18મી જૂને વડાપ્રધાનના કાર્યક્રમના એક દિવસ પહેલા, શહેરના આજવરોડ પાસેના કમલાનગર તળાવમાંથી રૂ. 5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને શંકા છે કે આવકવેરા વિભાગે 18 જૂને બપોરના સુમારે શહેરમાં એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પર દરોડો પાડ્યો હતો, તેથી સંસ્થાએ રાત્રે જ તળાવમાં નોટોના બંડલ ફેંક્યા હોવાની આશંકા છે.
બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 18મી જૂનના રોજ શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ માટે કેટલાક કામદારોને કામે રાખવામાં આવ્યા હતા, ત્યારે એક કામદારે રોકડ નોટો ભરેલું બંડલ જોયુ. જ્યારે સાથી કર્મચારીઓને આ વાત કહી તો ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને જાણ કરી.
રેલવે કોન્સ્ટેબલે તાત્કાલિક શહેર પોલીસ મથકે જાણ કરતાં શહેર પોલીસે આ અંગે બાપોદ પોલીસને મેસેજ કર્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી નોટોના બંડલ કબજે કરી પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. બાપોદ પોલીસે જણાવ્યું હતું કે તળાવમાંથી મળી આવેલી નોટો ફૂગથી ગ્રસ્ત હતી. નોટોની હાલત એવી લાગી રહી હતી કે ચાર દિવસ પહેલા નોટોના બંડલ ફેંકવામાં આવ્યા હોય.
નોટ ફેંકનારને શોધવા માટે 15 સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા
તળાવમાંથી મળી આવેલી નોટો શોધવા બાપોદ પોલીસના પોસઇ ભીલે તપાસ કરી હતી. તેઓએ તળાવથી દૂર અને તેના માર્ગ પરના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા, પરંતુ પોલીસને નોટ ફેંકનારના કોઈ સુરાગ મળી શક્યા નથી, જેના કારણે તપાસ થોડી ધીમી પડી હતી પરંતુ હવે તપાસ ઝડપી કરવામાં આવશે.
પોલીસે ભીની નોટો સૂકવી અને તેના ફરીથી બંડલ કર્યા
બાપોદ પોલીસને મળી આવેલી 2000ની નોટો કુલ રૂ. 5.30 લાખની હતી, જે બેંકમાં લઈ જઈ ચકાસણી કરી હતી. આ નોટો અસલી હોવાનું જાણ થતા બાપોદ પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસે ભીની નોટોને સૂકવીને બંડલમાં ફરીથી ગોઠવી હતી.
વર્ષ 2016માં પણ દંતેશ્વર તળાવમાંથી નોટો મળી આવી હતી.
તળાવમાંથી નોટો મળવાનો આ પહેલો કિસ્સો નથી. સાડા પાંચ વર્ષ પહેલા પણ શહેરના દંતેશ્વર તળાવમાંથી ચલણી નોટો મળી આવી હતી. પ્રતિબંધના થોડા દિવસો બાદ દંતેશ્વર તળાવમાંથી 500-500ની નોટોના બંડલ મળી આવ્યા હતા.