Homeરસપ્રદ વાતોશા માટે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ? 100% તમે આ...

શા માટે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ? 100% તમે આ નહીં જાણતા હોવ…

અત્યારે બધી જ જગ્યાએ આપણા સહુનાં વ્હાલાં ગણપતિ બાપ્પાની બોલબાલા છે. આજે એમનાં વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી હશે. આપણે ત્યાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના કર્યા બાદ એમનું વિસર્જન કરવામાં આવે છે.

આજે મને થયું કે થોડું વિસર્જન વિશે પણ જણાવું. ‘વિસર્જન’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ‘પાણીમાં વિલીન થવું’ એવો થાય છે. ભગવાન ગણપતિ જળ તત્વનાં અધિપતિ છે. ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે જ તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેમનું વિસર્જન કરવું અનિવાર્ય છે. તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ એવું કહેવાયું છે.

વિસર્જન પાછળની ધાર્મિક માન્યતા એવું કહે છે કે ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ મહાભારતની કથા ગણપતિજીને સતત ૧૦ દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિજીએ પોતાના દાંતથી અક્ષરશઃ લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે ૧૦ દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટનાં કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીનાં રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી એટલે કે અનંત ચતુર્દશીનાં રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.

આપણે વર્ષોથી ગણપતિ બાપ્પા મોરિયાનાં નામનો જય જય કાર કરતાં આવ્યા છીએ પણ ગણપતિ બાપ્પા સાથે મોરિયા નામ જોડાયાની પાછળ ગણપતિજીનું મયુરેશ્વર સ્વરૂપ મનાય છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવનાં અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યું. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયુરને વાહન તરીકે પસંદ કર્યાં અને છ ભૂજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા બધા જ ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાનાં જય જય કાર સાથે કરે છે અને એનો નાદ બધે જ ગુંજે છે.

બીજી એક રસપ્રદ વાત એ છે કે મહારાષ્ટ્રનાં મોરગાંવ મંદિર સાથે નજીકથી જાડાયેલા મોરિયા ગોસાવીએ ગણેશ પૂજાને ખ્યાતિ અપાવી હતી. સંત મોરિયા ગોસાવીએ જીવનભર માત્ર ગણેશજીની જ પૂજા કરી. મરાઠી ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ આ સંત ગણેશજીનાં બહુ મોટા ભક્ત હતા અને બાપ્પાએ જાતે તેમને આશીર્વાદ આપ્યા હતા. તેમણે આકરુ તપ કરીને ગણપતિ દાદાની આરાધના કરી હતી.

એવું મનાય છે કે ગણપતિ દાદાએ મયુરેશ્વરનાં સ્વરૂપમાં સાક્ષાત મોરિયાને દર્શન આપ્યા હતા. ગણેશજીએ જ્યારે મોરિયાને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તે ગણેશજી સાથે એક થવા માંગે છે. આથી તે દિવસથી મોરિયાનું નામ ગણપતિ દાદાનાં નામ સાથે જોડાઈ ગયું છે. તેમની યાદમાં મોરગાંવનાં ગણેશ મોરેશ્વર કહેવાયા અને ભક્તો ગણેશજીને ગણપતિ બાપ્પા મોરિયા કહે છે.

આ તહેવાર સાથે ફક્ત ધાર્મિક માન્યતા જ નહિ પણ રાષ્ટ્રવાદ પણ જોડાયેલો છે. મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક શિવાજીનાં શાસન દરમિયાન પૂણેમાં જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતનાં એક સ્વાતંત્ર સેનાની અને સમાજ સુધારક એવા બાળ ગંગાધર તિલક એ આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવતાં શીખવ્યો. આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હતો.

એમણે આઝાદીની લડત શરૂ કરી હતી તેથી આ તહેવાર એ સમયે અનેક સ્વાતંત્ર સેનાની તેમાં જોડાય અને આઝાદીની લડતમાં ભાગ લે એ માટે શરુ કરાયો. સામૂહિક સમુદાયની પુજાનાં હેતુ સાથે આ તહેવાર પાછળની સાંસ્કૃતિક એકતા સમજી અને લોકોને આ તહેવારથી જોડાવ્યાં હતા અને આ રીતે ગણેશોત્સવ તહેવારની ઉજવણીનો ભવ્યાતીભવ્ય રીતે પ્રારંભ થયો.

જોકે આજનાં સમયને જોતા મને તો એવું પણ લાગી રહયું છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂરી કરાવવા માંગતા હોય તે ભગવાન ગણપતિનાં કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના બાદ ૧૦ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે ચતુર્દશીનાં દિવસે તેમને વહેતા પાણીમાં વિસર્જિત કરીને ઠંડા કરાય છે.

ચાલો આપણે બધા પણ એક સંકલ્પ કરીયે કે જયારે પણ ગણપતિ વિસર્જન કરવાં જઇયે ત્યારે સાથે થોડું “હું” નું પણ વિસર્જન કરતા આવીયે..!! ગણપતિ બાપ્પા મોરિયા..!! મંગલમૂર્તિ મોરિયા..પુઢચ્યા વર્ષી લૌકરિયા..!!

સૌજન્ય:- વૈભવી જોષી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments