આકાશમાં એક સમડી સાપને પકડીને ઉડી રહી હતી, સાપે ઝેર કાઢ્યું, એ ઝેર નિચે જમી રહેલા બ્રાહ્મણોના ભોજનમાં પડ્યું અને તેમનું મૃત્યુ થયું તો દોષી કોણ ?

170

એક રાજા હતો. તેને કેટલાક બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા થઈ.આથી એણે બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપ્યું. બ્રાહ્મણો જ્યારે આનંદપૂર્વક પોતાનું ભોજન લઈ રહ્યા હતા ત્યારે, આકાશમાંથી એક સમડી પસાર થઈ. આ સમડીએ પોતાના પગ વડે એક ઝેરિલા સાપને પકડેલો હતો. સાપ સમડીની પકડમાંથી બચવા માટે વલખા મારી રહ્યો હતો. પરંતુ છૂટી શકાતું નહોતું. આથી સાપે સમડીને ડંખ મારવા માટે પોતાના મોઢામાંથી ઝેર કાઢ્યું પણ થયું એવું કે ઝેર સમડીને અડયું નહીં અને નીચે પડ્યું.

નીચે બ્રાહ્મણો ખાતા હતા. એમની રસોઈમાં પેલું ઝેર પડ્યું.ઝેર પડવાના લીધે આ બ્રાહ્મણો તાત્કાલિક મરી ગયા. આ સમાચાર જ્યારે રાજા સુધી પહોંચ્યા ત્યારે રાજાને આ સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું પરંતુ રાજાને બ્રાહ્મણોના મૃત્યુનું કારણ કશું સમજાયું નહીં.કેમકે ઝેર અજાણતા પડી ગયું હતું.

આ કિસ્સો જ્યારે યમરાજ પાસે ગયો તો યમરાજ પણ ગૂંચવાઈ ગયા કે મારે કોને જવાબદાર ગણવા? સમડીને જવાબદાર ગણવી કે સાપને જવાબદાર ગણવો કે બ્રાહ્મણોને જવાબદાર ગણવા કે રાજાને જવાબદાર ગણવો?નિર્ણય પર પહોંચી ના શકાયું એટલે કે યમરાજે તાત્કાલિક આ મુદ્દાને અલગ રાખ્યો અને પછી વિચારીને જણાવવા કહ્યું.

થોડા દિવસ પછી કેટલાક સાધુ-સંતો રાજાને મળવા આવ્યા. એમણે એક મહિલાને મહેલનો રસ્તો પૂછ્યો કે અમારે રાજાને મળવા જવું છે. એ મહિલાએ સાધુ સંતોને રાજાના મહેલનો રસ્તો બતાવ્યો અને સાથે કહ્યું કે જરા સાચવીને જજો. આ રાજા ભોજનમાં ઝેર નાખીને બ્રાહ્મણોને મારી નાખે છે.

એ જ વખતે યમરાજે કહ્યું કે મૃત્યુની જે ઘટના બની છે એના માટે જવાબદાર આ મહિલા છે. એટલે એ મહિલાને તમે અહીં મારી પાસે લઈ આવો. યમરાજના સેવકોએ પુછ્યું કે આ મહિલા તો ઘટનામાં સામેલ જ નથી તો મહિલા કેવી રીતે દોષિત છે?

યમરાજે કહ્યું કે સમડીથી બચવા માટે સાપે ઝેર છોડ્યું એટલે સાપ નિર્દોષ છે.સમડી પોતાનો ખોરાક લઈ જતી એટલે સમડી પણ નિર્દોષ છે. રાજાનો કોઈને મારવાનો કોઈ પ્રકારનો ઈરાદો ન હતો એટલે રાજા પણ નિર્દોષ છે.બ્રાહ્મણો તો ભોળાભાવે જમવા આવ્યા હતા એટલે બ્રાહ્મણોનો વાંક હોવાનો તો કોઈ પ્રશ્ન નથી. એટલે આ બધા જ લોકો નિર્દોષ ગણાય.

પરંતુ પેલી મહિલા કે જે અજાણ્યા લોકોના કાનમાં નિંદાનું ઝેર રેડી રહી છે. એ ખરેખર દોષિત છે. કારણકે કોઈના કાનમાં ઝૂઠનું ઝેર રેડવું એ મહાપાપ છે. એ મહિલા જ પાપી છે.તેણે નિંદા કરીને આનંદ મેળવ્યો છે.

વાર્તાનો સારાંશ કે કર્મોનું ગણિત એ જુદા પ્રકારનું ગણિત હોય છે.આથી એના વિશે પણ વિચારવું જોઈએ.

સંકલિત અને સૌજન્ય:- કર્દમ ર. મોદી, પાટણ.

Previous articleજૂનાગઢના 12 ધોરણ ભણેલા ખેડૂતે બનાવેલા ‘મમી-મોડેલ’થી હવે અંતિમ સંસ્કારમાં 4 ગણું ઓછું લાકડું વપરાય છે!
Next articleએક ગરીબ છોકરાને ખાવા માટે શેઠ ચાર રોટલી આપતા પણ તેમાથી એક રોટલી ગાયબ થઈ જતી હતી, એક દિવસ…