સવારે 11 થી 5 દરમિયાન શાળામાં બાળકોના શિક્ષણમાં વ્યસ્ત અને દિવસ દરમિયાન રોપા ઉગાડવામાં વ્યસ્ત રહેતા હર્ષદભાઈ સાથે શાળાના રિસેસ દરમિયાન વાત થઈ.
હર્ષદભાઈ અને તેમની પત્ની સ્મિતાબેન રાજકોટ જિલ્લાની શ્રી પી.જે.શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઓરીમાં શિક્ષક છે. બંને તેમનાં બાળકો શ્લોક અને કાવ્યા સાથે શાળાના કેમ્પસમાં જ રહે અને શાળાને જ તેમનું ઘર માને છે. આખી દુનિયા જ્યારે કોરોનાના કારણે લૉક થઈ ગઈ, શાળામાં બાળકો આવતાં બંધ થઈ ગયાં અને બીજા શિક્ષકો પણ આવતા બંધ થઈ ગયા ત્યારે આ શિક્ષક દંપતિ અને બે બાળકો જ શાળામાં હતાં. શાળા પાસે 7 વિઘા જમીન છે, જેમાં બે મોટા બગીચા છે. જ્યારે પણ આ અંતરિયાળ વિસ્તારમાં લાઈટની સમસ્યા હોય ત્યારે બાળકોને આ બગીચામાં બેસાડીને જ ભણાવવામાં આવે છે. એટલે આ બગીચાનાં જ વિવિધ ઝાડ અને છોડના બીજ તો હર્ષદભાઈ પાસે હતાં જ.
એકબાજુ દુનિયા થંભી ગઈ, ધંધા-રોજગાર બંધ થઈ ગયા, ત્યારે હર્ષદભાઈને વિચાર આવ્યો નવસર્જનનો. તેમની શાળામાં કુલ 300 બાળકો છે. સામાન્ય રીતે બાળકો તેમના જન્મદિવસ પર બધાંને ચોકલેટ વહેંચતાં હોય છે. લૉકડાઉન કેટલું ચાલશે તેની તો કોઈને ખબર નહોંતી એટલે હર્ષદભાઈને વિચાર આવ્યો કે, અહીં આસપાસ નકામી પડેલી કોથળીઓ ભેગી કરીએ અને તેમાં 300 રોપા બનાવીએ. પછી જ્યારે જે બાળકનો જન્મદિવસ હોય તેને એક રોપો આપીએ. તો તે ઘરે જઈને તેને વાવે અને પ્રકૃતિનું સંવર્ધન કરતાં શીખે. બસ અહીંથી જ થઈ શરૂઆત.
શરૂઆતમાં તેમણે આસપાસથી વેફર, ચવાણા વગેરેની ખાલી કોથળીઓ ભેગી કરી, તેને ધોઈને સૂકવી. ત્યારબાદ શાળા દ્વારા બગીચામાં પડેલ સૂકા પાંદડા અને વાળેલ કચરાના ડંપ કરેલ ખાડામાંથી માટી અને ખાતર મેળવ્યું અને નદીની માટી ભરી અલગ-અલગ રોપા બનાવવાનું શરૂ કર્યું. લૉકડાઉનના શરૂઆતના 55 દિવસ સુધી તો આ કુટુંબ એકલા હાથે જ બધુ કરતા. હર્ષદભાઈ માત્ર જમવા માટે જ ઘરે રહેતા, બાકી તેમની આ નર્સરીમાં કામ કરતા હોય. બીજ વાવવાથી લઈને તેને સમયસર પાણી આપવાનું રોપા બનાવવાનું બધુ જ કામ કર્યા કરતા.
લૉકડાઉનમાં થોડી ઢીલ મળતાં હર્ષદભાઈ ઘરેથી બહાર નીકળ્યા અને સૌપ્રથમ તો વિવિધ રેસ્ટોરેન્ટ અને હોટેલવાળાઓને મળ્યા અને તેમને દૂધની ખાલી થેલીઓ ભેગી કરીને આપવા વિનંતિ કરી, તેઓ માની પણ ગયા. તેઓ કેરેટ કે પ્લાસ્ટિકના પીપમાં ખાલી થેલીઓ ભેગી કરતા અને દર ત્રણ દિવસે હર્ષદભાઈ જાતે જઈને બધી કોથળીઓ લઈ આવે, તેને ધોઈને સૂકવે. ત્યારબાદ ગામના જ ખેડૂત વનાભાઈએ પોતાની વાડીની પાસેની નદીમાંથી ટ્રેક્ટરના 15 ફેરા માટી શાળામાં નાખી આપી.
