ટ્રેનમાં સૂઈ રહેલા એક વ્યક્તિએ અચાનક સાંકળ ખેંચી દીધી અને કહ્યું કે આગળ પાટા ઉપર ક્રેક છે, જયારે લોકોએ જઈને જોયું તો મોઢામાં આંગળા નાખી ગયેલાં

240

આ એ વખતની વાત છે જયારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. અડધી રાતનાં સમયે લોકોથી ખચાખાચ ભરેલી એક ટ્રેન જઈ રહી હતી. રેલગાડીનાં ડબ્બામાં વધારે અંગ્રેજ વ્યક્તિ હતા. ટ્રેનનાં એક ડબ્બામાં એક ભારતીય બારી પાસે મોં અડાડીને સૂઈ રહ્યા હતા. એ ખુબ જ શાંત અને ગંભીર જણાતા હતાં. કાળા રંગ અને મધ્યમ ઉંચાઈનાં આ વ્યક્તિને જોઈને અંગ્રેજ એમને અભણ સમજતા હતા. એકાએક એ વ્યક્તિ એ ઉભા થઈને ટ્રેનની સાંકળ ખેંચી દીધી.

ટ્રેન ઉભી રહી ગઈ અને બધા એમને પુછવા લાગ્યા તમે આવું કેમ કર્યું? કેટલાક લોકોએ વિચાર્યું કે કદાચ ઊંઘમાં આવું કર્યું હશે. જ્યારે ગાર્ડે નજીક આવીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, તો એમણે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે અહીંથી લગભગ એક કિલોમીટર દૂર રેલ્વેનો પાટો ઊખડી ગયેલો છે. લોકોએ વિચાર્યું કે આ વ્યક્તિ મજાક કરી રહ્યો હશે. આખરે ટ્રેનમાં બેઠાં-બેઠાં આ વાતની ખબર કોઈને કેવી રીતે પડી શકે છે.

એ વ્યક્તિએ લોકોને ટ્રેનમાંથી ઉતરીને પાટા ચેક કરવાનું કહ્યું. ત્યાં પહોંચીને બધાનાં આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. કારણકે હકીકતમાં પાટાનાં જોડ ખુલ્લાં હતા. બધાં નટ બોલ્ટ ખુલેલાં પડ્યા હતાં. જ્યારે લોકોએ એમને આ વિશે પૂછ્યું તો એમનું કહેવું હતું કે એ બેસીને ટ્રેનનો અવાજ સાંભળી રહ્યા હતાં. અચાનક જ્યારે અવાજ બદલાઈ ગયો ત્યારે તેમને સમજમાં આવી ગયું હતું કે કંઈક તો ગરબડ છે.

એમની આ સુઝબુઝથી એ દિવસે કેટકેટલાં લોકોની જાન બચી ગઈ હતી. આ જ વ્યક્તિએ ગુજરાતનાં મોરબી ડેમની જગ્યાએ ડેમ બનાવવાની ના પાડી હતી અને છતાં પણ ત્યાં ડેમ બનાવાયો અને પછી જે તારાજી સર્જાઈ હતી એ આપણે બધા જાણીયે જ છીએ. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ આપણા અણમોલ ભારતરત્નોમાંનાં એક સર ડો. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી.

ભારતનાં એન્જીનીયરીંગ જગતનાં પિતા ગણાતા એમ. વિશ્વેશ્વરૈયાજીનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૮૬૧માં મૈસુર (કર્ણાટક)નાં કોલાર જિલ્લામાં આવેલા ચિકકાબલ્લાપુર તાલુકામાં થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતું ત્યારે શ્રીનિવાસ શાસ્ત્રીને ઘરે એમનો જન્મ થયો હતો.

સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી એક ઉચ્ચ કોટીનાં ઇજનેર, દક્ષ વહીવટકાર અને રાષ્ટ્રપુરુષ, જેમને ભારતરત્ન ખીતાબથી આ દેશનું સૌથી મોટું નાગરીક સન્માન આપવામાં આવ્યું એવી વિશિષ્ટ પ્રતિભાની યાદમાં ૧૫ સપ્ટેમ્બરે (એમનો જન્મ દિવસ) અત્યંત ગૌરવપૂર્વક આ દેશનાં ઇજનેરો “એન્જીનીયર્સ ડે” તરીકે ઉજવે છે.

