સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામની ગિરિમાળાઓમાં આવેલું ગરુડેશ્વર મહાદેવનું મંદિર અતિપુરાણું અને રમણીય સ્થળ છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો જુનો અને ભવ્ય છે કહેવાય છે કે પૂર્વે ગરૂડ દેવતા અને સાપ દેવતા બંને વચ્ચે માતા-પિતા બાબતમાં વિવાદ સર્જાયો હતો.
જેના લીધે બંને વચ્ચે ધ્વંધ યુદ્ધ થયું હતું. આ યુદ્ધની શરૂઆત ખેડબ્રહ્મા સ્થિત હાલ પંખેશ્વર મહાદેવ મંદિરેથી થઈ નાદરી ખાતે આવેલા ગરુડેશ્વર મહાદેવના મંદિર આગળ થઈ લડતા લડતા ઈડરના ગઢ, વડનગર, અમદાવાદના માણેકચોક પહોંચ્યા હતા. ત્યારબાદ લડતા આગળ દ્વારકા પાસે નારેશ્વર થઈને છેલ્લે કચ્છમાં આવેલ ભુજીયા ડુંગર પર યુદ્ધ પુરુ થયું હતું.
ગરુડેશ્વર મહાદેવના મંદિર આગળ પર્વત હતો યુદ્ધ થવાને લીધે મોટી ખાઈ થઈ ગઇ હતી, તેનો પુરાવો અત્યારે પણ છે. આ ગામની બાજુમાં ગાડું કરીને એક ગામ છે કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ગાડું ગામ એક મોટી નગરીના સ્વરૂપમાં હતું. આ નગરીમાં નાગર બ્રાહ્મણો રહેતા હતા.
આ સમયે ભગવાન શંકર અહીંથી પસાર થયા હતા ત્યારે ભગવાને આ નાગર બ્રાહ્મણોને મંદિર સ્થાપિત કરવા અને ભગવાન ગરુડની યાદો હોવાથી ગરુડેશ્વર મહાદેવ એવું નામ આપ્યું હતું. આ બ્રાહ્મણોએ અહીં નાદરી ગામે સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ મંદિરના ઇતિહાસ વિશે ગરૂડ પુરાણમાં પણ ઉલ્લેખ છે.
આ મંદિરમાં મહાનિર્વાણિ અખાડા મહંત શ્રી રામેશ્વરગિરી છેલ્લા ૬૫ વર્ષથી સતત સેવા આપી રહયા છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંનું લિંગ આકારમાં નથી સ્થાપનાથી જ ખંડિત આકારનું છે. આવા પૌરાણિક અને ભવ્ય શિવ સ્વરૂપનું શ્રાવણ માસમાં દર્શન કરી ભકતો ધન્યતા અનુભવે છે.
સૌજન્ય:- તુષાર પ્રજાપતિ