મહાત્મા ગાંધીનો જન્મ 150 વર્ષ પહેલા 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે કરવામાં આવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, “મારું જીવન મારો સંદેશ છે”. અહીં અમે તમને મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી 5 વાતો જણાવી રહ્યા છીએ, જેને અપનાવાથી તમારા જીવનમાં પરિવર્તન આવશે.
1) પોતાની જાત પર વિશ્વાસ રાખવો :-
પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી તમે તમારા દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. ક્યારેય તમારી જાત પર શંકા ન કરવી જોઈએ. જો કામ કરતા પહેલા જ તમે એમ વીચારો કે હું આ કામ કરી શકીશ નહીં, તો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. તેનાથી વિપરિત, જો તમે એમ માનો કે તમે આ કાર્ય પૂરું કરી જ શકશો તો પછી તે કાર્ય તમે નિશ્ચિતરૂપે પૂર્ણ કરી શકો છો.
2) મુશ્કેલીઓથી હાર ન માનવી :-
ગાંધીજીએ કહ્યું હતું કે, “પહેલા તમારી અવગણના થશે, પછી તમારી મજાક કરશે, પછી તમારી સામે લડશે અને છેવટે તમે જીતી મેળવશો”. ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશની આઝાદી માટે અહિંસાનો માર્ગ અપનાવી લડત કરવી એ સહેલું કાર્ય નથી.
3) માફ કરતા શીખો :-
ગાંધીજીએ કહ્યું હતું કે, ” માફ કરવું અથવા જતું કરવું એ સારા લોકોની વિશેષતા છે.” મહાત્મા ગાંધીજીને જેલમાં પુરવામાં આવ્યા હતા, રસ્તાઓ પર માર મારવામાં આવ્યો હતો અને ઘણા લોકોએ તેમની હત્યાનું કાવતરું પણ કર્યું હતું પરંતુ ગાંધીજીએ બધાને માફ કરી દીધા.
4) ભૂલોમાંથી શીખ મેળવવી :-
ગાંધીજીએ કહ્યું હતું કે, “આપણી ભૂલોમાંથી શીખ મેળવવી એ સાવરણી જેવું કાર્ય છે. સાવરણીથી સફાઈ કર્યા બાદ ઘરની ગંદકી સંપૂર્ણપણે સાફ થઈ જાય છે અને ઘર ઝગમગવા લાગે છે. તેવી જ રીતે આપણે આપણી ભૂલો સ્વીકારીને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી જોઈએ.”
5) પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી :-
ગાંધીજીએ કહ્યું હતું કે, “વિશ્વમાં સાત પ્રકારના પાપો છે: કાર્ય વિનાની સંપત્તિ, વિવેક વિનાની ખુશી, ચરિત્ર વિનાનું જ્ઞાન, નૈતિકતા વિનાનું ધન, માનવતા વિનાનું વિજ્ઞાન, બલિદાન વિનાની પૂજા અને સિદ્ધાંત વિનાની રાજનીતિ.” તમારી જાતને શ્રેષ્ઠ બનાવવાની સાથે જ આ અવગુણોને આપનાવવા જોઈએ નહીં.