મદ્રાસ યુનિવર્સિટીમાંથી ૧૮૮૧માં તેમણે બી.એ કર્યુ હતું. એમનું નાનપણ અભાવમાં વીત્યું અને ટ્યુશન કરીને પોતાનો ખર્ચ કાઢતાં આગળ ભણીને તેઓ ૧૮૮૪માં પુનાની ખ્યાતનામ કોલેજ ઓફ એન્જીનિયરીંગમાંથી સિવિલ એન્જીનિયરીંગનાં સ્નાતક થઈને મુંબઈ રાજ્યનાં પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે જોડાયાં. અને એ સમયગાળા દરમિયાન ડેક્કન વિસ્તારમાં પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતું જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરું પાડે છે.

મૈસુર રાજ્યનાં ઉત્તમોત્તમ બાંધકામો તેમણે કર્યા હોવાને કારણે એમને આધુનિક મૈસુરનાં પિતા કહેવામાં આવે છે. કાવેરી નદી અત્યારે તેના પાણીને કારણે ચર્ચામાં છે. એ નદી કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે એમણે એશિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કર્યો હતો જેમાં ૫૦ અબજ ઘન ફીટ પાણીનો સંગ્રહ કરી શકાય છે. સિંધુ નદીમાંથી સક્કર મ્યુનિસિપાલિટીને પાણી આપવાની યોજના તેમના માર્ગદર્શન નીચે અમલમાં મુકાઇ. વિશાખાપટ્ટનમ બંદર દરિયાથી ઘસાતું જતું હતું તેને પોતાની તીક્ષ્ણ ઈજનેરી બુદ્ધીનો ઉપયોગ કરી તેમણે બચાવી લીધી.

તેઓ પોતે એક બહુશ્રુત વિદ્વાન હતાં. ભારતની આ અર્થવ્યવસ્થાનું આયોજન સંબંધી પહેલું પ્રકાશન “Planned Economy for India and Reconstructing India” એમની જ દેન છે. આજે પણ દેશની અર્થ વ્યવસ્થાનાં આયોજકો આ પ્રકાશનને પાયાનું સંદર્ભ મટીરિયલ ગણીને ચાલે છે. કૃષ્ણરાજ સાગર ડેમ જેના થકી માંડીયા વિસ્તારની આજુબાજુની હજારો એકર વેરાન જમીનમાં કૃષિ ઉત્પાદન થવા માંડ્યુ તે એમની દેન છે.

૧૯૦૯માં મૈસુર રાજ્યંના ચીફ એન્જીનિયર અને ૧૯૧૨માં દિવાન પદે તેમની નિમણૂક કરવામાં આવી. ૧૯૧૫માં તેમને ‘દિવાન ઓફ મૈસૂર’નો ખિતાબ મળ્યો અને ‘નાઈટ કમાન્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર’ મેડલ પણ મેળવ્યુ હતુ. ૧૯૫૫માં ભારતનું સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન’ એમને આપવામાં આવ્યુ હતું. એ સિવાય લંડનની સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીએ તેમને માનદ મેમ્બરશિપ આપી હતી. આ સાથે તેમને ડોક્ટરેટની માનદ પદવીઓ પણ મળી હતી.

૧૨ એપ્રિલ ૧૯૬૨માં આ મહાન હસ્તી આપણને છોડીને અનંતની યાત્રાએ નીકળી પડી અને જાણે એક યુગનો અંત આવ્યો. ૯૯ વરસે પણ વેબસ્ટરની ડિક્શનેરીની નવી એડીશન મંગાવનાર ડો. સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી આજીવન વિદ્યાર્થી હતા. નવું શીખવાની ધગશનાં ભેખધારી અને એક કુશળ વહીવટકાર પણ હતાં. અને એથીય આગળ જઈને કહું તો આવનાર ભાવિની આરપાર જોઈ શકનાર સ્વપ્નદ્રષ્ટા હતાં.

ઇજનેરો ખંત અને નિશ્ચયનાં સમાનાર્થી છે. માનવ પ્રગતિ તેમના નવીન ઉત્સાહ વિના અધૂરી છે. તમામ મહેનતુ ઇજનેરોને આજનાં ‘એન્જીનીયર્સ ડે’ પર શુભેચ્છાઓ અને ડો. એમ. વિશ્વેશ્વરૈયાજીને એમની જન્મજયંતિ પર સાદર સ્મરણવંદના અને કોટી કોટી નમન..!!

સૌજન્ય:- વૈભવી જોષી

Previous articleરતન ટાટાનો જવાબ નથી, હવામાં ખરાબ થઈ ગયું હતું પ્લેનનું એક એંજિન, છતાં પણ કર્યું સેફ લેડિંગ
Next articleઆ આસન કરવાથી કમરથી નીચેનો ભાગ થાય છે મજબૂત, ગર્ભવતી મહિલાઓ માટે છે ઉત્તમ