તમે તમારા પાસપોર્ટ વિશે બધું જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે આ પાસપોર્ટના કલર દરેક દેશમાં કેમ અલગ-અલગ હોય છે? જો કે દુનિયામાં માત્ર ચાર રંગના પાસપોર્ટ હોય છે – લાલ, લીલો, વાદળી અને કાળો, પરંતુ આ રંગોનું પોતાનું મહત્વ છે. આજે અમે તમને પાસપોર્ટના આ વિવિધ રંગો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. વિશ્વભરના મોટાભાગના પાસપોર્ટમાં માત્ર ચાર પ્રમાણભૂત રંગો હોય છે, પરંતુ હજારો શેડ્સ અને વિવિધતા હોય છે. એવા ઘણા દેશો છે, જે મોટાભાગે આ ચાર રંગોના પાસપોર્ટ જારી કરે છે.
લાલ રંગનો પાસપોર્ટ – The red passport
લાલ રંગનો પાસપોર્ટ મોટાભાગે એવા દેશો દ્વારા અપનાવવામાં આવે છે જેમનો સામ્યવાદી ઇતિહાસ હોય અથવા હજુ પણ સામ્યવાદી વ્યવસ્થા ચાલતી હોય. લાલ રંગનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે. યુરોપિયન યુનિયનના સભ્યો (ક્રોએશિયા સિવાય)એ “EU દેશો માટે સામાન્ય પાસપોર્ટ મોડલ” રજૂ કરવા માટે આ લાલ રંગના પાસપોર્ટ પસંદ કર્યા છે. સ્લોવેનિયા, ચીન, સર્બિયા, રશિયા, લાતવિયા, રોમાનિયા, પોલેન્ડ અને જ્યોર્જિયાના નાગરિકો પાસે લાલ રંગના પાસપોર્ટ રહેલા છે. તુર્કી, મેસેડોનિયા અને અલ્બેનિયા જેવા યુરોપિયન યુનિયનમાં જોડાવા ઈચ્છતા દેશોએ પણ થોડા વર્ષો પહેલા લાલ પાસપોર્ટ આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત બોલિવિયા, કોલંબિયા, એક્વાડોર અને પેરુના પણ લાલ રંગના પાસપોર્ટ છે.
વાદળી રંગનો પાસપોર્ટ – The blue passport
લાલ રંગના પાસપોર્ટ પછી બીજા નંબરે વાદળી રંગ આવે છે, આ રંગ વિશ્વમાં પાસપોર્ટ માટેનો બીજો સૌથી સામાન્ય રંગ છે. વાદળી રંગ “નવી દુનિયા” દર્શાવે છે. અમેરિકન ખંડના દેશો ખાસ કરીને વાદળી રંગને પસંદ કરે છે. યુએસએ, આર્જેન્ટિના, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર બ્રાઝિલ, કેનેડા, વેનેઝુએલા, ગ્વાટેમાલા, પેરાગ્વે, ઉરુગ્વે જેવા દેશોમાં વાદળી રંગના પાસપોર્ટ ઈસ્યુ કરે છે. તમને જણાવી દઈએ કે, 15 કેરેબિયન દેશો પણ વાદળી રંગના પાસપોર્ટ ઈસ્યુ કરે છે. અમેરિકી નાગરિકોના પાસપોર્ટનો વાદળી રંગ 1976માં અપનાવવામાં આવ્યો હતો.
લીલા રંગનો પાસપોર્ટ – The green passport
મોટાભાગના મુસ્લિમ દેશોમાં લીલો પાસપોર્ટ ઈસ્યુ કરે છે કારણ કે આ રંગ પયગંબર મોહમ્મદનો પ્રિય રંગ માનવામાં આવે છે. ગ્રીન પાસપોર્ટ ઈસ્યુ કરતા દેશોમાં મોરોક્કો, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. મુસ્લિમ ધર્મમાં લીલો રંગ પ્રકૃતિ અને જીવનનું પ્રતીક છે. ગ્રીન પાસપોર્ટ કેટલાક પશ્ચિમ આફ્રિકન દેશો, જેમ કે નાઇજીરીયા, આઇવરી કોસ્ટ, બુર્કિના ફાસો, ઘાના અને સેનેગલ તેમજ પશ્ચિમ આફ્રિકન ખંડના અમુક સમુદાયના દેશો પણ ઈસ્યુ કરે છે.
કાળા રંગનો પાસપોર્ટ – The black passport
બહુ ઓછા દેશોના પાસપોર્ટનો રંગ કાળો છે, કાળા રંગનો પાસપોર્ટ અપનાવનારા દેશોએ બીજા રંગની સરખામણીએ ખુબજ અલગ રંગ અપનાવ્યો છે. આ રંગ માલાવી, તાજિકિસ્તાન પ્રજાસત્તાક, ડોમિનિકન રિપબ્લિક અને ત્રિનિદાદ અને ટોબેગોની પસંદગી છે. બોત્સ્વાના, ઝામ્બિયા, બુરુન્ડી, ગેબોન, અંગોલા, કોંગો, માલાવી અને અન્ય કેટલાક આફ્રિકન દેશો કાળા રંગના પાસપોર્ટ ઈસ્યુ છે.