પિતૃ પક્ષ વિશે માન્યતા છે કે યમરાજ પણ આ દિવસોમાં પિતૃઓની આત્માને મુક્ત કરી દેતા હોય છે, જેથી 16 દિવસ સુધી પોતાના પરિવારની વચ્ચે રહીને અન્ન અને જળ ગ્રહણ કરીને સંતુષ્ટ થઈ શકે. પિતૃ પક્ષને શ્રાદ્ધ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પુરાણો અનુસાર મૃત્યુ પછી પિંડદાન કરવું મોક્ષ પ્રાપ્તિનો સહજ અને સરળ માર્ગ છે.
પિંડદાન દેશની કેટલીય જગ્યાએ કરવામાં આવે છે, પણ બિહારના ગયા માં પિંડદાન કરવાનું એક અલગ જ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે ગયા ધામમાં પિંડદાન કરવાથી ૧૦૮ કુળ અને ૭ પેઢીઓનો ઉદ્ધાર થાય છે. ગયા માં કરેલા પિંડદાનના ગુણગાન ભગવાન શ્રીરામએ પણ કર્યા હતા. કહેવામાં આવે છે કે આ જગ્યાએ જ ભગવાન રામ અને માતા સીતાએ રાજા દશરથનું પિંડદાન કર્યુ હતુ. ગરૂડ પુરાણ મુજબ જો આ જગ્યાએ પિંડદાન કરવામાં આવે તો પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વયં શ્રીહરિ ભગવાન વિષ્ણુ અહીયા પિતૃ દેવના સ્વરૂપમાં હાજર છે, એટલા માટે આને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે.
ગયાજી માં પિંડદાનનું વિશેષ મહત્વ છે, દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરવા આવે છે. માન્યતા છે કે અહીં પિંડદાન કરવાથી મૃત આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સાથે જ તેમની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્વયં ભગવાન વિષ્ણુ અહીં જળના રૂપમાં વાસ કરે છે, ગરૂડ પુરાણમાં પણ ગયા માં પિંડદાન કરવાનું વિશેષ મહત્વ જણાવામાં આવ્યુ છે.
ગરૂડ પુરાણના આઘાર કાણ્ડમાં ગયા જી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના અનુસાર જ્યારે બ્રહ્માજી શ્રુષ્ટિની રચના કરી રહ્યા હતા, એ સમયે અસુર કુળમાં ગયા નામના એક અસુરની રચના થઈ, તેણે કોઈ અસુર સ્ત્રીના ગર્ભમાંથી જન્મ નહોતો લીધો, એટલા માટે તેનામાં અસુરો વાળા લક્ષણો ન હતા, એટલે તેણે વિચાર્યું કે જો કોઈ મોટું કામ નહી કરુ તો મારા કુળમાં મને સન્માન નહી મળે, આવુ વિચારીને તે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરવામાં લીન થઈ ગયો. કેટલાક સમય પછી ગયાસુરની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને સાક્ષાત દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા માટે કહ્યું.
આ સાંભળીને ગયાસુરએ ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે મારા શરીરમાં સાક્ષાત વાસ કરો, જેથી જે મને જુએ તેમના તમામ પાપ નષ્ટ થઈ જાય અને એ જીવ પુણ્ય આત્મા થઈ જાય. તથા તેને સ્વર્ગમાં સ્થાન મળે. ભગવાન વિષ્ણુએ આ વરદાન આપી દીધું, ત્યારબાદ ગયાસુરને જે કોઈ પણ જોતું તેમના સમસ્ત કષ્ટોનું નિવારણ થઈ જતુ અને દુઃખ દૂર થઈ જતા.
આ જોઈને બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુના શરણમાં આવ્યા. ભગવાન વિષ્ણુએ સમસ્ત દેવતાઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તેનો અંત જરૂર થશે. આ સાંભળીને બધા દેવતાઓ પોત પોતાના ધામ પાછા ચાલ્યા ગયા. થોડા દિવસો પછી ગયાસુર ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈને કીકટદેશમાં શયન કરવા લાગ્યા, એ સમયે ગયાસુર ભગવાન વિષ્ણુની ગદાથી અવસાન પામ્યો, પરંતુ ગયાસુરે પોતાનો શ્વાસ છોડતા પહેલા ભગવાન વિષ્ણુ પાસે એક વરદાન માંગ્યું કે તમે સમસ્ત દેવતાઓ સાથે અદ્રશ્ય રૂપથી આ શિલા પર બિરાજમાન રહો અને આ સ્થળ મૃત્યુ પછી કરવામાં આવતી ધાર્મિક અનુષ્ઠાનોનું એક તીર્થ સ્થળ બને.
આ સાંભળીને શ્રી હરિએ ગયાસુરને આર્શીવાદ આપ્યા હતા કે અહીં પિતૃઓના શ્રાદ્ધ તર્પણ કરવાથી મૃત આત્માઓને પીડાથી મુક્તિ મળશે, ગરૂડ પુરાણ મુજબ ત્યારથી આ જગ્યાએ પિતૃઓના શ્રાદ્ધનું તર્પણ થવા લાગ્યું છે.
ગરૂડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ સ્વયંમ અહીંયા જળના સ્વરૂપમાં બિરાજમાન છે, એટલા માટે ગરૂડ પુરાણમાં વર્ણન છે કે 21 પેઢીઓ માંથી કોઈ પણ એક વ્યક્તિનો પગ પણ જો ફલ્ગુને સ્પર્શ કરી જાય તો તેમના સમસ્ત કુળનો ઉદ્ધાર થઈ જાય છે.
ગરૂડ પુરાણ મુજબ ભગવાન રામ અને માતા સીતાએ પણ આ જગ્યાએ રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. ગરૂડ પુરાણમાં ઉલ્લેખિત એક કથા અનુસાર ભગવાન રામ સીતા અને લક્ષ્મણજી તેમના પિતા રાજા દશરથનું પિંડદાન કરવા માટે અયોધ્યાથી ગયાજી આવ્યા હતા. ભગવાન રામ અને લક્ષ્મણજી પિંડદાનની સામગ્રી એકત્રિત કરવા માટે ગયા હતા અને માતા સીતા ફલ્ગુ નદીના કિનારે બેસીને તેમની રાહ જોઈ રહ્યા હતા. પણ ત્યારે જ રાજા દશરથજીની આત્માએ પિંડદાન કરવાની માગણી કરી, એવામાં માતા સીતાજી એ ફલ્ગુ નદી ની સાથે વટવૃક્ષ, કેતકીના ફૂલ અને ગાયને સાક્ષી માનીને પિંડ બનાવીને પિંડદાન કરી દીધું હતું.