મહાભારતમાં પાંડવોને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો. અજ્ઞાતવાસની શરત એ હતી કે, જો આ સમયગાળા દરમિયાન કૌરવો પાંડવોને ઓળખી લે અથવા તેઓને શોધી કાઢે, તો તેઓને ફરીથી 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરમાં ગયા હતા. વિરાટ નગરમાં જઈને, પાંડવો એક ઝાડ નીચે બેઠા.
યુધિષ્ઠિરે કહ્યું કે હું રાજા વિરાટના નગરમાં ‘કંક’ નામ રાખી બ્રાહ્મણનો વેશ ધારણ કરીશ. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, તું રાજા વિરાટ પાસે ‘વલ્લભ’ નામથી રસોડાના કાર્યને સંભાળવાની માંગ કરજે, તેમણે અર્જુનને કહ્યું કે તું ‘બૃહન્નલા ‘નામથી સ્ત્રી આભૂષણોથી સુસજ્જ થઈને વિરાટ રાજાની રાજકુમારીને સંગીત અને નૃત્ય શીખવવા પ્રાર્થના કરજે, યુધિષ્ઠિરે નકુલને ‘ગ્રંથિક’ નામથી ઘોડાઓની રખવાળી કરવાનું કામ અને સહદેવને ‘તંત્રિપાલ’ નામથી ભરવાડ તરીકે ગૌશાળાનું કામ માંગવાનું કહ્યું. બધા પાંડવોએ શમી નામના ઝાડ પર તેમના શસ્ત્રો છુપાવી દીધા અને પોત-પોતાનો વેશ બદલીને વિરાટ નગરમાં પ્રવેશ કર્યો.
વિરાટ નગરના વિરાટ રાજાએ પાંડવોની પ્રાર્થના સ્વીકાર કરી. વિરાટ રાજાની પત્ની દ્રૌપદીના સ્વરૂપથી મોહિત થઈ ગયા અને તેને માથું ઓળવાનું તેમજ તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. દ્રૌપદીએ તેનું નામ સૈરન્ધ્રી રાખ્યું. અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદીને સૈરન્ધ્રીના નામથી રાણી સુદેશણાની દાસી બનવું પડ્યું હતું.
સૈરન્ધ્રી નામની દાસી બનીને જીવન પસાર કરવું તે દ્રૌપદી માટે અગ્નિ પરીક્ષા જેવું કાર્ય હતું. તે એટલી સુંદર હતી કે કોઈ તેને દાસી કહેવાની ભૂલ પણ ન કરી શકતું. દ્રૌપદીને તેના સાચા રહસ્યની જાણ ન થાય તેની કાળજી પણ લેવાની હતી. દ્રૌપદીએ સૈરન્ધ્રીનું રૂપ લીધું ત્યારે તે પાંડવોથી અલગ થઈ ગઈ હતી.
આ ઘટનાનું મહાભારતમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સૈરન્ધ્રી બનીને કેવી રીતે સુદેશણાને તેની પ્રતિભા દ્વારા આકર્ષિત કરી રાજપ્રસાદમાંથી નિયુક્તિ અપાવી એ એક અદભૂત વાર્તા છે. સૈરન્ધ્રી સુદેશણાને કહે છે કે હું ગમે તે હોવ પરંતુ તમે મને કેમ અહીં બોલાવી છે?
રાણી તેની આવી વાતોથી ગુસ્સે થયા. ત્યારે સૈરન્ધ્રી કહે છે કે જો મારા પતિ મારી આસપાસ હોત તો મને પકડવાના બદલામાં તમારા સૈનિકોને મારી નાખત. તમે તેમની શકિતને નથી જાણતા. આ રીતે, દ્રૌપદી અને રાણી વચ્ચે વિવાદ થાય છે, અંતે રાણી સમજી જાય છે કે આ સાધારણ સ્ત્રી નથી લાગતી.
રાણી સુદેશણાને સૈરન્ધ્રી પર વિશ્વાસ થઈ ગયો. તેણે કહ્યું કે શું તમે પહેલેથી જ માથું ઓળવાનું કામ કરતા હતા. તમારા વાળમાં તો તમે વેણી પણ નથી નાખી. કોણ માનશે કે તમને કેશ શ્રુંગારની કળા આવડે છે.
સૈરન્ધ્રીએ કહ્યું, મહારાણી હું મારા પતિ માટે જ મારા વાળ ખુલ્લા રાખું છું. જો તેઓ પાછા આવશે અને મારી સાથે ખુશીથી રહેશે, તો હું પણ મારા વાળ બાંધી દઈશ.
રાણીએ તેને કહ્યું, ‘તમે વાતો તો બહુ સારી છો, પણ મને તમારી વાતનો પુરાવો આપો.’ આ સાંભળીને સૈરન્ધ્રીએ તેની કળા પ્રદર્શિત કરીને રાણીને આશ્ચર્યચકિત કરી દીધા અને સૈરન્ધ્રી તેના દાસીના રૂપથી નિયુક્ત થઈ ગઈ. અને આવી જ રીતે પાંચેય પાંડવોએ પણ મહેલમાં પોતાનું સ્થાન બનાવી લીધું.