગત સફેદ કપડાંને બદલે લીલા રંગના કપડાં પહેરવાનું નક્કી કર્યું. ત્યારથી આ એક ચલણ બની ગયુ છે. જો કે, કેટલાક ડોકટરો વાદળી રંગના કપડાં પણ પહેરે છે. હોસ્પિટલમાં પડદાનો રંગ પણ લીલો અથવા વાદળી હોય છે. આ સિવાય હોસ્પિટલ સ્ટાફના કપડાં અને માસ્ક પણ સફેદ, લીલા અથવા વાદળી હોય છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન ઉભો થાય છે કે લીલા અથવા વાદળી રંગમાં એવું તો શું વિશેષ છે, જે બીજા કોઈ રંગમાં નથી?
ટુડે સર્જિકલ નર્સના વર્ષ 1998 માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સર્જરી કરતી વખતે ડોકટરો લીલા કપડાં એટલા માટે પહેરે છે કે, લીલો રંગ આંખોને આરામ આપે છે. ઘણીવાર એવું થાય છે કે, જ્યારે પણ આપણે સતત એક જ રંગને જોઇએ ત્યારે આપણી આંખોને થાક લાગે છે. આપણી આંખો સૂર્ય અથવા અન્ય કોઈ ચળકતી વસ્તુ જોઈને ચકિત થઈ જાય છે. પરંતુ તે પછી તરત જ જો આપણે લીલા રંગની કોઈ વસ્તુ જોશું તો આપણી આંખોને હળવાશ અનુભવે છે.
જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, આપણી આંખોની જૈવિક રચના એવી રીતે છે કે, તે લાલ, લીલો અને વાદળી રંગોને જોવા માટે વધારે સક્ષમ છે. આ ત્રણેય રંગોના મિશ્રણથી બનેલા અનેક રંગોને માનવ આંખોથી ઓળખી શકાય છે. પરંતુ આ બધા રંગોની તુલનામાં, આપણી આંખો ફક્ત લીલો અને વાદળી રંગને જ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
આપણી આંખોમાં લાલ અને પીળા રંગની જેટલી અસર થાય છે તેટલી લીલા અથવા વાદળી રંગની નથી થતી. તેથી જ લીલો અને વાદળી રંગ આંખો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, હોસ્પિટલોમાં, પડદાથી લઈને કર્મચારીઓના કપડાં લીલા અથવા વાદળી રંગના હોય છે, જેથી હોસ્પિટલમાં આવતા અને રહેનારા દર્દીઓની આંખોને આરામ મળે, તેમને કોઈ તકલીફ ન થાય.
ઓપરેશન સમયે ડોક્ટર લીલા કપડાં પહેરે છે, કારણ કે તે સતત માનવ શરીરના લોહી અને આંતરિક અવયવો જોઈને માનસિક તણાવમાં આવી શકે છે, આવી સ્થિતિમાં લીલો રંગ જોઈને તેનું મગજ તણાવમાંથી મુક્ત થઈ જાય છે. કેટલીકવાર ડોક્ટર વાદળી કપડાં પણ પહેરે છે. વાદળી રંગ પણ આપણા મગજ પર લીલા રંગ જેવી જ અસર કરે છે.