Homeરસપ્રદ વાતો80 લાખના પગાર વાળી નોકરી છોડીને કરી રહ્યો છે ગંદા તળાવો સાફ…

80 લાખના પગાર વાળી નોકરી છોડીને કરી રહ્યો છે ગંદા તળાવો સાફ…

ચેન્નાઈથી ૨૯ કિલોમીટર દુર આવેલા મુદિચૂર ગામમાં રહેતો અરુણ કૃષ્ણમૂર્તિ ભણવામાં ખુબ હોશિયાર હતો. અરુણની ઉમર નાની હતી પરંતુ દેશ માટે કંઈક મોટું કરવાના એ સપનાઓ જોતો હતો. ગામનાં પર્યાવરણપ્રેમી સરપંચ એના આદર્શ હતા. નાનો હતો ત્યારથી અભ્યાસની સાથે ગામના તળાવની સફાઈ કરવાના અને વૃક્ષોની જાળવણીના સેવા કાર્યમાં એ અગ્રેસર રહેતો. અભ્યાસ પૂર્ણ કરીને કોઈ સારી કંપનીમાં ઊંચા પગારની નોકરી મળે એવું દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય. અરુણને એની કાબેલિયતના દમ પર ગુગલમાં લાખો રૂપિયાના પગાર વાળી નોકરી મળી. વાર્ષિક લગભગ ૮૦ લાખની આસપાસનું પેકેજ હતું.

યુવાન વયે આટલા ઊંચા પગારની નોકરી મળે પછી બીજું શું જોઈએ ? અરુણની હૈદરાબાદમાં નોકરી હતી તે સમય દરમ્યાન પ્રકૃતિપ્રેમને કારણે એ ગુરુનધાન તળાવ જતો. તળાવની ગંદકી જોઈને એનું મન વિચલિત થઇ જતું. એકદિવસ અરુણે સંકલ્પ કર્યો કે ‘મારે આ તળાવને ચોખ્ખું કરવું છે. માત્ર આ એક જ નહિ આખા દેશમાં જ્યાં જ્યાં મોટા તળાવ અને સરોવર ગંદકીથી ખદબદતા હોય એને ચોખ્ખા કરવા માટે મારે કામ કરવું છે. અત્યારે ભલે હું એકલો રહ્યો પણ મને વિશ્વાસ છે કે ધીમે ધીમે મારા અભિયાનમાં લોકો જોડાતા જશે. જેટલા તળાવ-સરોવર સાફ કરી શકાય એટલા કરવા છે અને પર્યાવરણની સેવા કરવી છે.’

પર્યાવરણની સેવા કરવા માટે સમયનું બંધન ન નડે એટલે અરુણે વાર્ષિક ૮૦ લાખના પેકેજની ગુગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડી દીધી અને ‘ક્રીસ ઇન્ફો મીડિયા’ નામની પોતાની કંપની શરુ કરી. પોતાની કંપનીનું કામ સંભાળવાની સાથે એણે તળાવોને ચોખ્ખા કરવાનું અભિયાન શરુ કર્યું. આ અભિયાનમાં ૧૩ વર્ષથી ૧૯ વર્ષના વિદ્યાર્થીઓને સામેલ કર્યા. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડી પરંતુ પછી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાતા ગયા અને સૌએ સાથે મળીને હૈદરાબાદનાં ગુરુનધાન તળાવને એકદમ ચોખ્ખું કરી દીધું. હૈદરાબાદ પછી દેશના બીજા શહેરોમાં પણ આ તળાવ સફાઈ અભિયાન શરુ કર્યું અને તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને જોડ્યા.

અરુણ જ્યારે વિદ્યાર્થીઓને પર્યાવરણના મહત્વ વિષે અને પોતાના સફાઈ અભિયાનમાં જોડાવા વિષે વાત કરે ત્યારે પ્રવચનોને બદલે વિદ્યાર્થીઓને ગમે એવા ડાન્સ, ડ્રામા, રમતો વગેરે માધ્યામોનો ઉપયોગ કરે જેથી વિદ્યાર્થીઓ બોરિંગ ન થાય અને સરળતાથી વાતને સમજી શકે. એકલપંડે શરુ કરેલી આ સેવામાં આજે સમગ્ર દેશમાંથી ૧૨૦૦થી પણ વધુ યુવાનો જોડાયા છે અને અત્યાર સુધીમાં જુદા જુદા રાજ્યોના ૯૩થી વધુ તળાવો-સરોવરોની ગંદકી દુર કરીને એને ચોખ્ખા બનાવી દીધા છે.

જીવનની સાર્થકતા માત્ર ઊંચા પગારવાળી નોકરીમાં જ નથી. આપણી આંખોને દેશની અને દેશવાસીઓની સમસ્યાઓ દેખાય અને આપણું હૃદય એ સમસ્યાઓ દુર કરવા માટે આપણને ઉશ્કેરે એ જ જીવનની સાર્થકતા છે. નદી, તળાવ અને સરોવરો ચોખ્ખા ન કરીએ તો કોઈ વાંધો નહિ, કમસેકમ ગંદા તો ન કરીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments