Home સ્ટોરી 9 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન સાથે લગ્ન, 14 વર્ષની ઉંમરે માં...

9 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન સાથે લગ્ન, 14 વર્ષની ઉંમરે માં બની અને માત્ર 10 દિવસમાં બાળકનું અવસાન, આ છે ભારતની પહેલી મહિલા ડોકટરની કહાની

314

આપણા દેશની પહેલી મહિલા ડૉક્ટર આનંદી ગોપાલ જોશી. તેઓ ત્યારે દેશમાં ડૉક્ટર બનીને વિદેશથી પરત આવ્યા હતાં, જયારે દેશમાં મહિલાઓ માટે ભણતર ન હતું, તેમાં ખૂબ રોકટોક થતી હતી. એમનાં જીવનની કહાની ખૂબ હ્યદયસ્પર્શી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આનંદીબેનનાં લગ્ન ૯ વર્ષની ઉંમરમાં લગભગ ૨૫ વર્ષનાં ગોપાલરાવ જોશી સાથે કરાવી દેવાયા હતાં. તેમનું ઘર ખૂબ રૂઢીવાદી હતું. લગ્ન બાદ તેમનું નામ આનંદી ગોપાલ જોશી પડ્યું.

પુણેમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આનંદી જોશીની જીવન કથા સંવાદ પ્રકાશને પ્રકાશિત કરી છે, જેમાં તેમનાં જીવન સંઘર્ષ અને સમાજની રૂઢીઓને તોડીને આગળ વધવાની કહાની છે. તેમની જીવન કથા અનુસાર ગોપાલરાવની આનંદીબેન સાથે લગ્નની શરત જ તે હતી કે તેણી આગળ ભણશે. આનંદીબેનનો માવતર પક્ષ એમનાં ભણતરની વિરુદ્ધ હતો. લગ્ન સમયે આનંદીબેનને અક્ષર જ્ઞાન પણ ન હતું. ગોપાલરાવે એમને શબ્દો શીખવ્યા હતા. નાનકડી આનંદીને ભણતર સાથે ખાસ લગાવ ન હતો. તેને લાગતું હતું કે જે સ્ત્રી ભણે છે, તેનો પતિ મૃત્યુ પામે છે.

આનંદીબેનને ગોપાલરાવ ખીજાઇને ભણાવતાં હતા. એક વખત તેમણે આનંદીબેનને ખીજાઇને કહ્યું કે, જો તું ભણીશ નહીં તો હું મારો ધર્મ બદલીને ખ્રિસ્તી બની જઇશ. અક્ષરજ્ઞાન બાદ ગોપાલરાવ આનંદીબેન માટે આગળનાં ધોરણનાં પુસ્તકો લાવ્યા. ત્યાર બાદ તેઓ થોડા દિવસો માટે શહેરથી બહાર ચાલ્યાં ગયા. જ્યારે પરત આવ્યાં તો જોયું કે આનંદીબેન ઘરમાં રમી રહ્યા હતા. ત્યારે તેઓ ગુસ્સે થઇને બોલ્યા, તું વાંચતી કેમ નથી. આનંદીબેનએ જવાબ આપ્યો, જેટલી પુસ્તક હતી બધી વાંચી લીધી.

જીવનમાં લાગેલાં એક મોટા આઘાતે આનંદીબેનને ડૉક્ટર બનવા માટે પ્રેરિત કર્યા હતા. જ્યારે તે માત્ર ૧૪ વર્ષનાં હતાં, ત્યારે માતા બન્યા પણ માત્ર ૧૦ દિવસમાં જ એમણે પોતાનું નવજાત બાળક ગુમાવી દીધું. આ તેમના માટે એક મોટો ઝટકો હતો. ત્યારે એમણે નિશ્ચય કર્યો કે તે એક દિવસ ડૉક્ટર બનીને દેખાડશે અને આવા કસમયનાં મોતને રોકવા માટે પ્રયત્નો કરશે.

આ મામલે એમનાં પતિએ તેમનો દરેક પગલે સહકાર આપ્યો હતો. તે સમયે વિવાહિત મહિલાઓ માટે વિદેશમાં જઇને ભણવું ખૂબ મુશ્કેલ હતું. સમાજની ટીકાઓ અને રૂઢીઓથી વિચલિત થયાં વગર તેઓ અમેરિકા ભણવા માટે ગયેલા. આનંદીબેનએ કોલકાતાથી પાણીનાં જહાજ દ્વારાં ન્યૂયોર્ક સુધીની યાત્રા કરી. એમણે પેંસિલ્વેનિયાની વૂમન મેડિકલ કોલેજમાં ચિકિત્સા કાર્યક્રમમાં દાખલ થવાં માટે નામાંકિત કરાયા. જે વિશ્વમાં બીજો મહિલા ચિકિત્સા કાર્યક્રમ હતો.

આનંદીબેનએ વર્ષ ૧૮૮૬માં માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ એમ.ડી.ની ડીગ્રી મેળવનાર અને સાથે પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર બન્યા. વર્ષ ૧૮૮૬નાં અંતમાં આનંદીબેન ભારત પરત આવ્યા, જ્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોલ્હાપુર રિયાસતે એમને સ્થાનીય એડવર્ડ હોસ્પિટલની મહિલા વોર્ડની ચિકિત્સક પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતાં.

ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે તેઓ હંમેશા પોતાનો સમય અને જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. કોરોના કાળમાં ડોક્ટર્સે આ વાતને ખરા અર્થમાં સાબિત કરી છે. કોઇ પણ ગંભીર તબીબી સમસ્યામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે.

ડોક્ટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. આપણને આપણા જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર એ તમામ સેવાભાવી ડોક્ટર્સને અઢળક શુભેચ્છાઓ અને ઈશ્વર દર્દીઓની દિવસ રાત સારવાર કરનાર તમામ ડોક્ટર્સ અને તેમનાં પરિવારને હંમેશા સ્વસ્થ રાખે એવી પ્રાર્થના..!!

લેખકઃ- વૈભવી જોષી