હવે શાળાની આસપાસ રહેતાં થોડાં-ઘણાં બાળકો પણ 2-5 કલાક શાળામાં આવી આ કામમાં મદદ કરવા લાગ્યાં, જેના બદલામાં હર્ષદભાઇ તેમને ચા-નાસ્તો કરાવે અથવા પ્રોત્સાહિત કરે. હવે તેમણે લગભગ 7000 રોપા બનાવવાનું લક્ષ્ય રાખ્યું, તો તેની સામે 30,000 બેગ બની ગઈ અને તેમાંથી 20,000 બેગમાં રોપા તૈયાર પણ કર્યા. જ્યારે બાકીની બેગમાં તેઓ આગામી ચોમાસામાં બીજ વાવશે.
રસપ્રદ વાત તો એ છે કે, આ બધા કામમાં તેમને ખાસ ખર્ચ કરવાની જરૂર નથી પડી. તેમની આસપાસની તેમની ઉત્તર બુનિયાદી શાળાઓ, આશ્રમશાળાઓ, વિંછિયા, જસદણના બગીચાઓ અને સગાં-સંબંધીઓના ઘરેથી બીજ, કલમ અને છોડ મળી રહેતા. દરરોજની 8-10 કલાકની મહેનથી આજે ત્યાં હરિયાળી નર્સરી બની ગઈ છે.
તેમની શાળામાં તૈયાર કરેલ રોપાઓની વાત કરવામાં આવે તો લીમડો, મીઠો લીમડો, આંબો, ચાઈનીજ કેટકી, સ્નેક પ્લાન્ટ, ગુંદા, એગ્લોનીમા સ્નેક પ્લાન્ટ, પીપળો, સ્પાઈડર પ્લાન્ટ, સોનમોર, કુરંડા બ્રાઉન, ચમેલી, ટગર, કરંજ, આસોપાલવ, ફોલીસ્યસ, સીતાફળ, જાંબુ, લેમન બ્રાસ, ફુદીનો, ખુફિયા, બીલાડ પૂંછ, ગોલ્ડન કુંરડા, અરડૂસી, એકેલીફા, જાસુદ, ટેકોમસ યલો, રાતરાણી, અરીઠા, લીંબુ, બોગન, સેતુર, બોરસલી, કમળ કેટકી, પારિજાત, બદામ, લીલી કેવડા, સદા બહાર(બારમાસી), એડેનિયમ, બ્રેસિલા, દાડમ, કરેણ વગેરે જેવા વિવિધ 80 આસપાસ રોપા તૈયાર કરવામાં આવ્યા છે.
આ સિવાય ચોટિલાની મધુવન નર્સરી બંધ થતાં ત્યાંના માલિક અલ્પેશભાઈ લાભુએ પણ નર્સરીના 2000 છોડ હર્ષદભાઈને આપ્યા છે. હર્ષદભાઈ પોતે ખેડુતપુત્ર છે અને પ્રકૄતિની નજીક જ ઉછર્યા છે, એટલે તેમનો પર્યાવરણ સાથેનો નાતો પણ અદભુત છે. ચોમાસાની શરૂઆત થતાં જસદણ-વિંછિયાની શાળાઓ્નો સંપર્ક કરી જરૂર પ્રમાણે રોપાઓ પહોંચાડશે.
ચોટિલાથી માત્ર 30 કિમી અને વિંછિયાથી 5 કિમી દૂર છે આ ઓરી શાળા. તો જો આ બાજુ જાઓ તો ચોક્કસથી મુલાકાત લેજો. હર્ષદભાઈ અને તેમનાં પત્નીની આવજો કહેવાની રીત પણ હટકે છે, “આવજો અને બે ઝાડ વાવજો”. તમને ગમતા છોડના રોપા મળી રહેશે અહીં અને તમે જો શાળાનાં બાળકોની મદદ કરવા ઇચ્છતા હોય તો તમારી ઇચ્છા અનુસાર યોગદાન પણ આપી શકો છો.