મને હજીયે યાદ છે, દિવાળી કે બેસતા વરસને દિવસે નવા નક્કોર કપડા પહેરીને હું જ્યારે દાદાને પગે લાગતો, ત્યારે તેઓ

550

મને હજીયે યાદ છે એ દિવસો. દિવાળી કે બેસતા વરસને દિવસે નવા નક્કોર કપડા પહેરીને હું જ્યારે દાદાને પગે લાગતો, ત્યારે તેઓ પોતાના ગજવામાંથી એક નવી નક્કોર નોટ કાઢીને મારા હાથમાં મૂકી દેતા અને કહેતા, ‘ના ન પાડતો. આ તો લેવા જ પડે. શુકન કહેવાય. આ પૈસા નથી, આશીર્વાદ છે.’

રૂપિયાની નોટો સાથે કોઈના આશીર્વાદ સંકળાયેલા હોય, એ વાત મને ત્યારે ન સમજાતી. પણ જેમ જેમ હું કમાતો ગયો અને ખર્ચતો ગયો, તેમ તેમ મને સમજાતું ગયું કે રૂપિયા સાથે એનર્જી જોડાયેલી હોય છે.

વોલેટમાં આવતા કે વોલેટમાંથી જતા રૂપિયાના દરેક સિક્કા કે નોટ સાથે ‘માનવીય ઉર્જા’ પણ ટ્રાન્સફર થાય છે. નવા જન્મેલા બાળક કે જેને માટે રૂપિયાની નોટો ફક્ત કાગળ છે, જેને આ ચલણ વિશેની કશી જ માહિતી નથી, એ જાણતા હોવા છતાં પણ આપણે એની નાની-નાની બંધ મુઠ્ઠીઓમાં એક નોટ મૂકી દેતા હોઈએ છીએ. ફક્ત પૈસા જ નહીં, ગીફ્ટમાં આપેલી દરેક વસ્તુ સાથે નિયત અને નિસ્બત સંકળાયેલા હોય છે.

પણ આપણે જેનો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ એ કરન્સી સાથે, એ નોટ પર લખાયેલા આંકડા કરતા અનેકગણું વધારે મૂલ્ય સંકળાયેલું હોય છે. પચાસ રૂપિયાની ‘સામાન્ય’ લાગતી નોટ જ્યારે કોઈ વડીલ કે શુભેચ્છક પાસેથી મળે છે, ત્યારે એ નોટની કિંમત કરતા તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. દરેક ચલણી નોટ સાથે ‘હ્યુમન ઈમોશન્સ’ જોડાયેલા હોય છે.

ચલણમાં રહેલી દરેક નોટ પોતાની સાથે સકારાત્મક કે નકરાત્મક ઉર્જાનું વહન કરતી હોય છે. એ નોટ પચાસની હોય કે પાંચસોની, દરેક નોટની સાથે એક ભાવનાત્મક ટેગ જોડાયેલું હોય છે. આપણા દરેકની સુખાકારી અને શાંતિનો આધાર આપણા ખિસ્સામાં રહેલી એ નોટ સાથે આપણા જીવનમાં પ્રવેશેલી એ પોઝીટીવ કે નેગેટીવ એનર્જી પર રહેલો છે.

કોઈએ કચવાતા મને આપેલા, છેતરપિંડી કે ફ્રોડ દ્વારા કોઈની પાસેથી લીધેલા, કોઈના ઉધાર રાખેલા, કોઈ બીજાના હકના મારી લીધેલા કે પછી અનીતિથી કમાયેલા રૂપિયા પોતાની સાથે એક નકારાત્મક ઉર્જા લઈને આપણા જીવનમાં પ્રવેશે છે. આપણને એ રૂપિયા ભલે સદી જાય પણ એ રૂપિયાની સાથે આવેલા નેગેટીવ ઈમોશન્સ આપણા શાંત જીવનમાં તોફાનો સર્જે છે.

