રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાક કેટલો સમય સારો રહે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક છે, જાણો…

હેલ્થ

આપણે બધા જાણીએ જ છીએ કે, ખોરાકનો બગાડ ન કરવો જોઇએ, પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે, જેના ઘરમાં ફ્રિજ હોય ​​છે તે વધેલા ખોરાકને ફ્રિજમાં મૂકી દે છે અને જયારે મન થાય ત્યારે તેને બહાર કાઢીને ખાઈ છે. આ ખાસ કરીને શહેરોમાં જોવા મળે છે, કારણ કે ત્યાં કામ કરતા લોકોની સંખ્યા વધારે છે અને કાં તો તેમને રસોઈ માટે સમય નથી મળતો અથવા તો તેઓ તેને બનાવવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં, તેઓ એકવાર ખોરાક રાંધે છે અને તેને ફ્રિજમાં મૂકી દે છે અને બે-ત્રણ દિવસો સુધી ખાય છે. આ કરવું તેમના માટે અનુકૂળ લાગે છે, પરંતુ કદાચ તેઓને ખબર નથી હોતી કે રેફ્રિજરેટરમાં ખૂબ લાંબા સમય સુધી રાખેલો ખોરાક આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ફ્રિજમાં રાખેલ ખોરાક કેટલો સમય સારો રહે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક છે.

સૌ પ્રથમ, તમે રાંધેલા ખોરાકને ફ્રિજમાં રાખતા પહેલા એ ધ્યાનમાં રાખો કે, કાચા શાકભાજી અને રાંધેલા ખોરાકને એક જગ્યાએ ન રાખો, કારણ કે કાચા શાકભાજીમાં હાજર બેક્ટેરિયા રાંધેલા ખોરાકને દૂષિત કરી શકે છે. તેથી એ વધુ સારું છે કે, રાંધેલા ખોરાકને ફ્રિજમાં રાખતા પહેલા તેન સારી રીતે ઢાંકી દો અથવા તેને ડબ્બામાં ભરીને રાખો.

આમ તો કોઈપણ પ્રકારના ખોરાક તાજો ખાવાનું જ શ્રેષ્ઠ છે, પરંતુ એમ મણિ લ્યો કે, જો તમે ખૂબ જ વધારે ચોખા રાંધ્યા છે અને તે પુરા થયા નથી તેથી તેને તમે ફ્રીજમાં મૂક્યાં છે, તો પછી તેને બે દિવસમાં સમાપ્ત કરી દેવા વધુ સારું છે. કારણ કે ખૂબ લાંબા સમય સુધી રાખેલ ભાત ખાવાથી તમને તેના પૌષ્ટિક તત્વો મળતા નથી અને તેની તમારી પાચક શક્તિ પર  ખરાબ અસર પડે છે.

રેફ્રિજરેટરમાં રાખેલ ભાત ખાતા પહેલા તેને થોડો સમય ફ્રિજની બહાર કાઢીને રહેવા દો અને થોડી વાર પછી તેને સારી રીતે ગરમ કરો. અને પછી તેનું સેવન કરો આમ કરવાથી તેની અંદર હાજર બેક્ટેરિયા નાશ પામે છે.

જો તમે રોટલી બનાવીને તેને રેફ્રિજરેટરમાં રાખો છો, તો એ ધ્યાન રાખો કે તેને ખુલ્લી ન મુકવી જોઈએ, એટલે કે તેને વાસણની અંદર ઢાંકી દો. તમે રોટલીને એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને બહાર કાઢીને ખાઈ શકો છો, પરંતુ આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. ફ્રિજમાં લાંબા સમય સુધી રોટલી રાખવાથી તેનું પોષણ મૂલ્ય પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા પેટમાં દુખાવો પણ થઈ શકે છે. તેથી હંમેશાં રોટલી તાજી ખાવી વધુ સારું છે.

દાળ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. જો તેને તાજી ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે, કેટલાક લોકો તેને બનાવે છે અને તેને ફ્રિજમાં રાખે છે અને તેને બે-ત્રણ દિવસ સુધી ખાય છે. આવા લોકોને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખેલી દાળ ગેસનું કારણ બની શકે છે. તેથી દાળને ક્યારેય ફ્રીઝમાં રાખવી જોઈએ નહીં.

ફળો શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ કાપેલા ફળોને ફ્રિજમાં રાખીને પછી તેના ખાવા એ શરીર માટે ખુબ જ નુકસાનકારક છે. જો તમે કાપેલા પપૈયાને રેફ્રિજરેટરમાં રાખો છો, તો તેને 6-7 કલાક સુધીમાં જ ખાઈ જવું વધુ સારું છે, કારણ કે, તે પછી તે દૂષિત થવા લાગે છે અને બીમારીનું કારણ બને છે. તેવી જ રીતે, જો તમે કાપેલા સફરજનને ફ્રિજમાં રાખો છો, તો તેને તરત જ ખાઈ જવું વધુ સારું છે. આનાથી તમને તેમાં હાજર વિટામિન પણ મળી જશે, અને તેનાથી તમને ફાયદો થશે.

જો તમે નિયમિતપણે ખાવા-પીવાની લગતી આ પ્રકારની ભૂલો કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમને ફૂડ પોઇઝનીંગનો શિકાર બનાવી શકે છે, આનાથી તમારી પાચક શક્તિ નબળી પડે છે અને તેની સીધી અસર તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય, તો શરીર અનેક રોગોનો શિકાર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *