સામાન્ય રીતે શાકભાજીની કિંમત 100 કે 200 રૂપિયા પ્રતિ કિલો હોય છે. પરંતુ વિશ્વમાં એક એવી શાકભાજી છે, જેની કિંમત એટલી છે કે મોટા અમીરો પણ તેને ખરીદતા પહેલા 10 વાર વિચાર કરે છે. આ શાકભાજીની કિંમત 1 કિલો પ્રતિ 1000 યુરો છે એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 1 કિલોગ્રામ પ્રતિ આશરે 82 હજાર રૂપિયા છે. તો ચાલો તમને આ શાકભાજીની વિશેષતાઓ વિશે વિગતવાર જણાવીએ…
આ શાકભાજીનું નામ ‘હૉપ શૂટ્સ’ છે અને તેના જે ફૂલ હોય છે તેને ‘હૉપ કોન્સ’ કહેવામાં આવે છે. આ ફૂલનો ઉપયોગ દારૂ બનાવવા માટે થાય છે. આ શાકભાજી મોંઘી હોવાને કારણે ભાગ્યે જ કોઈક બજાર કે દુકાનમાં જોવા મળે છે.
‘હૉપ શૂટ્સ’ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે, તેથી તેનો ઉપયોગ જડી-બુટી તરીકે પણ થાય છે. દાંતના દુખાવામાં આ ઔષધી ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેનો ઉપયોગ ટીબી જેવા ગંભીર રોગની સારવારમાં પણ થાય છે. તેમાં એન્ટીબાયોટીક ગુણધર્મ હોય છે.
લોકો ‘હૉપ શૂટ્સ’ને કાચુ પણ ખાય છે. જોકે તે ખુબ જ કડવું હોય છે. તેની ડાળીઓનો ઉપયોગ સલાડ બનાવવા માટે થાય છે. તેનું અથાણું પણ બનાવવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે.’હૉપ શૂટ્સ’ના ઔષધીય ગુણધર્મોની ઓળખ સદીઓ પહેલાં થઈ ગઈ હતી. લગભગ ઇસ. 800,ની આસપાસ લોકો તેને દારૂમાં ભેળવી પીતા હતા, અને આ વલણ હજી પણ ચાલુ છે.
સૌથી પહેલા તેની ખેતી ઉત્તરીય જર્મનીમાં શરૂ થઈ હતી અને તે પછી ધીરે ધીરે તેની ખેતી સમગ્ર વિશ્વમાં થવા લાગી. તેની યોગ્યતાઓને ધ્યાનમાં રાખીને, 18 મી સદીની શરૂઆતથી ઇંગ્લેન્ડમાં તેના પર કર પણ વસુલવામાં આવે છે. ઉપરાંત, એ પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું કે તેનો ઉપયોગ દારૂ બનાવવા માટે જ થવો જોઈએ.
માર્ચથી જૂન સુધીના સમયને ‘હૉપ શૂટ્સની’ ખેતી માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે. તેનો છોડ ભેજ તેમજ સૂર્યપ્રકાશ વાળા વાતાવરણમાં વધારે વધે છે. એવું કહેવામાં આવે છે કે તેની ડાળીઓ એક જ દિવસમાં છ ઇંચ સુધી વધે છે. આની બીજી વિશેષતા એ છે કે શરૂઆતમાં તેની ડાળીઓ જાંબુડિયા રંગની હોય છે, અને થોડા સમય પછી તે લીલા રંગની થઈ જાય છે.