કોઈને ઉદારતાથી આપેલો, મહેનતથી કમાયેલો કે છળ-કપટથી પોતાની પાસે રાખી દીધેલો દરેક રૂપિયો કર્મ સાથે જોડાયેલો હોય છે. બેંક એકાઉન્ટમાંથી ઉપાડેલી કે જમા કરાવેલી દરેક રકમની એન્ટ્રી કાર્મિક એકાઉન્ટમાં પણ થતી હોય છે. આપણા દરેકનો બેંક એકાઉન્ટ આપણા કાર્મિક એકાઉન્ટ સાથે ‘Sync’ થયેલો હોય છે.

કોઈના ઉધાર લીધેલા કે ઝૂંટવી લીધેલા થોડા-ઘણા રૂપિયા પાછા આપવા માટે એક આખો અવતાર લઈને ફરી પૃથ્વી પર આવવાનું કેટલું ‘મોંઘુ’ પડે ! દરેક સ્ત્રી ‘શક્તિ’ અને ‘ઉર્જા’નું સ્વરૂપ હોય છે. અને આ જ કારણથી આપણા ખિસ્સા કે ઘરમાં પ્રવેશનારી લક્ષ્મી અલગ અલગ ઉર્જા લઈને આવે છે. એ ઉર્જા કાં તો આપણને આબાદ કરે છે, કાં તો બરબાદ. એ નિયતિનો આધાર આપણી નિયત પર રહેલો છે.

પોતાની દીકરી જેરાલ્ડીનને લખેલા એક અદભૂત પત્રમાં ચાર્લી ચેપ્લીને તેને કહેલું કે પોતાના માટે ખર્ચેલા બે રૂપિયા પછી એ વાત સતત યાદ રાખજે કે તેં ખર્ચેલો ત્રીજો રૂપિયો તારો નથી. એ કોઈ એવા જરૂરીયાતમંદ વ્યક્તિનો છે, જે સામાજિક અસમાનતાને કારણે તારી પાસે આવી ગયેલો છે. જો બની શકે તો એ રૂપિયો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાછળ જ વાપરજે.

આજની તારીખે હું મારા વોલેટમાં નજર કરીને જોઈ લઉં છું કે ભૂલથી મારી પાસે આવી ગયેલી કોઈ બીજાની નોટ ક્યાંક મારા ઘરનું વાતાવરણ તો નથી બગાડી રહી ને ! વોલેટ કે લોકરમાં ગોંધી રાખેલી, કમાયા વગરની દરેક નોટ ચીસો પાડીને પોતાની મુક્તિ માટે આપણને વિનંતી કરતી હોય છે.

નિષ્ઠા અને મહેનતપૂર્વક જીતેલા રૂપિયાને બદલે જબરદસ્તી કરીને પરાણે બંદી બનાવેલી નોટો આપણને માનસિક અસ્વસ્થતા, અશાંતિ અને બેચેની તરફ લઈ જાય છે. એ વાત બહુ મોડી સમજાય છે કે ગુલાબી નોટો સામે તાક્યા કરવાથી ચહેરો ગુલાબી નથી થવાનો. એના માટે અંતરમાં ગુલાલ ઉડતો હોવો જરૂરી છે. અને એ તો જ ઉડશે જો બંધ મુઠ્ઠીમાં નિષ્ઠા અને નીતિમત્તા હશે.

એ જ કારણ છે કે એકાઉન્ટમાં હજારો ડોલર્સ હોવા છતાં પણ કેટલાક લોકો અનિંદ્રાથી પીડાય છે, તો બીજી બાજુ રોટલી જેટલી પાતળી ફિક્સ-ડીપોઝીટ ધરાવનારા લોકો ઘસઘસાટ ઊંઘી શકે છે. ઇફ યુ આસ્ક મી કે ખિસ્સા કે એકાઉન્ટમાં કેટલા રૂપિયા હોવા જોઈએ ? તો હું કહીશ કે ઊંઘ આવી જાય એટલા.

લેખક:-ડૉ. નિમિત્ત ઓઝા (તન અને મનને સ્વસ્થ રાખવા માટે ધનદુરસ્તી અનિવાર્ય છે.)

Previous articleચાચા નહેરુ કો સલામ
Next articleમાતાના દુધ જેટલી ગુણકારી છે આ બે વસ્તુઓ, આનુ સેવન કરવાથી શરીરમાં કોઈ પણ તત્ત્વ નહી ઘટે.